Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

૪પ લાખના ખર્ચે નવી કલેકટર કચેરીએ સાજ સજયાઃ કલેકટર-એડી. કલેકટરની ચેમ્બરો તૈયાર

પહેલા માળે કલર-વોલપેપલીન-નવું ફર્નીચર લગાવાયું: હવે ગ્રાઉન્ડ ફલોર ઉપર રંગરોગાન : ૩પ લાખના ખર્ચે મોડલ જનસેવા કેન્દ્ર બનાવવાનું પણ શરૃઃ જાન્યુ.માં લોકાર્પણ

રાજકોટઃ રાજકોટની નવી કલેકટર કચેરી ૪પ લાખના ખર્ચે સાજ સજી રહી છે, પ્રથમ માળે કલેકટર-એડી. કલેકટરની ચેમ્બર-મીટીંગ રૂમ-પ્રથમ માળની લોબી-ઐતિહાસિક સ્થળોની તસ્વીરોએ ભારે રંગ જમાવ્યો છે. પ્રથમ માળ-ગ્રાઉન્ડ ફલોર ઉપર વોલપેપલીન-રંગ રોગાન-નવું ફર્નીચર-વેઇટીંગ રૂમમાં સ્ટીલની ચેર-ગ્રીલ ઉપર કલર સાથે કલેકટર કચેરી અદ્દભૂત લાગી રહી છે...અદ્યતન કોર્પોરેટ ઓફીસ જેવી તૈયારીઓ ચાલી રહી છે, કલેકટર કચેરીના પાછળના ભાગે જૂની ભંગાર બની ગયેલ બે ડઝન રીવોલ્વીંગ ચેર કાઢી નખાઇ છે. આ તૂટી ગયેલો માચડો હવે ખસેડાશે, તસ્વીરમાં સાજ સજી રહેલી કલેકટર કચેરીમ-ચાલી રહેલું કામકાજ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪: રાજકોટની નવી કલેકટર કચેરી પણ રાજય કક્ષાની ર૬મી જાન્યુઆરીની ઉજવણી અંગે સાજ સજી રહી છે. આ અંગે વિગતો આપતા માર્ગ-મકાન વિભાગના એકઝી. ઇજનેર શ્રી ત્રીવેદીએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે, ૪૦ થી ૪પ લાખના ખર્ચે કલેકટરશ્રી, એડી. કલેકટરશ્રી, તથા પ્રથમ માળે રંગરોગાન-પાર્ટીશન-ઐતિહાસિક સ્થળોની તસ્વીરો વિગેરે કામગીરી થઇ રહી છે.

તેમણે જણાવેલ કે રંગરોગાન-કલર-વોલપેલીન વિગેરે માટે અલગ કોન્ટ્રાકટ અપાયા છે, સનમાઇકા-લાકડાની વર્ક અંગે પણ કામગીરી થઇ રહી છે.

શ્રી ત્રીવેદીએ જણાવેલ કે પ્રથમ માળે કામ પૂર્ણ થયા બાદ હવે ગ્રાઉન્ડ ફલોર ઉપર રંગરોગાન શરૂ કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે આ સાથે પુરવઠાની ઝોનલ કચેરીઓ જયાં બેસતી ત્યાં હવે ૩પ લાખના ખર્ચે અદ્યતન મોડલ જનસેવા કેન્દ્ર બનાવવાનું શરૂ કરાયું છે, અત્રે એ નોંધનીય છે કે આ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ મુખ્યમંત્રી કે મહેસુલમંત્રીના હસ્તે થનાર છે.

(4:06 pm IST)