Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બાપુનગરમાં વેપારી દિલીપભાઇ પટેલ પર સાળા-કાકાજી સહિત ચારનો હીચકારો હુમલો

પત્નિને તેણીના પિતા તરફથી મળનારા મિલ્કતના ભાગ માટે સાળા સાથે મનદુઃખ થતાં ડખ્ખો : સંજય મેઘાણી, હરેશ મેઘાણી, બંસલ અને લાલજીભાઇ વિરૂધ્ધ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો : લે તારો ભાગ આજે આપી દીધો...આજે તો મારી જ નાંખવો છે કહી છરી, લાકડી, ઢીકા-પાટુનો મારઃ ખૂનની ધમકી

રાજકોટ તા. ૨૪: જીલ્લા ગાર્ડન પાસેના બાપુનગરમાં કેમિકલનો વેપાર કરતાં પટેલ વેપારી પર તેની બાજુમાં જ કારખાનુ ધરાવતાં તેના સાળા, સાળાના પુત્ર, કાકાજી સહિત ચાર જણાએ લાકડી-છરીથી હુમલો કરી ઇજા કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.  પટેલ વેપારીના પત્નિને તેણીના પિતા તરફથી મિલ્કતમાં ભાગ માટે વાતચીત ચાલતી હોઇ આ અંગે સાળા સાથે મનદુઃખ થતાં હુમલો થયાનું જણાવાયું છે.

ભકિતનગર પોલીસે આ અંગે નારાયણનગર-૪માં શ્રીરાજ ખાતે રહેતાં અને કેમિકલનો ધંધો કરતાં દિલીપભાઇ પરષોત્તમભાઇ સિધ્ધપરા (ઉ.૫૨) નામના પટેલ વેપારીની ફરિયાદ પરથી સંજય મેઘાણી, હરેશ મેઘાણી, બંસલ મેઘાણી અને લાલજીભાઇ મેઘાણી સામે ગુનો નોંધ્યો છે.

દિલીપભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને બાપુનગર-૨ ખડપીઠવાળી શેરીમાં રાજેશ ઇન્ડસ્ટ્રીઝ નામે કેમિકલનો વેપાર કરુ છું. ૨૩/૧૨ના હું તથા મારો પુત્ર મનદિપ જમીને બપોરે કારખાને બેઠા હતાં. એ પછી ત્રણેક વાગ્યા આસપાસ હું મારા સાળા સંજય લાલજીભાઇ મેઘાણી કે જેનું કારખાનુ મારી બાજુમાં જ સંજય મોલ્ડીંગ નામે છે તેની બાજુમાં હકાભાઇ ચાવાળાની કેબીન હોઇ ત્યાં ચા પીવા માટે ગયો હતો. તે વખતે સાળો સંજય અને હરેશ બંને પણ હકાભાઇની કેબીને ચા પીતા હતાં. આ વખતે સાળા સંજયને મેં કહેલ કે તું આપણા સગા-વ્હાલામાં તે તારા બહેનને મિલ્કતમાં ભાગ આપ્યો છે તેવી ખોટીવાતો કેમ કરે છે. આથી સંજયએ ઉશ્કેરાઇ જઇ મને તુકારો દેતાં તે વખતે તેનો દિકરો બંસલ અને મારા કાકાજી સસરા લાલજીભાઇ ઠાકરશીભાઇ મેઘાણી બહાર આવી જતાં આ બધાએ મળી ઝઘડો કર્યો હતો.

સંજયએ તેના દિકરા બંસલને કહેલ કે કારખાનામાંથી લાકડી, છરી અને કટર લેતો આવ, આજે તો આને મારવો જ છે. તેમ કહેતાં બંસલ કટાર-લાકડી લઇ આવ્યો હતો અને સંજયને આપ્યા હતાં. એ પછી સાળા હરેશે મને ધક્કો મારી પછાડી દીધા બાદ સંજયએ લાકડીથી હુમલો કરી 'લે તારો ભાગ આજે આપી દીધો છે' તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ચારેયએ ઢીકા-પાટુનો માર મારતાં હું રાડો પાડવા માંડતા મારો પુત્ર મનદિપ સહિતના આવી જતાં મને બચાવ્યો હતો. આ લોકોએ મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ત્યારબાદ મને માથામાં છરી લાગી હોઇ દવાખાને લઇ જવાયો હતો. બનાવનું કારણ એ છે કે મારા પત્નિ ઉષાબેનને તેના પિતા વાલજીભાઇ મેઘાણીએ મિલ્કતમાંથી ભાગ આપવા પ્રશ્ને અગાઉ વાતચીત કરી હતી. આ બાબતે સાળા સાથે મનદુઃખ થતાં તેણે ખાર રાખી પોતાના પુત્ર સહિતની સાથે મળી હુમલો કર્યો હતો.

ભકિતનગરના પીએસઆઇ એસ. એન. જાડેજાએ ફરિયાદ નોંધી હતી. વધુ તપાસ પીએસઆઇ ડી.એ. ધાંધલ્યાને સોંપાઇ છે.

(1:21 pm IST)