Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આજે - કાલે બે દિવસ શહેરમાં ૨૫ ટેબ્લો ફરશે ૧૫ સ્થળોએ પોલીસ સહિતના બેન્ડ દ્વારા સ્વાગત

પ્રજાસત્તાક પર્વ : વિવિધ ખાતાની જાણકારી આપતા : આજે સાંજે બહુમાળી ભવન ખાતેથી મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવશે

રાજકોટ તા. ૨૫ : રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં સરકારશ્રીના વિવિધ ખાતાની યોજનાઓની જાણકારી આપતા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના કુલ ૨૫ જેટલા ટેબ્લો રજૂ થશે. આ રાષ્ટ્રીયપર્વના ઉજવણીમાં નવતર અભિગમ અપનાવીને મોટી સંખ્યામાં પ્રજાજનો સરકારશ્રીની વિવિધ યોજનાઓ ટેબ્લોના માધ્યમ દ્વારા જાણકારી મેળવી શકે તે માટે આ ટેબ્લોને તા.૨૫ના રોજ સાંજે ૫-૦૦ કલાકે રેસકોર્સના બહુમાળી ભવનના ચોકમાંથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પ્રસ્થાન કરાવશે.

આજ રોજ આ વિવિધ વાહનોમાં તૈયાર કરાયેલ ટેબ્લો બહુમાળી ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, માલવીયા સર્કલ, ત્રિકોણબાગ, લીંબડા ચોક, ફુલછાબ ચોક ફરીને ટેબ્લો રેસકોર્સ પરત આવશે.

તા.૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના ધ્વજ વંદનના પરેડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તા.૨૬ના રોજ રાજકોટ શહેરના અન્ય રૂટમાં આવતા વિસ્તારોમાં ટેબ્લો ફેરવવામાં આવશે. જેમાં, રેસકોર્સ થઇને જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, (કાલાવડ રોડ) કોટેચા ચોક, કે.કે.વી. હોલ, આત્મીય કોલેજ, લવ ટેમ્પલ, સૌરાષ્ટ્ર યુનીવર્સિટી, પંચાયતનગર ચોક, (યુનિવર્સિટી રોડ), ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, નિર્મલા કોન્વેન્ટ રોડ, હનુમાન મઢી, એરપોરર્ટ રોડ થઇને રેસકોર્સ ટેબ્લો પરત આવશે.

આ બે દિવસ દરમિયાન ટેબ્લોનું શહેરના ૧૫ ચોકમાં સંગીતની સુરાવલી બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવશે. જેમાં, બહુમાળી ભવન ચોકમાં પોલીસ વિભાગના બેન્ડ દ્વારા સ્વાગત, જિલ્લા પંચાયત ચોકમાં નિર્મલા કોન્વેન્ટ સ્કુલનુ બેન્ડ, જાગનાથ મંદિર (યાજ્ઞિક રોડ)માં સંસ્કાર ધામ સંસ્થાના બેન્ડ દ્વારા, કલ્યાણ જવેલર્સ સામે પોલીસ વિભાગનું બેન્ડ, માલવીયા સર્કલ (ગોંડલ રોડ)માં રાજકુમાર કોલેજ, ત્રિકોણબાગમાં સેન્ટપોલ સ્કુલ, લીંબડા ચોકમાં પોલીસ અને મોટી ટાંકી ચોકમાં આત્મીય યુનિવર્સિટીના બેન્ડ દ્વારા તેમજ નારી સંરક્ષણ ગૃહ, લેવીસ શોરૂમ, મોચી શોરૂમ, તનિષ્ક એપાર્ટમેન્ટ, એકસીસ બેંક આગળ (લીંબડા ચોક), ફુલછાબ ચોક અને ફુડ કોર્પોરેશન કચેરી, (ડી.એસ.પી. કચેરી સામે), વગેરે સ્થળે પોલીસ બેન્ડ દ્વારા ટેબ્લોનું સ્વાગત કરવામાં આવશે.

આ ટેબ્લોના નિદર્શનનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(11:30 am IST)