Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સાસણ ગીરથી પરત આવેલ મહિલા કોરોના સંક્રમિતઃ ગઇકાલ બે કેસ નોંધાયા

શહેરમાં હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ : આજ બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નહિ

રાજકોટ,તા.૨૩:શહેરમાં એક દિવસનાં વિરામ બાદ ગઇકાલે કોરોનાના ૨ કેસ નોંધાતા હાલ ૧૪ દર્દીઓ સારવારમાં છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના શુન્ય કેસ નોંધાયા છે. દરમિયાન છેલ્લા બે અઠવાડિયામાં શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું હોવાનું નોંધાયું છે.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૭૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૦૧  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૭૧૦ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૭૪,૨૨૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૭૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૯ ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

ગઇકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા

શહેરમાં મનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે કોરોનાના વધુ ૨ કેસો નોંધાયા છે. વોર્ડ નં. ૧૧માં આવેલા શાંતિ નિકેતન એવન્યુમાં રહેતા ૪૪ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ સાસણ ગીરથી તાજેતરમાં જ પરત ફર્યા હતા. જોકે તેમણે વેકિસનના બંને ડોઝ લઇ લીધા છે. તેમ છતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા પરિવારના બે મળી કુલ ૧૬ લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાઇ છે. જ્યારે બીજો કેસ વોર્ડ નં. ૪માં મોરબી રોડની એક સોસાયટીમાં નોંધાયો છે. જ્યાં ૭૫ વર્ષીય વૃધ્ધ સંક્રમિત થયા હોય તેમની તબિયત સ્થિર ન રહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે પણ વેકિસનના બંને ડોઝ લઇ લીધા છે. તેઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા નથી મળી. જોકે સંપર્કમાં આવેલા તેમના ૪ પરિવારજનો સહિત ૧૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(3:31 pm IST)