Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કાલે ગીતાજયંતિઃ ગીતા વિદ્યાલયનો ૫૬માં વર્ષમાં પ્રવેશ

મનહરલાલજી મહારાજ જામનગર, રાજકોટ, ગોંડલ, ખાંડાધાર, કોસંબા, ધારી, ધ્રોલમાં સંસ્થાની સ્થાપના કરેલી : બાળ સંસ્કાર, ગીતા પ્રચાર, કારકીર્દી માર્ગદર્શન જેવી સંસ્થાની પ્રવૃતિઓઃ ડો. કૃષ્ણકુમાર મહેતા

રાજકોટઃ શહેરના જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ તા. ૨૫ને શુક્રવારે ગીતા જયંતીના રોજ ભગવદ્ ગીતાનો ગુંજારવ અને માનવસેવાના ૫૫ વર્ષોથી સેવાયાત્રા પૂર્ણ કરીને ૫૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે તે ધ્યાનમાં રાખીને જો બાળકોને બાળપણથી જ ગીતાજી રામાયણનું અધ્યયન કરાવવામાં આવે તો સદાચાર સદગુણ સહિષ્ણુતાથી જ પરિપૂર્ણ આદર્શ નાગરિકોનું ઘડતર થાય અને એક આદર્શ ભારત રાષ્ટ્રનું નિર્માણ થાય. આ ભવ્ય હેતુને નજર સમક્ષ રાખીને ભાગવતાચાર્ય શ્રી મનહર લાલજી મહારાજે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, ગોંડલ, ખાંડાધાર, કોસંબા, ધારી, ધ્રોલ સહિત અનેક સ્થળોએ ગીતા વિદ્યાલય ની સ્થાપના કરી, જેમાં રાજકોટમાં આજથી ૫૫ વર્ષો પૂર્વે ગીતાજયંતીના રોજ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી.

રાજકોટ શહેરના જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૫ વર્ષોથી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતાપ્રચાર, સંસ્કૃત  પ્રચાર, નિઃશુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તકમેળો, મેડિકલ સાધન-સહાય, જ્ઞાનયજ્ઞ, બાળમજૂરી નાબુદી અભિયાન, સતસાહિત્યનું વિતરણ, વ્યસનમુકિત વગેરે સેવા પ્રવૃત્ત્િ।ઓનું નિયમિતપણે સંચાલન થાય છે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને કારણે રાજકોટ મહાનગરપાલિકાએ જંકશન પ્લોટ મેઇન રોડને ગીતા વિદ્યાલય નામ આપેલ છે.

નાતજાત કે ધર્મના ભેદભાવ વિના બિનરાજકીય બિનવિવાદાસ્પદ ધોરણે છેલ્લા ૫૫ વર્ષોથી ગીતા પ્રચારના પાયાનું કાર્ય કરી રહેલ રજીસ્ટર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગીતા વિદ્યાલયની ગીતા મંદિરના ૫૬ માં વર્ષમાં પ્રવેશ સમયે છેલ્લા ૫૫ વર્ષો દરમિયાન મળેલા સહકાર બદલ સૌ દાતાઓ શુભેચ્છકો પ્રત્યે ઋણસ્વીકાર સાથે આભારની લાગણી ગીતા વિદ્યાલયના સંચાલક ડો. કૃષ્ણકુમાર મહેતાએ વ્યકત કરી છે. ફોન -(૦૨૮૧) ૨૪૫૯૦૦૦

(2:36 pm IST)