Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ચેકરિટર્ન કેસમાં ફાયનાન્સરને એક વર્ષની સજા અને બે લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા. ૨૪ :. ચેક રીટર્નના કેસમાં રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર વિવેકાનંદનગર, રંગીલા હનુમાન ચોક પાસેના ફાયનાન્સર લલીતગીરી ધનેશ્વરગીરી ગોસ્વામીને અદાલતે એક વર્ષની સજા અને વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે.

રાજકોટના ફરીયાદી કિશોરભાઈ પ્રેમજીભાઈ પેઢડિયાને આરોપી ફાયનાન્સર લલીતગીરી ધનેશ્વરગીરી ગોસ્વામી સાથે મિત્રતા સંબંધ હોય, જેથી ફરીયાદી કિશોરભાઈ પ્રેમજીભાઈ પેઢડિયાએ આરોપીને તેમના ધંધાના વિકાસ માટે નાણાકીય જરૂરીયાત હોય જેથી રૂ. ૨,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા. ત્યાર બાદ ફરીયાદીએ આરોપી પાસેથી પોતાના રૂપિયાની પરત માંગણી કરતા આરોપીએ આ રૂપિયા ફરીયાદીને પરત ચૂકવવા રૂ. ૨,૦૦,૦૦૦ પુરાનો ચેક લખી આપેલો.

આ ચેકની રકમ વસુલ મેળવવા ફરીયાદીએ આ ચેક પોતાના બેન્ક ખાતામાં જમા કરાવતા ચેક અપુરતા ભંડોળને કારણે વગર સ્વીકારાયે પરત ફરતા ફરીયાદીએ તેમના વકીલ મારફતે લીગલ નોટીસ મોકલી હોવા છતા પણ આરોપીએ ફરીયાદીને કોઈ જ રકમ ચૂકવેલ નહિ. તેથી ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરેલી અને અદાલતમાં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વકીલ શ્રી પ્રવિણ એમ. પેઢડિયા, એડવોકેટ એન્ડ નોટરીએ લો પોઈન્ટ ઉપરની દલીલો રજૂ કરેલ જે દલીલો તથા રેકર્ડ પરના પુરાવાઓ માન્ય રાખીને અદાલતે ફાયનાન્સર લલીતગીરી ધનેશ્વરગીરી ગોસ્વામીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૫૫ (૨) હેઠળ તકસીરવાન ઠરાવીને ૧ (એક) વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. તેમજ ફરીયાદી શ્રી કિશોરભાઈ પ્રેમજીભાઈ પેઢડિયાને રૂ. ૨,૦૦,૦૦૦ પુરા વળતર પેટે દિન ૩૦માં આરોપીએ ચૂકવી આપવા તેમજ જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૬ (છ) માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી કિશોરભાઈ પ્રેમજીભાઈ પેઢડિયાના એડવોકેટ તરીકે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્રી પ્રવિણ એમ. પેઢડિયા એડવોકેટ એન્ડ નોટરી રોકાયેલા હતા.

(2:43 pm IST)