Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઉમદા નેતા, ઉત્તમ વ્યકિતત્વ, પ્રખર દેશભકતનો સમન્વય એટલે અટલજી

આવતીકાલે ૨૫મી ડિસેમ્બર માનનીય અટલજીનો જન્મદિવસઃ દેશને સતત પ્રેરણા આપી શકે તેવા રાજપુરૂષ- રાષ્ટ્રનાયકને શત શત વંદન સાથે શ્રધ્ધાંજલીઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૨૪: દેશના પૂર્વ વડાપ્રધાન,મહાન દેશભકત નેતા અને અત્યંત પ્રભાવક વકતા એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે એમને શબ્દાંજલી પાઠવતાં સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે અટલજી એમની વિદાય પછીના બે વર્ષે પણ દેશને સતત પ્રેરણા આપી રહ્યા છે. અટલજી ફકત ભાજપના જ નહીં પરંતુ સમગ્ર ભારતના અદ્વિતીય અને અગ્રણી નેતા હતા. ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ માટે એમણે જીવેલું જીવન ઉમદા બની રહ્યું છે. માનનીય અટલજીની પાંચ દાયકાની રાજકીય યાત્રા રાજનીતિ ક્ષેત્રે આવનારા કોઇ પણ માટે પ્રેરણાદાયી બની રહી છે.

રાજુભાઇ ધ્રુવે સ્વ.અટલજીને અંજલિ આપતાં જણાવ્યું હતું કે દેશની રાજનીતિમાં વર્ષો સુધી અટલજીનું વ્યકિતત્વ અમીટ અને દ્યણે અંશે અદ્વિતીય દીવાદાંડી ધ્રુવતારક જેવું પથદર્શક બની રહેશે. વર્ષો સુધી વિરોધપક્ષમાં રહીને પણ એમણે દેશના ઘડતરમાં પોતાના અનુભવ, દ્રષ્ટિકોણ અને વૈચારિકતાથી યોગદાન આપ્યું. અને જયારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પરમાણું પરીક્ષણ જેવાં હિંમતભર્યાં પગલાં લઇને રાષ્ટ્રની શાન વધારી. ૧૯૯૪માં કોંગ્રેસનું શાસન હતું, સ્વ. પી.વી.નરસિંહારાવ વડાપ્રધાન હતા. જિનિવા ખાતે મળી રહેલી માનવ અધિકાર પરિષદમાં ભારતના પ્રતિનિધી તરીકે અટલજીને મોકલવાનો નિર્ણય થયો અને સૌ કોઇએ એક અવાજે એને વધાવી લીધો હતો.

વિવાદોથી તેઓ હંમેશા પર રહ્યા. સકારાત્મક વૈચારિક માનસિકતા ને લીધે અટલજીનું સન્માન વૈચારિક વિરોધીઓ- વિરોધપક્ષના લોકો પણ કરતા રહ્યા. રાષ્ટ્રવાદી વિચારધારા સાથે અને થકી જ તેઓ પોતાનું પૂરૃં જીવન જીવ્યા. સમગ્ર જીવન ની એક એક પળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને લોકતાંત્રિક અને માનવીય સંવેદનાઓ સાથે નૈતિક મૂલ્યો ને આજીવન આચરણ સાથે વણી તેમણે પોતાની રાજનીતિ ચલાવી છે. ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મેલા અટલજએ રાજનીતિશાસ્ત્ર વિષય સાથે એમ.એ. કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પછી પ્રચાર બનીને એમણે જીવન દેશને સમર્પિત કર્યું હતું. ૧૯૫૧માં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંદ્યની સ્થાપના કરી ત્યારે આરએએસના સરસંઘચાલક શ્રી ગુરૂજી પાસે પાર્ટીનો વ્યાપ વધારવાની વિનંતી કરી. ત્યારે ગુરૂજીએ પંડીત દીનદયાળ ઉપાધ્યાય અને નાનાજી દેશમુખની સાથે અટલજીને પણ ભારતીય જનસંઘમાં કાર્ય કરવાની જવાબદારી સોંપી.

ભારતીય જનસંઘના સ્થાપના અને સંદ્યર્ષકાળ માં દીર્ઘ સમય સુધી તેઓ ભારતીય જનસંઘ ના અધ્યક્ષપદે રહ્યા ૧૯૫૭માં ઉત્ત્।રપ્રદેશની બલરામપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી પહલીવાર લડ્યા અને વિજેતા થયા.જનતા સરકારમાં ૭૭ થી ૭૯ સુધી તેઓ વિદેશપ્રધાન રહ્યા. ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઇ જેના પ્રથમ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ અટલજીએ લીધી અને કાર્યકર્તાઓનું એમણે ઘડતર કર્યું. પક્ષનો પાયો મજબૂત બનાવ્યો.૧૯૫૭માં લોકસભામાં પહેલીવાર ચૂંટાયા પછી ૧૯૮૪-૧૯૮૫ ચૂંટણીના અપવાદને બાદ કરતાં સતત તેઓ લોકસભામાં ચૂંટાતા રહ્યા. ૧૯૯૨માં પદ્મવિભૂષણ અને ૨૦૧૫માં ભારત રત્ન સન્માનથી એમને વિભૂષિત કરાયા હતા.

૧૬મે ૧૯૯૬ના દિવસે અટલજીએ પહેલીવાર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. પરંતુ એ સરકારનો કાર્યકાળ ૧૩ દિવસનો રહ્યો. ૧૯૯૮માં માર્ચ માસમાં બારમી લોકસભામાં ચૂંટાયા અને ફરી વડાપ્રધાનપદે આરુઢ થયા. ત્યારે ૧૩ માસ એમણે વડાપ્રધાન પદ નિભાવ્યું. ઓકટોબર ૧૯૯૯માં કહો દિલ સે અટલજી ફિરસે નારા સાથે લોકોએ ફરી એમને જવાબદારી સોંપી અને ૨૪ પક્ષોના સંયુકત લોકતાંત્રિક મોરચાના નેતા તરીકે તેઓએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તેમ રાજુભાઈ ધ્રુવે યાદીના અંતમાં જણાવ્યું છે.

(11:30 am IST)