Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બાંગ્લાદેશથી ભારતમાં આયાત થયેલ કોરોનાના

રેમડીસીવર ઇંજેકશનના ઉંચા ભાવ લઇને ઠગાઇ કરવા અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૪: અમદાવાદના ચકચારી રેમડેસીવીર ઇન્જેકશન વિધાઉટ લાયસન્સ મોટી માત્રાનો જથ્થો બાંગ્લાદેશથી ભારતમાં આયાત કરવામાં પકડાયેલ અમદાવાદના રહીશ દર્શન સુરેશભાઇ સોનીને ગુજરાત હાઇકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

અમદાવાદમાં ઇન્જેકશનનો ઉંચા ભાવે કોરોના પોઝીટીવ દર્દીઓના સગાઓને તથા ડોકટર્સને વગર બીલે વેચાણ આપેલ હોવાની હકિકત જાણવા મળેલ આમ નીલકંઠ એલીક્ષીર એલએલપી અમદાવાદના ભાગીદાર વૈશાલીબેન ગોયાણી, દર્શન સુરેશભાઇ સોની, પાર્થ ગોયાણી, પેઢીના કમિશન એજન્ટ સંદિપ માથુકીયા તથા બાંગ્લાદેશના શબ્બીર અહેમદ દવાના વેચાણ કે સંગ્રહના પરવાના વગર રેમડેસીવર દવાનું સંગ્રહ કરી બીલ કીંમતના લેબલ ઉપર છેકછાક કરી કિંમત કાઢી નાંખી મુળ કિંમત કરતા વધુ કિંમતે અલગ અલગ દર્દીઓના સંબંધીઓના વગર બીલે વેચાણ કરી કોરોનાથી પીડીત દર્દીઓ સાથે છેતરપીંડી કરી ગેરકાયદેસર રીતે આયાત કરેલ ઇન્જેકશનનું કાળા બજાર કરવાનું ગંભીર ગુનાહીત કાવતરૂ કરી દર્દીઓના જીવને જોખમ ઉભું કરી સદર ગુનાહીત કૃત્ય કરી આરોપીઓ પર ઇ.પી.કો. કલમ-૪૧૮, ૧ર૦(બી), ૩૪ તથા ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની કલમ-૧૦(સી), ૧૩(૧)(બી), ૧૮એ, ૧૮(બી), ૧૮(સી), ર૭, ર૭, ર૮ (એ) તથા સૌદર્ય પ્રસાધન નિયમ-૧૦૪(એ) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ-૩ અને ૭ થી ફરીયાદ કરેલ હતી.

આ કામના અરજદાર દર્શનભાઇ સુરેશભાઇ સોની એ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા જે તે સંજોગોને ધ્યાને લઇને અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજુર કરેલ જેનાથી નારાજ થઇ આ કામના અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં શ્રી રાકેશભાઇ દોશી, તુષારભાઇ ગોકાણી, પ્રતિકભાઇ જસાણી તથા સિનીયર કાઉન્સેલ શ્રી નીરૂપમભાઇ નાણાવટી દ્વારા જામીન અરજી દાખલ કરેલ.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી વી. એમ. પંચોલીએ અરજદારના એડવોકેટ તથા સરકારી વકીલની દલીલો સાંભળીને સિનીયર કાઉન્સીલ શ્રી નીરૂપમભાઇ નાણાવટીની દલીલોને માન્ય રાખી આ કામના અરજદારને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ.

આ કામના અરજદાર દર્શનભાઇ સુરેશભાઇ સોની વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ શ્રી રાકેશભાઇ દોશી, તુષારભાઇ ગોકાણી, ગૌતમ ગાંધી, રીપન ગોકાણી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનીયર કાઉન્સીલ શ્રી નીરૂપમભાઇ નાણાવટી તથા પ્રતિકભાઇ જસાણી રોકાયેલા.

(2:35 pm IST)