Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

૩૧ ડિસેમ્બરે રેલમછેલ થાય એ પહેલા શહેર ક્રાઇમ બ્રાંચ-એસઓજીની ટીમના દરોડા

અધધધ ૪૧ાા લાખનો દારૂ ભરેલા બે ટ્રક પકડાયા

વાહનો મળી કુલ ૭૧.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જેઃ કુવાડવા રોડ વોટર પાર્ક સામેથી રાજસ્થાન બાડમેરના દુદારામ અને સગીરને રૂ. ૧૮,૭૬,૮૦૦ના ૫૨૯૨ બોટલ ભરેલા ટ્રક સાથે અને ગુંદા ગામે વિનોદ ઉર્ફ વિનુ ઉર્ફ બોખાની વાડીમાં કટીંગ વખતે ત્રાટકી રૂ. ૨૨,૭૭,૭૨૦નો ૫૭૬૦ બોટલ દારૂ કબ્જે કરાયો : હેડકોન્સ. સમીરભાઇ શેખ અને કોન્સ. અજીતસિંહ પરમારની બાતમી પરથી પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા અને ટીમનો દરોડો : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચે ૨૦ દિવસમાં દારૂના ૧૯ કેસ કર્યા : કોન્સ. હિરેન સોલંકી, ભગીરથસિંહ, ઉમેશભાઇ અને સંજયભાઇની બાતમી પરથી પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમનો દરોડો

દારૂના જથ્થા સાથે જપ્ત થયેલા બંને ટ્રક, દારૂનો જથ્થો અને પકડાયેલો રાજસ્થાની શખ્સ દુદારામ જાટ તસ્વીરમાં નજરે પડે છે. તેમજ પશુ આહારના કોથળા અને પાછળ છુપાવેલી દારૂની પેટીઓ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૪: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે છતાંય અહિ દારૂ મળતો રહે છે અને પીવાતો રહે છે. તહેવારના દિવસોમાં તો રાજકોટ શહેરમાં જાણે દારૂની રીતસર માંગ વધી જાય છે. રાજકોટ સહિતના આસપાસના વિસ્તારો અને સોૈરાષ્ટ્રભરમાં ૩૧મી ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરી દેવા બૂટલેગરો મેદાનમાં આવી ગયા છે. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે બે દરોડામાં અધધધ રૂ. ૪૧,૫૪,૫૨૦નો ૧૧,૦૫૨ બોટલ દારૂ પકડી લીધો છે. આ દારૂ અને ટ્રક મળી કુલ રૂ. ૭૧,૬૦,૦૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. એક ટ્રક સાથે રાજસ્થાની શખ્સ અને સગીરને પકડી લેવાયા છે. જ્યારે એક દરોડામાં કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી હતી. જેમાં દારૂ મંગવાનારનું નામ પોલીસને મળી જતાં તેની શોધખોળથઇ રહી છે.

કુવાડવા હાઇવે પર દરોડો

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને એસઓજીના પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સમીરભાઇ શેખ અને કોન્સ. અજીતસિંહ પરમારને બાતમી મળી હતી કે કુવાડવા હાઇવે પરથી દારૂનો જથ્થો ભરીને ટ્રક આવી રહ્યો છે. જેના આધારે વોચ રાખવામાં આવતાં બાતમી મુજબનો ટ્રક (આઇશર) યુપી-૮૩ બીટી-૮૩૧૦ આવતાં તેને અટકાવી તલાશી લેતાં અંદરથી એપીસોડ, રોયલ ચેલેન્જ અને મેકડવછોેલ બ્રાંન્ડનો કુલ રૂ. ૧૮,૭૬,૮૦૦નો ૪૪૧ પેટી (૫૨૯૨ નંગ) દારૂ મળી આવતાં કબ્જે કર્યો હતો. તેમજ વાહન, મોબાઇલ મળી કુલ રૂ. ૩૩,૮૨,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ ટ્રકના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ દુદારામ ગુમનારામ જાટ (ઉ.વ.૨૫-રહે. લકડાસર તા. શેડવા જી. બાડમેર રાજસ્થાન) જણાવ્યું હતું. સાથે એક સગીર પણ હતો. તેને પણ કાયદાના સંઘર્ષમાં ગણી કાર્યવાહી કરવામાં આવી છે. આ દારૂનો જથ્થો જુનાગઢ તરફ લઇ જવાનો હતો. પીએસઆઇ એ. એસ. સોનારા સાથે સમીરભાઇ શેખ,  નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર જોડાયા હતાં. 

