Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રાજકોટમાં ૧૦ મીનીટનું ટુંકુ રોકાણ : જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત : રીહર્સલ યોજાયુ

કલેકટર - પોલીસ કમિશનર તથા સરકારના ખાસ સચિવ સ્વાગત કરશે : એર ઇન્ડિયાને બ્રેકફાસ્ટનો હવાલો : સિવિલ હોસ્પિટલ તથા વોકાર્ડમાં ખાસ હોસ્પિટલ - બોર્ડ તૈયાર : સરકીટ હાઉસમાં ત્રણ રૂમ રીઝર્વ

રાજકોટ તા. ૨૪ : ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી કાલથી ત્રણ દિવસ દિવની મુલાકાતે આવી રહ્યા છે, દિલ્હીથી તેઓ એરફોર્સના સ્પેશયલ પ્લેન દ્વારા રાજકોટ આવી પહોંચશે, તેમની સાથે તેમના ફેમેલી મેમ્બર ઉપરાંત અધિકારીઓ - ખાસ સચિવ સહિત કુલ ૫૦ જેટલા અધિકારીઓ - મેમ્બરોનો કાફલો પણ રાજકોટ આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિનું રાજકોટમાં ૧૦ મીનીટનું ટુંકુ રોકાણ હોય, કલેકટર - પોલીસ તંત્રે તેમની મેડીકલ અને સુરક્ષા સંદર્ભે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે, રાષ્ટ્રપતિ રાજકોટથી દિવ સરકારના ખાસ હેલીકોપ્ટર મારફત દિવ જશે, આ ઉપરાંત અન્ય ૫ હેલીકોપ્ટર પણ ખાસ તેમના કાફલાને લઇ જવા માટે ૨ દિ'થી રાજકોટ આવી પહોંચ્યા છે, રાષ્ટ્રપતિ અને તેમના કાફલાના બ્રેક ફાસ્ટની જવાબદારી એર ઇન્ડિયાને સોંપાઇ છે, સ્નેકસ ઓન બોર્ડ રહેશે.

રાષ્ટ્રપતિનું કલેકટર - પોલીસ કમિશનર તથા રાજ્ય સરકારના ખાસ સચિવ નમસ્તે કરી સ્વાગત કરશે, કોરોના સંદર્ભે બૂકે નહિ અપાય, અને એરફોર્સના પ્લેન સુધી કોઇને નહિ જવા દેવાય, એરપોર્ટની ખાસ ગ્રીન લોન સંપૂર્ણ સેનેટાઇઝ કરાઇ છે, સરકીટ હાઉસ પણ સેનેટાઇઝ કરી ત્રણ રૂમ ખાસ રીઝર્વ રખાયા છે, આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટરમાં ત્રીજા માળે ૪ રૂમની સ્પેશ્યલ હોસ્પિટલ, ડોકટરો, બ્લડ અને અન્ય સ્ટાફ તૈનાત કરી દેવાયો છે, તો વોકાર્ડ હોસ્પિટલ રિકવીઝીટ કરી કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ તા. ૨૮ સુધી ખાસ રીઝર્વ રાખી દેવાયો છે.

આજે સવારે ૧૧ વાગ્યાથી રાષ્ટ્રપતિના એર રૂટનું ખાસ ઓપરેટરો દ્વારા મીનીટ ટુ મીનીટનું રીહર્સલ કરાયું છે, રાષ્ટ્રપતિ અને તેમના ધર્મપત્ની શ્રી સવિતાદેવી અને અન્યો માટે એરપોર્ટ ફરતે સિવિલ હોસ્પિટલ, સરકિટ હાઉસ તથા વોકાર્ડ હોસ્પિટલ આસપાસ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રાષ્ટ્રપતિને ૧૦ મીનીટના રોકાણમાં જે કોઇ તેમને નજીકથી મળનાર છે, સ્વાગત કરનાર છે તે તમામ ૨૫ થી ૩૦ અધિકારીઓ - નેતાના આજે ફરજીયાત કોરોના - આરટીપીસીઆર ટેસ્ટ પણ થનાર છે.

(11:29 am IST)