Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઇ-મેમા દંડની બાકી રકમ ભરજો... નહિ તો વાહનો જપ્ત કરાશે

નો પાર્કિંગ, રોંગસાઇડ, ટ્રીપલ સ્વારી સહિતના ઇ-મેમાના દંડની રકમ ભરવામાં બેદરકારી દાખવનાર સામે ટ્રાફિક પોલીસ હવે લાલ આંખ કરશે : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના એસીપી ભરતસિંહ ચાવડાએ ૨૦થી વધુ ઇ-મેમાના દંડની રકમ બાકી હોય તેવા ૧૦૦થી વધુ વાહનચાલકોનું લીસ્ટ તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી : ટ્રાફિક પોલીસની ટીમ વાહન ચાલકોના ઘરે જઇ બાકી દંડની રકમ ભરવા સમજાવશે અન્યથા વાહન જપ્ત કરવાની કાયદાકીય કાર્યવાહી કરશે : ઇ-મેમા દંડની કરોડોની રકમ બાકી !

(રાજભા ઝાલા દ્વારા) રાજકોટ તા. ૨૮ : શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમા મોકલાય છે પરંતુ વાહનચાલકો આ ઇ-મેમા દંડની રકમ ભરતા ન હોય ટ્રાફિક પોલીસ હવે લાલ આંખ કરી ઇ-મેમા દંડની રકમ ન ભરનાર વાહન ચાલકોને ઘરે જઇ દંડ ભરવા સમજાવશે અન્યથા વાહન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરનાર છે.

આઇવે પ્રોજેકટ અંતર્ગત શહેરના મુખ્યમાર્ગો અને ચોકમાં ટ્રાફિક પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા ૯૦૦થી વધુ સીસીટીવી કેમેરાઓ કાર્યરત છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને શહેર પોલીસના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા દંડની રકમના ઇ-મેમા મોકલાઇ છે. અનેક વાહનચાલકો ઇ-મેમા દંડની રકમ રૂબરૂ અથવા તો ઓનલાઇન ભરી દયે છે. જ્યારે અમુક વાહન ચાલકો 'આગળ જતા જોયુ જશે' તેમ કહી ઇ-મેમાની રકમ ભરતા નથી.

શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સેંકડો વાહન ચાલકોને શહેર પોલીસના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ઇ-મેમા મોકલાય છે પરંતુ ટ્રાફિક શાખા દ્વારા ઇ-મેમા દંડના વસુલાતની કડક કાર્યવાહી ન કરાતા કરોડો રૂપિયાના દંડની વસુલાત બાકી છે.

ઇ-મેમા દંડની કડક વસુલાત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુચના આપતા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના એએસપી ભરતસિંહ ચાવડાએ ઇ-મેમા દંડની રકમ ન ભરનાર વાહનચાલકોનું લીસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં ૧૦૦થી વધુ વાહનચાલકો કે જેને ૨૦થી વધુ ઇ-મેમા આવ્યા છતાં દંડની રકમ ભરી ન હોવાનું બહાર આવતા આવા વાહન ચાલકોની અલગ યાદી તૈયાર કરી દંડ વસુલવા કાર્યવાહી કરી હતી.

ટ્રાફિક શાખાના એસીપી ભરતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જે વાહન ચાલકોના ૨૦થી વધુ ઇ-મેમાના દંડની રકમ બાકી છે તેવા ૧૦૦થી વધુ વાહનચાલકોના ઘરે ટ્રાફિક પોલીસની ટીમ જઇ બાકી દંડની રકમ ભરવા સમજાવશે. ટ્રાફિક પોલીસના સમજાવવા છતાં પણ આવા વાહનચાલકો દંડની રકમ નહિ ભરે તો આવા વાહનચાલકોનું વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાએ નો પાર્કિંગ, રોંગસાઇડ, ટ્રીપલસવારી સહિતના ઇ-મેમાના દંડની રકમ ભરવામાં બેદરકારી દાખવનાર વાહનચાલકો સામે લાલ આંખ કરી કડક દંડ વસુલાતની ઝુંબેશ હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, ટ્રાફિકના નિયમોનો ભંગ સબબ સેંકડો વાહનચાલકોને કરોડો રૂપિયાના ઇ-મેમા અપાયા છે પરંતુ વાહનચાલકો દ્વારા દંડની રકમ ભરવામાં બેદરકારી દાખવાતા કરોડો રૂપિયાના દંડની વસુલાત બાકી છે.

(3:17 pm IST)