Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કોંગી સાંસદો-ધારાસભ્યો સહિત ૧૭૦ આરોપી સામેના કેસનો બપોર બાદ ચુકાદો

પુર્વ કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની ધરપકડના વિરોધમાં સરકારી મિલ્કતને નુકશાન કરવા અંગેના : કલેકટર કચેરી ખાતે કોંગી આગેવાનો-કાર્યકરોએ ધરણાં યોજી સરકારી પ્રોપર્ટીને નુકશાન કર્યું હતું: જેના માટે ગુનો કર્યો તે કુંવરજીભાઇ બાવળીયા હાલમાં ભાજપના મંત્રી છેઃ સને ર૦૦૮માં વિઠ્ઠલભાઇ રાદડીયા, પોપટભાઇ જીંજરીયા, ઇન્દ્રનીલ રાજયગુરૂ, વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા સહિત કુલ ૧૭૯ આરોપીની ધરપકડ થયેલઃ કેસ ચાલતાં ૯ આરોપીના અવસાન થયાઃ બપોરે અપાનાર ચુકાદા પુર્વે ભારે ઉત્તેજના...

રાજકોટ તા. ર૪: આજથી અગીયારેક વર્ષ પહેલાં જસદણના તે વખતના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની થયેલ ધરપકડના વિરોધમાં કલેકટર ઓફીસમાં હલ્લો બોલાવીને પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરવા તેમજ ગેરકાયદે મંડળી રચી ગુનો કરવા અંગે પકડાયેલ કોંગ્રેસના પુર્વ સાંસદ સભ્ય દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરા, તે સમયના પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ રૂપસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજયગુરૂ, મહેશ કલ્યાણજી રાજપુત, અશોકભાઇ ડાંગર, તે સમયના રાજકોટ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઇ શામજીભાઇ રાણપરીયા, વર્તમાન ધારાસભ્ય વાંકાનેરના મહમદ જાવેદ પીરઝાદા, રાજકોટ જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન ભીમાભાઇ નાથાભાઇ રોકડ સહિત ૧૦૦ કોંગી કાર્યકરો સામેના કેસનો ચુકાદો જયુ. મેજી. શ્રી આર. એસ. રાજપુત મેડમે બપોર બાદ રાખેલ છે. આ કેસ ચાલતા દરમ્યાન તે વખતના પુર્વ સાંસદ પોપટભાઇ સવસીભાઇ જીંજરીયા અને વિઠ્ઠલદાસ હંસરાજભાઇ રાદડીયાનું અવસાન થયેલ હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સને ર૦૦૮ ની સાલમાં જસદણના તે સમયના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની જમીન કૌભાંડના મામલે સી.આઇ.ડી. ક્રાઇમે ધરપકડ કરી હતી. જેના વિરોધમાં કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન, કોંગી કાર્યકરોનું ટોળું વિફરતાં કલેકટર કચેરી ખાતે પત્થરમારો કરીને પબ્લીક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડયું હતું.

આ અંગે પોલીસે ગેરકાયદે મંડળી રચી, પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરી રાયોટીંગ સહિતના ગુનામાં આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસમાં સરકારપક્ષે કેસ પુરવાર કરવા ૮ પંચો, પ૬ સાક્ષીઓ જેમાં ૧ર સરકારી અધિકારી ૩૩ પોલીસ સાહેદોને સાક્ષી તરીકે રજુ઼ કર્યા હતાં. આ સમયે કુલ ૧૭૯ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી કેસ ચાલતા દરમ્યાન ૯ આરોપીઓનું અવસાન થતાં ૧૭૦ આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો.

જસદણના એક સમયના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની ૧૧ વર્ષ પહેલા થયેલી ધરપકડના વિરોધમાં રાજકોટ કલેકટર કચેરીમાં ધસી આવી હલ્લાબોલ મચાવનાર કોંગ્રેસના વર્તમાન, પુર્વ, સાંસદ, ધારાસભ્યો તથા રાજકોટ શહેરના પુર્વ તથા વર્તમાન પ્રમુખો સહિત ૧૭૦ આરોપીઓ વાળા ચર્ચાસ્પદ કેસમાં સંભવત આજે અદાલત ચુકાદો સંભળાવશે.

હાલ ભાજપમાં રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સામે ૧૧ વર્ષ પહેલા પોલીસે કરેલી કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસીઓએ તા. ૪/૧ર/ર૦૦૮ના રોજ રાજકોટ કલેકટર કચેરીમાં ધસી આવી પોલીસની કુમકુને પણ દાદ દીધા વીના ઓફિસમાં ઘુસી ફુલછોડના કુંડાઓ સહિતની વસ્તુઓ તોડફોડ કરીને ભારે ધમાલ મચાવી હતી. જે તે સમયે પ્ર.નગર પોલીસે ૧૭૯ કોંગ્રેસીઓ સામે રાયોટ, ફરજ રૂકાવટ, પબ્લીક પ્રોપર્ટી ડેમેજ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં જે તે સમયે હાલ અવસાન પામેલા ધારાસભ્ય પોપટભાઇ જીંજરીયા, સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા તેમજ અન્ય આરોપીઓ તરીકે પુર્વ સાંસદ દેવજી ફતેપરા, ધારાસભ્ય મહમંદ પીરજાદા, પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, શહેર પુર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત, વર્તમાન પ્રમુખ અશોક ડાંગર, રાજકોટ દુધ ડેરી ચેરમેન ગોવિંદ રાણપરીયા, ભીખા રોકડ સહિતના અગ્રણીઓ કાર્યકરો આરોપીઓ હતા.

આ કેસમાં સંભવત આજે ચુકાદો આવશે. અને શું આવશે તેના પર કોંગ્રેસીઓમાં ચર્ચા જાગી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેના માટે ધરણા-તોડફોડ કરીને કુંવરજીભાઇ બાવળીયા હાલ ભાજપમાં જોડાઇને મંત્રી બની ગયાં છે અને તે સમયે સાથ આપનારા કોંગ્રેસી ધારાસભ્યો, સાંસદો, અગ્રણીઓની મોટી ફોજ કોર્ટ કેસમાં ફસાઇ છે.

આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટશ્રી કમલેશ શાહ, સંજયભાઇ પંડયા, મનિષ પંડયા, જીજ્ઞેશ શાહ, ઇર્શાદ શેરસીયા, રવિ ધ્રુવ, રાજુભાઇ ધ્રુવ, જયદેવસિંહ ચૌહાણ વિગેરે રોકાયા છે.

(3:55 pm IST)