Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગાયકવાડીમાં પૂજારીના રૂમનું ગેરકાયદે દબાણ દુર કરાવતા અમિત અરોરા : રકઝક - માથાકુટ

નવી વોર્ડ ઓફિસ બનાવવા માટે સ્થળ તપાસમાં ગયેલા મ્યુ. કમિશનરની નજરે ગેરકાયદે ઓરડી નજરે પડતા બુલડોઝર ફેરવી દેવાયુ

રાજકોટ તા. ૨૪ : શહેરના ગાયકવાડી વિસ્તારમાંથી આજે સવારે મ્યુ. કમિશનર અમિત અરોરાની સુચનાથી ધાર્મિક સ્થળની બાજુમાં પૂજારીના રૂમનું ગેરકાયદે બાંધકામ દુર કરાયું હતું. આ વખતે સ્થળ પર થોડા સ્થાનિક લોકોએ એકત્રીત થઇ વિરોધ દર્શાવતા અધિકારીઓ અને લોકો વચ્ચે રકઝક - માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવા મુજબ આજે તા. ૨૪ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં. ૦૩ની હાલની વોર્ડ ઓફિસ અને સાધુવાસવાણી રોડ પર નવી વોર્ડ ઓફિસ બનાવવા માટેના સંભવિત સ્થળોની મુલાકાત કરી હતી તેમજ જંકશન વિસ્તારમાં નડતરરૂપ દબાણ દુર કરવા ટાઉન પ્લાનિંગ ઓફિસરને સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની આજ્ઞાનુસાર ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગાયકવાડી શેરી નંબર ૧૦ એફ.સી.આઈ. ગોડાઉનની દિવાલને લાગુ 'અંબા ભવન' મકાનની સામે પૂજારીની રૂમનું લિન્ટલ લેવલનું બાંધકામ રસ્તા પૈકીની જગ્યામાં અંદાજે ૧૫૦.૦ ચોરસ મીટર હયાત ડેરીને લાગુ દબાણ દૂર કરવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી એમ.ડી.સાગઠીયા, સિટી એન્જી.શ્રી એચ. એમ. કોટક, પી.એ.(ટેક)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)