Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ચેકરિટર્ન કેસમાં ખોડલનિધિ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટરને ૧ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રૂ. ત્રણ લાખનું વળતર ન ચુકવે તો વધુ સજાનો આદેશ

રાજકોટ, તા. ૨૪ :. પડધરીની અદાલતે રૂપિયા ત્રણ લાખના ચેક રિટર્ન કેસમાં ખોડલનિધિ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર જયેશ કે. કુબાવતને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રકમનો દંડ ચુકવવા આદેશ કર્યો છે.

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, 'માતૃ આશિષ', કે.જી. સ્કૂલની બાજુમાં, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટવાળા જયેશ કે. કુબાવત તે ખોડલનિધિ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર દરજ્જે સર્વોદય પુરસ્કાર યોજના જેવા લોભામણા ઈનામી ડ્રો ના આયોજન કરતા હોય જેથી તેઓ પાસેથી ફરીયાદીએ સર્વોદય પુરસ્કાર યોજના જેવા લોભામણા ઈનામી ડ્રો ની ટિકીટો ખરીદ કરી વિતરણ કરેલ હોય અને જેથી આરોપી પાસેથી બાકી નિકળતી રકમ પેટે રૂ. ૩,૦૦,૦૦૦નો ચેક સહી કરીને આપ્યો હતો. જે ચેક ફરીયાદીએ તેના ખાતાવાળી બેન્કમાં જમા કરતા વગર વસુલાતે ચેક રિટર્ન થયો હતો.

આથી ફરીયાદીએ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ જે આરોપીને મળી હોવા છતા આરોપીએ ચેકની રકમ ચુકવેલ નહીં જેથી ફરીયાદીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી જેથી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી કોર્ટમાં હાજર થયા હતા. રેકોર્ડ ઉપરના દસ્તાવેજી પુરાવાઓ તથા ફરીયાદીના વકીલની દલીલો તેમજ રજુ રાખેલ વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ પડધરી અદાલતના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિ.વિ. શુકલાએ આરોપીને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ની કલમ-૧૩૮ અન્વયે દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદ અને કલમ ૩૫૭ (૩) મુજબ એક માસમા ચેકની રકમ રૂ. ૩,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવી આપવા અને ચુકવવામાં કસુર થયેથી ત્રણ માસની સાદી કેદનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદી વતી ધારાશાસ્ત્રી કૌશિક જી. પોપટ, શીતલ એન. ખોખર, આશિક એ. ત્રિવેદી, આફતાબ એ. ત્રિવેદી વકીલ તરીકે તથા રવિ એન. જોષી રજી. કલાર્ક તરીકે રોકાયેલ હતા.

(2:44 pm IST)