Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજકોટમાં મકાન માલકણે ભાડૂઆત યુવતિને પોતાના બોયફ્રેન્ડના હવાલે કરીઃ બોયફ્રેન્ડે પોતાના મિત્ર સાથે મળી બળાત્કાર ગુજાર્યો!

ત્રણ દિવસ પહેલા ચર્ચાના ચગડોળે ચડેલી ઘટનામાં ભોગ બનનાર યુવતિની અમદાવાદ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી રાજકોટ મોકલી : યુવતિ વતન જવા નીકળતાં અમદાવાદ પહોંચી ત્યારે તબિયત બગડતાં સારવાર માટે દાખલ થતાં ત્યાંની પોલીસે ફરિયાદ નોંધી : ભોગ બનનાર યુવતિ બોયફ્રેન્ડ થકી સગર્ભા થઇ'તીઃ ટીકડીઓ લેતાં ગર્ભપાત થયા પછી આરામ કરવાના બહાને મકાન માલકણ પિયા ઉર્ફ કિંજલ તેણીને પોતાના બોયફ્રેન્ડ યોગેશના ફલેટમાં લઇ ગઇ'તીઃ જ્યાં યોગેશ અને તેના મિત્ર બાપુએ મળી કંઇક સુંઘાડી અર્ધબેભાન કરી બળજબરી આચરી બે દિવસ ગોંધી રાખ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૪: શહેરમાં રહેતી પિયા ઉર્ફ કિંજલ નામની વિધવા મહિલાએ પોતાના મકાનમાં ભાડેથી રહેતી પરપ્રાંતિય યુવતિને મનહર પ્લોટ-૨માં પાવન એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં પોતાના બોયફ્રેન્ડ યોગેશના હવાલે કરી દેતાં યોગેશે આ યુવતિને આ પરપ્રાંતિય યુવતિને  કંઇક સુંઘાડી અર્ધબેભાન કરી બળાત્કાર ગુજારતાં અને બાદમાં યોગેશના મિત્ર કે જે બાપુ તરીકે ઓળખાય છે તેણે પણ તેણી સાથે બળજબરી આચરી લેતાં તેમજ બે દિવસ ગોંધી રાખી મારકુટ કરી ખૂનની ધમકી આપતાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. એ પછી અરજી લેવાઇ હતી. દરમિયાન યુવતિ પોતાના વતન જવા માટે નીકળતાં અમદાવાદ પહોંચ્યા બાદ તબિયત બગડતાં ત્યાંની હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યાંની પોલીસની પુછતાછમાં તેણીએ પોતાને મકાન માલકણે તેના બોયફ્રેન્ડના ફલેટમાં લઇ ગયા બાદ તેણીના બોયફ્રેન્ડ યોગેશ અને યોગેશના મિત્ર બાપુએ બળાત્કાર ગુજાર્યાનું કહેતાં મણીનગર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ મોકલી છે.

ભોગ બનનાર પરપ્રાંતિય યુવતિ રાજકોટ અરજી કર્યા બાદ અમદાવાદ સારવાર માટે પહોંચતા ત્યાંની પોલીસે તેણીની ફરિયાદ પરથી પિયા ઉર્ફ કિંજલ તથા તેના પ્રેમી યોગેશ તથા બાપુ તરીકે ઓળખતા યોગેશના મિત્ર સામે આઇપીસી ૩૭૬ (ડી), ૩૪૨, ૩૨૮, ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ યોગેશના ઘરમાં કોઇ પદાર્થ સુંઘાડી અર્ધબેભાન કરી યોગેશ અને તેના મિત્ર બાપુએ મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી તેમજ ૧૧/૧૨ થી ૧૩/૧૨ સુધી યોગેશના મકાનમાં ગોંધી રાખી મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી આ ફરિયાદ રાજકોટ એ-ડિવીઝનમાં મોકલતાં પોલીસે ગુનો દર્જ કરી તપાસ શરૂ કરી છે.

ભોગ બનનાર યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મુળ બીજા રાજ્યની છું અને હાલ રાજકોટ રહુ છું. દોઢેક માસ પહેલા મેં પિયા ઉર્ફ કિંજલનું મકાન ભાડે રાખ્યું હતું. મારા લગ્ન અમારા વતનમાં ફુલહાર વિધીથી થયા હતાં. મારે સંતાન પણ છે. પણ પતિને બીજી છોકરી સાથે અફેર હોઇ જેથી મને છોડી દીધી હતી. મારુ સંતાનમાં વતનમાં મારા માતા-પિતા સાથે રહે છે. હું રાજકોટ રહી છુટક મજૂરી કરી મારું ગુજરાન ચલાવું છું. ૩૦/૧૧ના સવારે અગિયારેક વાગ્યે હું ઘરે હતી ત્યારે મકાન માલિક પ્રિયા ઉર્ફ કિંજલ મને તેના પ્રેમી યોગેશના મકાને ફાયનાન્સના પૈસા આપવા માટે મને તેની સાથે લઇ ગઇ હતી. મનહર પ્લોટમાં મને બીજા માળે લઇ જવામાં આવી હતી. તે વખતે યોગેશે મને વાત કરી હતી કે તેની પત્નિ દવા પીને મરી ગઇ છે, પોતે બીજી પત્નિ લાવ્યો છે તેમજ બહુ કંટાળી ગયો છે.

