Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

આનંદો... જાન્યુઆરીમાં આમ્રપાલી અન્ડરબ્રીજ ખુલ્લો મુકાશે

અન્ડરબ્રીજની કામગીરીની સમીક્ષા કરી સ્થળ મુલાકાત લીધા બાદ ઉદિત અગ્રવાલની જાહેરાત : નિયત મુદ્દતથી વહેલું કામ પૂર્ણ

રાજકોટ તા. ૨૪ : શહેરજનો માટે અને ખાસ કરી રૈયા રોડ વિસ્તાર માટે અત્યંત મહત્વાકાંક્ષી એવા આમ્રપાલી ફાટક અંડરબ્રીજનું કામ હવે પૂર્ણ થઇ રહ્યું છે અને તેનું લોકાર્પણ આગામી નવા ૨૦૨૧ના વર્ષમાં એટલે કે જાન્યુઆરીમાં થઇ જશે તેમ મ્યુ. કમિશનર અને વહીવટદાર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું છે.

આ અંગે શ્રી અગ્રવાલે જણાવેલ કે, ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આગામી જાન્યુઆરી-૨૦૨૧માં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ્રપાલી અન્ડરબ્રીજમાં પાણીના નિકાલની તેમજ અન્ય પાણી બ્રિજમાં ન આવે તેવી વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવી છે. સમયસર કામગીરી પૂર્ણ કરી શહેરીજનો માટે આગામી જાન્યુઆરી-૨૦૨૧માં ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

આજે સવારે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લીધી હતી જેમાં તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, રેલ્વેના સિની. ડીવીઝનલ ઓફિસર રાજકુમાર, એડી. સિટી. એન્જી. કોટકભાઈ, રોશની શાખાના ઇન્ચા. સિટી એન્જી. જીવાણીભાઈ તેમજ એજન્સીના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોકસની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોકસની બહાર બોકસને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (RMC સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે કોરોના કાળના લોકડાઉનને કારણે ટ્રેનો બંધ રહેલ અને તે સમયગાળાનો લાભ લઇ રેલવે તંત્ર દ્વારા પૂરજોશમાં અન્ડરબ્રીજનું કામ ચાલુ રખાતા કામ પૂર્ણ થવાની નિયત મુદ્દત કરતા વહેલું આ કામ પૂર્ણ થઇ ગયું છે. અંદાજે ૨૫ કરોડના ખર્ચે આ બ્રીજનું નિર્માણ થયું છે.

(3:26 pm IST)