ગુંદા ગામે વાડીમાં કટીંગ વખતે જ દરોડો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ. હિરેન સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશ ચાવડા, સંજય ચાવડાને બાતમી મળી હતી કે કુવાડવાના ગુંદા ગામની સીમમાં આવેલી વાડીમાં વિનોદ ઉર્ફ વિનુ ઉર્ફ બોખો કાનજીભાઇ ગોરીયાની વાડીમાં દારૂ ભરેલો ટ્રક આવ્યો છે અને કટીંગ થવાનું છે.

આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં એચાઆર૪૭બી-૪૯૮૪ નંબરનો ટ્રક મળ્યો હતો. આરોપી હાથમાં આવ્યા નહોતાં. અંદરથી રૂ. ૨૨,૭૭,૭૨૦નો ૫૭૬૦ બોટલ (૪૮૦ પેટી) દારૂ મળી આવતાં તે તથા વાહન મળી રૂ. ૩૭,૭૭,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. વિનોદ ઉર્ફ વિનુ હાથમાં આવ્યા બાદ બીજા નામ ખુલશે. ટ્રકનો ચાલક પણ દરોડો પડતાં ભાગી ગયો હતો.

આ કામગીરીમાં પીએસઆઇ સાખરા સાથે હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ. હિરેન, ભગીરથસિંહ, મહેશભાઇ મંઢ, ઉમેશ ચાવડા, સંજય ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, દિપક ડાંગર, કિરીટસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા સહિતના જોડાયા હતાં.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ ૩૧મી ડિસેમ્બર અંતર્ગત દારૂના વધુને વધુ કેસો શોધી કાઢવા અને ગેરકાયદે હેરફેર પર કડક અંકુશ રાખવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કાર્યવાહી થઇ હતી.

હરિયાણા પાસીંગના ટ્રકમાં પશુ આહારના ઓઠા તળે ભરાયો હતો ૨૨.૭૭ લાખનો દારૂ

ખોટી બિલ્ટી બનાવાઇ હોઇ તે અંગે અલગથી ગુનો નોંધાયો

. ગુંદા ગામે કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી હરિયાણા પાસીંગનો એચઆર૪૭બી-૪૯૮૪ નંબરનો ટ્રક જપ્ત કરી તેમાંથી રૂ. ૨૨,૭૭,૭૨૦નો ૪૮૦ પેટી દારૂ કબ્જે કર્યો હતો. આ ટ્રકમાં પશુ આહારની ઓઠા તળે દારૂનો જથ્થો ભરીને લાવવામાં આવ્યો હતો. અંદરથી પશુ આહારની ખોટી બિલ્ટી પણ મળી આવી હોઇ તે કબ્જે કરવામાં આવી છે. પ્રોહીબીશન એકટ ઉપરાંત આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ખોટા બીલ ઉભા કરવાનો ગુનો પણ નોંધાયાનું એસીપી ક્રાઇમ અને પીઆઇ ક્રાઇમએ જણાવ્યું હતું.

દારૂની હેરફેર અટકાવવા અને વધુને વધુ બુટલેગરોને પકડવા પોલીસ કમિશનર અગ્રવાલની કડક સુચના

.એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવી તથા પીઆઇ આર.વાય. રાવલએ જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત દારૂની હેરફેર કરનારાઓને શોધી કાઢવા સુચના અપાઇ હોઇ છેલ્લા ૨૦ દિવસમાં ક્રાઇમ બ્રાંચની ટીમોએ વિદેશી દારૂના ૧૯ કેસ શોધી કાઢ્યા છે. જેમાં એક જ રાતમાં અધધધ ૪૧ાા લાખનો દારૂ બે દરોડામાં જપ્ત થયો છે.

(2:31 pm IST)