આવી વાતો કર્યા પછી પિયા ઉર્ફ કિંજલે મને ચા બનાવી પીવડાવી હતી. ત્યારબાદ મારા ઘરે જતી રહી હતી. ચાર-પાંચ દિવસ પછી મારા અગાઉના બોયફ્રેન્ડ રાહુલ થકી મને એકાદ માસનો ગર્ભ રહી ગયો હોઇ જેથી મેં ચાર-પાંચ ગોળી લઇ લેતાં મને માસિક આવ્યું હતું. ૮/૧૨ના રોજ પિયા મને તેના બોયફ્રેન્ડના ઘરે લઇ ગઇ હતી. ત્યારે પણ થોડુ માસિક આવતું હતું. મને બે-ત્રણ દિવસ સારી રીતે રાખી હતી. પછી તા.૧૧/૧૨ના રોજ સારું થઇ જતાં સાંજે સાતેક વાગ્યે મને એક રૂમમાં લઇ જઇ નાક વાટે કોઇ પદાર્થ સુંઘાડી દેતાં હું અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. એ પછી પિયાના બોયફ્રેન્ડ યોગેશે મારી સાથે મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધી લીધો હતો. ત્યારબાદ યોગેશનો મિત્ર કે જે બાપુ તરીકે ઓળખાય છે તેણે પણ મારી સાથે બળજબરીથી સંબંધ બાંધી લીધો હતો.

મને કોઇ પદાર્થ સુંઘાડ્યો હોઇ હું ઉભી થઇ શકતી નહોતી. હું અશકત થઇ ગઇ હતી. મને એ હાલતમાં જ સુવડાવી રાખી હતી. બીજા દિવસે ૧૨/૧૨ના રોજ જ્યુસ પીવડાવ્યો હતો. એ પછી પણ રૂમમાં જ ગોંધી રાખી હતી. યોગેશે બીજા દિવસે પણ કોઇ પદાર્થ સુંઘાડતાં હું રાતે પણ એ રૂમમાં જ હતી. ૧૩/૧૨ના રોજ સવારે સાતેક વાગ્યે યોગેશે મારી પાસે આવી ધમકી આપી હતી કે આજે તો તને જાનથી પતાવી દેવી છે. તેમ કહી ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો. હું દોડીને રૂમમાં આવેલી ગેલેરીમાં જઇ જોર જોરથી બૂમો પાડવા માંડી હતી. બચાવો-બચાવોની બૂમો સાંભળી લોકો ભેગા થઇ જતાં યોગેશ જતો રહ્યો હતો. હું નીચે આવી હતી અને દૂકાદવાળાને તથા લોકોને વાત કરતાં કોઇએ પોલીસ બોલાવી દીધી હતી.

એ પછી મને મહિલા પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી. પોલીસે પુછતાછ કર્યા બાદ મને મહિલા પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી. ત્યાં મેં ઉપરોકત વિગતો જણાવી હતી. બીજી કોઇ વ્યવસ્થા ન હોવાથી હું બે-ત્રણ દિવસ માટે હું જ્યાં રહેતી હતી તેની પાછળના ભાગે આવેલી ગલીમાં રૂમમાં રહેતી હતી. ત્યાંથી મારા રૂમ પર જઇ સામાન લઇ રાજકોટથી કોલકત્તા જવા નીકળી હતી. સાંજે આઠેક વાગ્યે ૨૩મીએ અમદાવાદ નારોલ પાસે ઉતરી હતી અને હોટેલમાં રોકાઇ હતી. ચક્કર આવતાં હોઇ રિક્ષામાં બેસી અમદાવાદ એલજી હોસ્પિટલમાં પહોંચતા મને દાખલ કરવામાં આવી હતી. પોલીસે હિન્દી ભાષામાં મને સમજાવી હતી અને ફરિયાદ લખી હતી.

અમદાવાદ મણીનગર પોલીસ મથકના પીએસઆઇ એ. જે. વણઝારાએ ગુનો દાખલ કરી ઝીરો નંબરથી આ ફરિયાદ રાજકોટ એ-ડિવીઝનમાં મોકલતાં પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ.જી. અબાસણા અને વિજયભાઇ બાલસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)