Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બેંકના ખાતામાં નોમીની ન હોવા છતાં પત્નિએ સ્ટેટમેન્ટ કઢાવી લીધુઃ રાજકોટની મહિલા સહિત બે સામે ગુન્હો

પતિ-પત્નિ વચ્ચે ભરણપોષણનો કેસ ચાલે છેઃ અમદાવાદ સ્થિત મેહુલભાઈ ઠક્કરે રાજકોટ સ્થિત : પત્નિ અનુપા અને મેટોડા એકસીસ બેંકના કર્મચારી સામે લોધીકા પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ, તા. ૨૪ :. એકસીસ બેંકના ખાતામાં નોમીની ન હોવા છતા ગેરકાયદેસર રીતે સ્ટેટમેન્ટ કઢાવનાર રાજકોટની મહિલા તથા બેંકના કર્મચારી સામે લોધીકા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ડફનાળા સર્કિટ હાઉસ રોડ પર વસંતવિહાર વિભાગ-૨મા રહેતા મેહુલભાઈ નટવરભાઈ ઠક્કરે અનુપા શાંતિલાલ પલાણ રહે. મીલપરા, શશી એપાર્ટમેન્ટ રાજકોટ તથા મેટોડા જીઆઈડીસી એકસીસ બેન્કના કર્મચારી અભય ભગવાનભાઈ ઝાલા સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવાયા મુજબ ફરીયાદી અને અનુપા વચ્ચે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હોય કોર્ટે અનુપા પાસેથી તેના પતિના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ માંગતા અનુપાએ અમદાવાદ સ્થિત પતિના અમદાવાદ લો-ગાર્ડન એકસીસ બેન્ક શાખાના એકાઉન્ટમાં પોતે નોમીની નહિ હોવાનું જાણવા છતા મેટોડા સ્થિત એકસીસ બેન્કના કર્મચારી અભય ઝાલા સાથે મિલાપીપણુ કરી ફરીયાદી જાણ બહાર ગેરકાયદેસર રીતે સ્ટેટમેન્ટ કઢાવી લઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ઉકત બન્ને સામે આઈપીસી ૪૦૬ અને ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)