Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રૈયાધારમાં 'તું ટ્રેકટર ધીમું ચલાવજે, નહિતર નીકળતો નહિ' કહી રૂપાજી ભાટી પર હુમલો

વચ્ચે પડેલા પત્નિ ગીતાને પણ ઇજાઃ લાલો અને રાધેએ ઢીકાપાટુ અને ધોકાથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૪: રૈયાધારમાં રહેતાં ટ્રેકટર ચાલક રાજસ્થાની યુવાન અને તેના પત્નિ ફેરો ખાલી કરી આવતાં હતાં ત્યારે ટ્રેકટર રોકી 'ધીમુ ચલાવજે, નહિતર અહિથી નીકળતો નહિ' કહી બે શખ્સે ઢીકાપાટુ અને પાવડાના હાથાથી પતિ-પત્નિ બંનેને ફટકારતાં સારવાર લેવી પડી હતી.

આ અંગે રૈયાધાર ઇન્દિરાનગર મફતીયાપરામાં શિવમ્ પ્રોવિઝન સામે રહેતાં અને ટ્રેકટરના ફેરા કરતાં રૂપાજી પંછીજી ભાટી (રાજસ્થાની) (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી લાલો નગીનભાઇ ચોૈહાણ અને રાધે સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

રૂપાજી ભાટીએ ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે સવારે સાડા દસેક વાગ્યે હું અને મારા પત્નિ ગીતા રૈયા રોડ ભીડભંજન સોસાયટીથી ટ્રેકટરમાં મકાનનો કાટમાળ ભરીને મછોનગર ટાઉનશીપથી આગળ ગાર્બેજ સેન્ટરની સામે કચરાના ખાડામાં ઠાલવીને પાછો આવતો હતો ત્યારે મછોનગર પાસે રોડ પર લાલો ચોૈહાણ ઉભો હોઇ તેણે ટ્રેકટર રોકી 'તું ટ્રેકટર ધીમું ચલાવજે નહિતર અહિથી નીકળતો નહિ' તેમ કહેતાં મેં તેને મારી કંઇ ભુલ થઇ છે? તેમ પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડ્યો હતો. તેમજ મને ઢીકાપાટુ મારવા માંડતાં હું ભાગવા જતાં ટ્રેકટરમાંથી પડી ગયો હતો.

એ પછી રાધે લાલાએ રાધે નામનો સાદ પાડતાં એ શખ્સ આવ્યો હતો અને તેણે પણ ગાળો દઇ માર માર્યો હતો. મારા પત્નિ વચ્ચે પડતાં તેને પણ ગાળો દીધી હતી. એ પછી રાધેએ મારા જ ટ્રેકટરમાં પડેલો પાવડાનો હાથો ઉપાડી મને પગમાં ફટકારી દીધો હતો. મારી પત્નિ ગીતા વચ્ચે આવતાં તેને પણ માર માર્યો હતો. મેં મારા મોટા ભાઇ ભરતભાઇને ફોન કરતાં તેઓ આવી જતાં લાલો અને રાધે ભાગી ગયા હતાં.

પીએસઆઇ બી. જી. ડાંગરે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(12:54 pm IST)