Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ઓનલાઇન દવા વ્યવસાય ઘાતક : જગન્નાથ શિંદે

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ 'અકિલા' ની મુલાકાતે : મેડિકલ સ્ટોર્સ જેનરિક દવા વેચવા તૈયાર, પણ નિયમોમાં ફેરફાર જરૂરી : ઓનલાઇન દવાના વ્યવસાયમાં નશાકારક વસ્તુ આસાનીથી ઉપલબ્ધ છે, જે જોખમી છે : દવામાં તગડા માર્જીનની વાત ખોટી : સંસ્થાના હોદ્દેદારો 'અકિલા' ની મુલાકાતે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે AIOCD ના રાષ્ટ્રીય પ્રમુખ જગન્નાથ શિંદેજી (મો. ૯૮ર૧૦ ૮૧૪૪૮) તથા સંસ્થાના અન્ય હોદ્દેદારો વૈજનાથ જગુષ્ઠે, ગુજરાતના પ્રમુખ જશવંતભાઇ પટેલ (મો. ૯૮રપ૦ ૮૩ર૮૬), કિરીટભાઇ પલાણ સૌરાષ્ટ્રના પ્રમુખ મયુરસિંહ જાડેજા (૯૭ર૩૭ ૦૦૦૦૭), અનિમેષ દેસાઇ, સત્યેન પટેલ, અનિલભાઇ તલાવિયા, પ્રશાંત દાનવે વગેરે નજરે પડે છે. 

રાજકોટ તા. ર૪ :.. એ. આઇ. ઓ. સી. ડી. ના ઓલ ઇન્ડિયા પ્રમુખ જગન્નાથ એસ. સિંહે તથા સંસ્થાના અન્ય હોદેદારો આજે 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. શ્રી શિંદેએ જણાવ્યું હતું કે, દવાનો ઓન લાઇન વ્યવસાય દેશ માટે ઘાતક બનવા લાગ્યો છે. દવાના વ્યવસાયની આડમાં નશાકારક પ્રતિબંધિત વસ્તુઓની સપ્લાય આસાનીથી થવા લાગી છે. આ પધ્ધતિ નવી પેઢીને બરબાદ કરશે.

આ ઉપરાંત ઓનલાઇન દવા વ્યવસાય દવા ક્ષેત્ર માટે પણ જોખમી છે. ઓનલાઇન દવામાં વધારે વળતર મળે છે. સામાન્ય વ્યવસાયીને હોલસેલ - રિટેઇલમાં ૧૦ થી ર૦ ટકા જ કમિશન મળે છે. ઓનલાઇન સામે મેડિકલ સ્ટોરે ટકી રહેવું અઘરું છે. મેડિકલ સ્ટોર ધારક પાસે નિયમોના પાલન કરાવાય છે. ફાર્માસીસ્ટને આ વ્યવસાયની ગંભીરતાનો પણ ખ્યાલ હોય છે. આ સામે ઓનલાઇન ક્ષેત્ર ગંભીરતાનો ખ્યાલ રાખ્યા વગર દવાનું વેચાણ કરે છે.

શ્રી શિંદેએ જણાવ્યું હતું કે, સમાજના હિતમાં પણ મેડિકલ સ્ટોર્સ-દવાના નાના વ્યાપારીઓ ટકી રહેવા જરૂરી છે. મોટાભાગે દવાની ઇમરજન્સી જરૂરીયાત હોય છે, જે ઓનલાઇન શકય નથી. આ સુવિધા મેડિકલ સ્ટોર પૂરી પાડે છે. મેડિકલ સ્ટોર્સનું અસ્તિત્વ નહિ રહે તો આરોગ્ય ક્ષેત્રે અંધાધૂંધી સર્જાશે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે દવાક્ષેત્રની સમસ્યાઓ અંગે  મીટીંગ થઇ હતી. શ્રી શિંદે કહે છે કે, સકારાત્મક માહોલમાં યોજાયેલી બેઠકમાં અમે રજૂઆત કરી હતી કે, મેડિકલ સ્ટોર્સ જેનરિક દવાઓ વેચવા તૈયાર છે, પરંતુ આ માટે નિયમોમાં ફેરફારો કરવા જરૂરી છે. અમે માત્ર ડોકટરે લખેલી દવા જ આપી શકીએ છીએ ગ્રાહકને જેનરિક અંગે ભલામણ કરી શકતા નથી. મોટાભાગે ડોકટર્સ જેનરિક દવાઓ લખતા નથી. ફાર્માસીસ્ટ ગ્રાહકને જેનરિક ભલામણ કરી શકે તેવી જોગવાઇ જરૂરી છે.

