Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટના મેયર કોણ ? માર્ચમાં ફેંસલો

મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે OBC અને બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત : સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનમાં યુવા - સિનિયર કોર્પોરેટર તથા સૌ પ્રથમ વખત મહિલા ચેરપર્સનની પસંદગીની શકયતા : ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતાના નામો ચર્ચામાં

રાજકોટ તા. ૨૫ : રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન કોણ બનશે તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે. રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર આ વખતે ઓબીસી અનામત હોય વોર્ડ નં. ૧ના ચૂંટાયેલા કોર્પોરેશન ડો. અલ્પેશ મોરઝરીયાની દાવેદારી વધુ મજબૂત ગણાય છે. જેની સાથે નરેન્દ્ર ડવ, પ્રદિપ ડવ, બાબુ ઉધરેજા તથા નીલેશ જલુના નામોની ચર્ચા ચાલી રહી છે. જ્યારે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પદ માટે કોઇ સિનીયર કોર્પોરેટર અથવા રાજકોટ મ્યુ. કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ મહિલા ચેરપર્સનની પસંદગી નકારી શકાતી નથી.

ચૂંટણીમાં ભાજપના ૬૮ ઉમેદવાર જીત્યા બાદ હવે આગામી માર્ચ મહિનાના પ્રારંભે જનરલ બોર્ડ બોલાવી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંકોની તૈયારી શરૂ થઇ ગઇ છે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પદ માટે અત્યારની લોબીંગ થઇ રહ્યું છે. ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિમાં અને અન્ય કમિટિમાં ચેરમેન પદ અને સ્થાન મેળવવા પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

મેયર પદ માટે અનેક નામની ચર્ચા

રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદના ઉમેદવાર માટે હાલ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યારબાદના અઢી વર્ષ માટે મેયરનું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે OBC તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત નક્કી કરવામાં આવ્યું છે.

ડો. અલ્પેશ મોરઝરીયાના પત્ની અંજના મોરઝરીયા ગત ટર્મમાં ભાજપના કોર્પોરેટર રહી ચૂકયા છે. ૨૨ વર્ષથી લાખના બંગલા પાસે સત્યનારાયણનગર મેઈન રોડ પર પ્રજાપતિ કિલનિક આવેલું છે અને મેડિકલ પ્રેકિટસ કરે છે. ગાંધીગ્રામ ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકયા છે. પહેલી વખત જ ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા છે.

જ્યારે રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખ અને રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ રહી ચૂકયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે રહી વિદ્યાર્થીઓના પ્રશ્નો નિરાકરણ કરી વિદ્યાર્થી નેતા તરીકે સફળ નેતૃત્વ કર્યુ છે. વોર્ડ નંબર ૧૨ના ૪ વર્ષ પ્રભારી રહી ચૂકયા છે અને આ દરમિયાન સંગઠન સાથે લોકોની પાયાની જરૂરિયાત પૂરી કરવા મદદરૂપ બન્યા છે.

બાબુભાઇ ઉધરેજા અગાઉ રાજકોટ મનપામાં બે વખત કોર્પોરેટર રહી ચૂકયા છે. કોંગ્રેસનું શાસન હતું એ સમયે એટલે કે વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ અને ૨૦૧૦થી ૨૦૧૫ સુધી આમ ૨ ટર્મ મનપામાં કોર્પોરેટર રહી ચૂકયા છે. પાર્ટી દ્વારા વર્ષ ૨૦૧૩માં શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપી હતી. હાલ તેઓ ચુવાળીયા કોળી સમાજના વિદ્યાર્થી ભવન સંસ્થાના પ્રમુખ છે.

કોઠારીયા રોડ વિસ્તારના વોર્ડ નં. ૧૬માંથી નરેન્દ્ર ડવ બીજી વખત ચૂંટાયા છે. ગત ટર્મમાં તેઓને ટીકીટ મળી ન હતી. આ વોર્ડ કોંગ્રેસે કબ્જો કર્યો હતો. ફરી આ ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે વોર્ડ નં. ૧૪માંથી વિજય બનેલા નીલેશ જલુનું નામ પણ મેયર પદના દાવેદારમાં છે. તેઓ પ્રથમ વખત ચુંટણી લડી વિજય થયા છે. વોર્ડ નં. ૧૪માં ભાજપના પ્રમુખ સહિતની વિવિધ સંગઠનાત્મક જવાબદારી નિભાવી ચૂકયા છે.

ડે.મેયર - સ્ટે. ચેરમેન પદ માટે લોબિંગ

આગામી સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદાની નિમણૂક થવાની છે ત્યારે મેયર ઓબીસી બાદ ડેપ્યુટી મેયર પદે પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે તેવી શકયતા જોવાય રહી છે. ઉલ્લેખનીય છે કે મનપામાં મેયર બાદ મહત્વનો હોદ્દો એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ પદ માટે હાલમાં શિક્ષિત અને યુવા ચહેરા તરીકે નેહલ શુકલનું નામ આગળ ચાલી રહ્યું છે. જો કે બીજી તરફ આ હોદા પર અનુભવી ચહેરાની પસંદગી કરવામાં આવે તો જયમીન ઠાકર, દેવાંગ માંકડના નામો ચર્ચામાં છે.

રાજકોટ મ્યુ. કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પદ માટે મહિલા ચેરપર્સન બનાવવામાં આવે તો નવાય નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં વડોદરા મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી હતી.

(3:11 pm IST)