Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રૈયાધારના દિપકને સુરાતન ચડ્યું: રિસામણે બેઠેલી પત્નિ, ૨ વર્ષની દિકરી, સાસુ- મામાજી- સાળા- સાળીને ધોકાથી ફટકાર્યા

પૂજા દિપક, દિકરી દિવ્યા દિપક, પૂજાના માતા સુશિલાબેન, બહેન આરતી, ભાઇ કરણ અને મામા અમરશીભાઇને ઇજાઃ દિપક પોતાના પિતા, ભાઇઓ સાથે પત્નિ પૂજાને પરત લઇ જવી કે નહિ તેની વાત કરવા આવ્યા બાદ ધબધબાટીઃ સામા પક્ષે રવિને ઇજા

રાજકોટ તા. ૨૪: રૈયાધાર મછોનગરમાં રહેતાં દિપક નામના દેવીપૂજક શખ્સે ઇન્દિરાનગરમાં માવતરે રિસામણે બેઠેલી પત્નિને તેડી જવા બાબતની વાતચીત માટે પોતાના પિતા, ભાઇઓ સાથે સાસરિયે આવી ઝઘડો કરી ધોકાવાળી કરી પોતાની પત્નિ, બે વર્ષની પુત્રી, સાસુ, સાળી, સાળા અને મામાજી સસરાને ઘાયલ કરતાં છએયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ હોસ્પિટલે પહોંચી ઇજાગ્રસ્તો પૈકીના રૈ્યાધાર ઇન્દિરાનગર મફતીયાપરામાં દશામાના મંદિર પાસે રહેતાં અને બકાલાની ફેરી કરી ગુજરાન ચલાવતાં અમરશીભાઇ મફાભાઇ વાજેલીયા (દેવીપૂજક) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના ભાણેજ જમાઇ રૈયાધારના જ દિપક કિશોરભાઇ સમેચા, તેના પિતા કિશોરભાઇ વાલજીભાઇ સમેચા, કરણ કિશોરભાઇ સમેચા અને રવિ ધનજીભાઇ સમેચા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

અમરશીભાઇના કહેવા મુજબ મારા સગા બહેન સુશિલાબેન ચનાભાઇ હાદલીયા મારા પડોશમાં જ રહે છે. તેની દિકરી પૂજા દિપક સમેચા રૈયાધાર મછોનગરમાં સાસરે છે. પણ હાલમાં તેણી રિસામણે માવતરે છે. તેને સંતાનમાં એક દિકરી દિવ્યા (ઉ.વ.૨) છે.

બુધવારે સાંજે મારી ભાણેજ પૂજા જે રિસામણે હોઇ તેને પાછી લઇ જવી કે નહિ તે માટે તેણીનો પતિ દિપક, સસરા કિશોરભાઇ, દિયર કરણ, રવિ સહિતનાને વાતચીત કરવા માટે અમે બોલાવ્યા હતાં. આ વાત ચાલુ હતી ત્યારે અચાનક દિપક, તેના પિતા, ભાઇઓ સહિતના ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળાગાળી કરી ધોકાથી હુમલો કરતાં મને, મારી બહેન સુશિલાબેન ચનાભાઇ હાદલીયા (ઉ.વ.૪૦), ભાણેજ પૂજા દિપક સમેચા (ઉ.વ.૨૨), બીજી ભાણેજ આરતી ચનાભાઇ હાદલીયા (ઉ.વ.૧૮) તેમજ મારા પુત્ર કરણશીભાઇ (ઉ.વ.૧૭)ને ઇજા થઇ હતી. આ ઉપરાંત દિપકે ધોકો ફટકારતાં તેની જ દિકરી દિવ્યા (ઉ.વ.૨)ને પણ માથામાં ઇજા થઇ હતી. આ પછી માણસો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં. ૧૦૮ બોલાવી અમે હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

કરણના કહેવા મુજબ દિપકે ફટકારેલા ધોકાથી તેની જ દિકરી દિવ્યાને માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ સવારે તેણીને ઓપરેશન માટે લઇ જવાઇ છે.

સામા પક્ષે રવિને ઇજા

ચુનારાવાડમાં રહેતો રવિ ધનજીભાઇ સમેચા (ઉ.વ.૨૫) જે દિપકનો પિત્રાઇ ભાઇ છે તે પણ સમાધાનની વાત માટે આવ્યો હતો. મારામારીમાં તેને પણ ઇજા થતાં સિવિલમાં ખસેડાયો હતો.

(12:54 pm IST)