શ્રી શિંદેએ કહયું હતું કે, મેડિકલ સ્ટોર્સ તગડો નફો મેળવે છે તે વાત સાચી નથી. ૩૭પ દવાઓ એવી છે, જેની કિંમત સરકાર નકકી કરે છે. દવાના કુલ ટર્નઓવરમાં આ દવાઓનો હિસ્સે ૬ર ટકા છે. ઉપરાંત અન્ય દવાઓમાં કંપનીઓ હોલસેલર-રિટેલરને માત્ર ર૦ થી ૧૦ ટકા કમિશન આપે છે. જે તગડું જ ગણાય.

મુલાકાત પ્રસંગે જગન્નાથ એસ. શિંદે ઓલ ઇન્ડીયા પ્રમુખ (AIOCD), વૈજનાથ જાગુષ્ઠે મહામંત્રી પશ્ચિમ ઝોન (AIOCD) જસવંતભાઇ પી. પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ (AIOCD), કિરીટભાઇ પલાણ ગુજરાત પ્રદેશ મંત્રી (FGSCDA), મયુરસિંહ સી. જાડેજા ઉપપ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ (FGSCDA) પ્રમુખશ્રી SKCDA (સૌરાષ્ટ્ર-કચ્છ) પ્રમુખશ્રી રાજકોટ, અનિમેષ દેસાઇ સહમંત્રી ગુજરાત પ્રદેશ(FGSCDA) મંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ (SKCDA) અને રાજકોટ, સત્યેન પટેલ ઉપપ્રમુખશ્રી (સૌરાષ્ટ્ર-કચ્છ -TOFGSCDA) ઉપપ્રમુખ રાજકોટ, અનિલભાઇ તલાવીયા એન્ટરટેઇનમેન્ટ સેક્રેટરી (SKCDA) પ્રમુખશ્રી ગોંડલ, પ્રશાંત દાનવે - પ્રમુખ મુંબઇ રીટેઇલ કેમીસ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.(૯.૧૩)

ડોકટર્સ યેનકેન પ્રકારે દવાનો બિઝનેશ કરે છે, જે યોગ્ય નથી

તબીબો દવાના વ્યવસાયથી દૂર રહે

માર્ચ-એપ્રિલમાં કોરોનાની ત્રીજી લહેર સંભવ : અસર ઓછી રહેશે : બુસ્ટર ડોઝ જરૂરી

ફાર્મસીના બે લાખ છાત્રો પ્રતિવર્ષ ડીગ્રી મેળવે છે : ડોકટરોના કારણે આ લોકો બેકાર બનશેઃ કોરોનામાં ૩૭૨ ફાર્માસીસ્ટે જીવ ખોયો, તે કોરોના યોધ્ધા કેમ નથી ગણાતા ?

રાજકોટ : ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ સિંદાજીએ જણાવ્યુ હતું કે, તબીબોએ પોતાના વ્યવસાયોમાં ધ્યાન આપવું જોઇએ. ભારતમાં મોટાભાગના તબીબો દવાના વ્યવસાય સાથે પણ સંકળાય છે. યેનકેન પ્રકારે દવાના વ્યવસાય બની જાય છે. મેડિકલ સ્ટોર ધારક માટે આ સ્થિતિ જોખમી છે. દરેકે પોતાના વ્યવસાયમાં જ ધ્યાન કેન્દ્રિત કરવું જઇએ.

શ્રી શિંદે કહે છે કે, ભારતમાં પ્રતિ વર્ષ ફાર્મસીના બે લાખ વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવે છે. તબીબો જ દવાનો ધંધો કરતા હોવાથી આ છાત્રોમાં બેકારી વધશે. મેડિકલ સ્ટોર ધારક જોખમ વહોરીને દવાનો વ્યવસાય કરે છે. કોરોનામાં ભારતમાં ૩૭૨ ફાર્માસીસ્ટે જીવ ખોયા છે. તેમના કર્મચારીઓ અને પરિવારજનોનો આંક અલગ છે. આ કોરોના યોધ્ધા મેડિકલ સ્ટોર ધારક છે, તેમના માટે વિશેષ વળતર યોજના કેમ નહિ ?

શ્રી શિંદેએ અનુભવોના આધારે કહ્યું હતુ કે, ભારતમાં માર્ચ-એપ્રિલમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જો કે રસીકરણના કારણે ઘાતક નહિ રહે. વેકસીનના ત્રીજા બુસ્ટર ડોઝની જરૂરિયાત ઉભી થશે. તેમ લાગે છે. 

(3:25 pm IST)