Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

નવા પાંચ ગામોમાં મિલ્કત વેરા આકારણી : ૧૫ કરોડની આવક થશે

શહેરમાં ભેળવાયેલ માધાપર, મુંજકા, મોટા મવા, ઘંટેશ્વર, મનહરપુરમાં ૩૦ હજાર મીલ્કતો : તમામ મિલ્કતોની કારપેટ મુજબ આકારણી શરૂ : વિસ્તાર અને જગ્યાના જંત્રી ભાવ મુજબ વેરા દર : રહેણાંક વધારે ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ, મિલ્કતો ઓછી : ૨૦૨૧માં નવા વેરા બીલ આપી દેવાશે

રાજકોટ તા. ૨૪ : શહેરમાં નવા ભેળવાયેલ માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા, મનહર પુ.(૧) એમ આ પાંચેય ગામની મિલ્કતોનો સર્વે મ.ન.પા.ની વેરા વિભાગે પૂર્ણ કરી લીધો છે અને આ પાંચેય ગામોની કુલ ૩૦ હજાર જેટલી મિલ્કતોની નોંધણી થઇ ગઇ છે.

હવે આ મિલકતોની કારપેટ વેરા મુજબ આકારણી કરી નવા ૨૦૨૧ના વર્ષથી તમામ મિલ્કત ધારકોને વેરા બીલ આપવા કાર્યવાહી શરૂ કરાઇ છે અને એક અંદાજ મુજબ ૧૦ થી ૧૫ કરોડની વેરા આવક આ નવી મીલ્કતોથી થશે.

આ અંગે વેરા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ નવા પાંચેય ગામોમાં કુલ ૩૦ હજાર મિલ્કતોની મકાન વેરા આકારણી કારપેટ એરિયા પધ્ધતિથી કરવા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ હેતુની મિલ્કતો છે તેથી સંભવિત વેરા આવક ૧૦ થી ૧૫ કરોડ જેટલી રહેશે. વેરા આકારણી મીલ્કતનો વેરા દર વિસ્તાર અને સ્થળની જંત્રી મુજબ નક્કી કરીને પછી ૨૦૨૧માં તમામને વેરા બીલ આપવાનું શરૂ થઇ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

હોર્ડીંગ્સ - વ્યવસાય વેરો અને વાહન વેરા માટે સર્વે શરૂ કરવામાં આવશે

યુનિવર્સિટીનો મકાન વેરો પણ વધી જશે

રાજકોટ : હવે મ.ન.પા.ના તંત્રવાહકો દ્વારા નવા પાંચેય ગામોમાં આવેલ હોર્ડીંગ્સ સાઇટો તથા વાહનવેરા માટે વાહનના શો-રૂમ અને વ્યવસાયિકોનો સર્વે શરૂ કરવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ હોર્ડીંગ્સ બોર્ડ લાયસન્સ ફી, વાહન વેરો અને વ્યવસાય વેરો વસુલવાની કાર્યવાહી પણ ૨૦૨૧થી થશે. દરમિયાન નોંધનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુંજકામાં આવતી મિલ્કતોનો નવી વેરા આકારણી થતાં હવે તેના વેરામાં લાખોનો વધારો થશે.

(3:17 pm IST)