Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સ્ટર્લીંગ હોસ્પિટલમાં કેન્સરના ૪ બાળદર્દીઓની રેડિએશન પધ્ધતિથી સફળ સારવાર

રેડિએશન પધ્ધતિએ કેન્સરની સારવારનો એક ભાગ, જે પીડા રહીત છેઃ ડો.કેતન કાલરીયા

રાજકોટઃ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટના રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડો.કેતન કાલરીયા દ્વારા બાળકોમાં કેન્સરની સારવાર સફળતાપૂર્વક કરવામાં આવેલી હોવાનું યાદીમાં જણાવાયું છે.

ડો.કેતન કાલરીયા આ બાબતે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ આશરે ૧૦ લાખ બાળકોમાં ૩૮ થી ૧૨૪ જેટલાં બાળકોની કેન્સરની સમસ્યા થાય છે. આ સમસ્યાથી ગભરાય વગર સચોટ અને સમયસર સારવાર ખૂબ જરૂરી હોય છે. કેનસરના નિષ્ણાંત ડોકટરનો સંપર્ક કરીને સારવાર શરૂ કરાવવી જોઈએ. રેડિએશન પધ્ધતિએ કેન્સરની સારવારનો એક ભાગ છે. જે પીડા રહિત સારવાર છે માટે તેનાથી ગભરાવું નહિ અને રેડિએશનના નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી. કેન્સરની સારવારમાં ત્વરિત નિદાન અને ઉપચાર ખૂબ અગત્યની ભૂમિકા ભજવતું હોવાનું જણાવેલ.

(૧) દિગ્િવિજય વાળા (ઉ.પાંચવર્ષ) એક કેન્સર વિજેતા બાળક છે. માથું દુઃખવું ઉલ્ટી થવી અને ચકકર આવવાની નજીવી સમસ્યા થતા તપાસમાં બાળકને મગજમાં ગાંઠ જણાઈ હતી. જેનું ઓપરેશન કરી દૂર કરવામાં આવી હતી. ગાંઠની બાયોપ્સી કરાવતા તે કેન્સરની ગાંઠ જણાઈ હતી. ત્યારબાદ આ બાળ દર્દીને ડો.કેતન કાલરીયા દ્વારા રેડિએશનના કુલ ૩૧ ડોઝ આપવામાં આવ્યા હતા.

(૨) ૩ વર્ષના એક બાળક નૈતિકને ડાબી બાજુની આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું તથા ડાબી બાજુની આંખ ત્રાંસી થઈ ગઈ હતી. તપાસમાં બ્રેઈનનો MRI કરાવતા માલુમ પડયું કે તેને મગજમાં અને આંખની ધોરી નસની બાજુમાં ગાંઠ છે. મગજની ગાંઠને ઓપરેશન કરીને દૂર કરવામાં આવી હતી, પણ આંખની ધોરી નસની ગાંઠનું ઓપરેશન થઈ શકે તેમ ન હતું. આ બાળ દર્દીને ૩૦ રેડિએશનના શેક આપી સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ ડાબી આંખમાં દ્રષ્ટિ પણ પાછી આવી ગઈ હતી.

(૩) છ વર્ષના બાળક આરૂષીને થોડા સમય અગાઉ ગળાની પાછળના ભાગમાં ગાંઠ જણાતા તેને ઓપરેશન કરી દૂર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે કેન્સરની ગાંઠ જણાઈ હતી. જેના માટે તેમને રેડિએશનની સલાહ આપવામાં આવી હતી. પરંતુ ડરના કારણે દર્દીએ વધુ સારવારના લેતા ફરી એક વર્ષબાદએ જગ્યા પર ગાંઠ થઈ હતી. અલબત્ત, તેને ફરી સર્જરી કરીને દૂર કરવામાં આવી હતી. આ ગાંઠ પણ કેન્સરની હતી. બાળ દર્દીની રેડિએશનની સારવાર કરવામાં આવી.

(૪) ૧૬ વર્ષના તરૂણ પ્રતિક ગઢવીને ગળાની પાછળના ભાગમાં ગાંઠ જણાતા, તેને ઓપરેશન કરી દૂર કરવામાં આવી હતી. તપાસ બાદ તે કેન્સરની ગાંઠ જણાઈ હતી. આ માટે જરૂરી વધુ સારવાર પૂર્ણ થયાના બે વર્ષ પછી તે બાળ દર્દીને પગમાં લકવો થતા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તપાસ દરમિયાન ગાળાની પાછળના ભાગે અગાઉની જેમ ફરીથી કેન્સરની ગાંઠ જોવા મળી હતી, જે આ બાળકને પગે થયેલા પેરાલિસિસનું કારણ હતું. ગાંઠને ઓપરેશન કરી દૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ ડો.કેતન કાલરીયા દ્વારા રેડિએશનના ૧૫ શેક આપવામાં આવ્યા. સારવાર બાદ આ બાળ દર્દીને ઉપરોકત સમસ્યાઓમાં સંપૂર્ણ રાહત થતા કોઈપણ તકલીફ વગર તે ફરી ચાલવા લાગેલ. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(2:42 pm IST)