Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

આનંદો... આ વખતે ધરાઇને કેરી ખાવા મળશે : આંબા ઉપર મોર આવવાનો પ્રારંભ : ભરપૂર પાક થવાના એંધાણ

લોકો ભલે હાલ કોરોનાની ચિંતાથી ત્રસ્ત હોય પણ લોકોને અને ખાસ કરીને કેરીના રસિયા લોકો માટે સારા સમાચાર છે. આ વખતે વાતાવરણ અનુ કૂળ હોવાથી આંબે મોર આવવાની શરૂઆત થઇ છે જેના પરથી એંધાણ મળે છે કે આ વર્ષે લોકોને ભરપુર કેરી ખાવા મળશે. એટલું જ નહિ તેનો સ્વાદ પણ અનેરો હશે. લોધીકા સંઘના ચેરમેન અને 'અકિલા'ના સીનીયર પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજાના ખીરસરા પાસેના રાજર્ષિ સેવાશ્રમ (ફાર્મ હાઉસ) ખાતે આંબે શિયાળો ખિલતા જ મબલખ મોર આવ્યા તે તસ્વીરમાં દેખાય છે.

ફળોમાં રાજા ગણાતા કેરીના આંબાઓમાં મોર આવવાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે.  હાલનું વાતાવરણ આંબા મોર આવવા માટે સાનુકૂળ છે પરંતુ વાતાવરણમાં જો બદલાવ ન આવે તો મોર ખરી જવાના કારણે ખેડૂતોને નુંકશાન થવાની શકયતા છે. દેશ-દુનિયાના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય તે કેસર સહિતની કેરીના આંબાએ મોર આવવાનું શરૂ થઈ ગયું છે. કેરી કેવી અને કેટલી થશે તે નક્કી કરવા માટે આંબામાં મોરનું ફલાવરિંગ કેવું આવે છે તેના પરથી ખેડૂતો અને કેરીના વેપારીઓ નક્કી કરતા હોય છે. આ વર્ષે વધુ અને દિવાળી સુધી વરસેલા વરસાદના કારણે આંબામાં ફલાવરિંગ મોડું આવે તેવી શકયતાઓ હતી પણ હાલનું વાતાવરણ ફલાવરિંગ આવવા માટે ખૂબ જ અનુકૂળ થતા આંબાઓમાં ધીમે ધીમે ફલાવરિંગની શરૂઆત થઇ ચૂકી છે.

દિવસ અને રાત્રીના વાતાવરણમાં બહુ ઝાઝો તફાવત નહીં હોવાના કારણે ફલાવરિંગ આવવા માટેનું વાતાવરણ સાનુકૂળ ગણાય છે. જો વાતાવરણમાં વધુ પ્રમાણમાં ઠંડી કે વધુ પ્રમાણમાં ગરમી પડે અથવા માવઠું થાય તો ફલાવરિંગ આવવામાં થોડું મોડું થાય છે. આંબા પર ફલાવરિંગ આવી ગયા બાદ વાતાવરણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. ફલાવરિંગ આવ્યા બાદ વાતાવરણમાં જો બદલાવ આવે તો કેરીના પાકમાં મોટી નુકસાની થતી હોય છે. કારણકે આંબાઓ ઉપર મોર, મગીયા બંધાઈ ગયા હોય તે ખરી જતા હોય છે. પરંતુ આમ હાલનું વાતાવરણ કેરીમાં ફલાવરીંગ આવવા માટે સાનુકૂળ છે. જેથી આંબાવાડિયા ધરાવતા ખેડૂતો વાતાવરણમાં બદલાવ ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

(11:15 am IST)