Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગાંજા મિશ્રિત ગોળીઓના ૧૮૩ કિલો જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન રદ્દ

રાજકોટ તા. ૨૪ : રાજકોટમાં તિરૂપતિ સોસાયટીમાંથી આયુર્વેદિક ચોકલેટના નામે ગાંજા મિશ્રિત ગોળીના ૧૮૩ કિલો જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની એનડીપીએસ એકટ કલમ ૮ (સી) ૨૦ હેઠળના ગુન્હા સબબ ચાર્જશીટ બાદ જામીન પર છુટવાની અરજી સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે નામંજુર કરી છે.

આ કેસની હકીકત એવી છે કે, સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કોઠારીયા રોડ, તિરૂપતિ સોસાયટી શેરી નં. ૧૧ ખાતે ભાડેથી રહેતા રાજેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ ગુપ્તા (મુળ રહે. રતનપુરા થાના આરામુફસીલ જિ. ભોજપુર બિહાર)ના રહેણાક મકાનમાં તા. ૧૫-૭–૨૧ પંચો રૂબરૂ રેડ કરતા તેની પાસેથી ગાંજા મિશ્રિત ગોળીઓનો જથ્થો ૧૮૨ કિલો અને ૯૬૦ ગ્રામ (નાના પીપરમેન્ટના હોય તેવા નાના પેકટ નંગ ૪૦ એક મોટા પેકેટમા ભરેલા તેવા ૪૦ નંગ ભરેલા મોટા પેકેટ નંગ ૭૯૬) જેની કિંમત રૂ. ૭૯૬૦૦ મળી આવતા રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાની ધોરણસરની અટક કરી ત્યારબાદ જેલહવાલે કરવામાં આવેલ અને ગુન્હાની તપાસના અંતે આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા મળી આવતા ચાર્જશીટ ફાઈલ કરવામા આવ્યું હતું. જેથી આરોપી દ્વારારા જામીન ઉપર છુટવા જામીન અરજી દાખલ કરી હતી.

તેમાં સરકારપક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગિયા દ્વારા ભારપૂર્વક દલીલો કરવામાં આવેલ કે આરોપીએ સહઆરોપી કમલેશકુમાર રામબ્રીકસ પ્રસાદ (રહે. ઉતરપ્રદેશ) કે જે માદક પદાર્થોના વેચાણ અંગેનો દલાલ હોય જે કાનપુર ખાતે આવેલ શુભમ ટ્રેડીંગ પાસેથી ખરીદ કરી આરોપીને અલગ અલગ સમયે ૩ વખત ઉ૫રોકત ચીજ વસ્તઓનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે કાનપુર ખાતેથી રાજકોટ મોકલાવેલ હતો. એફએસએલ અધિકારીએ પરીક્ષણ કરી પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટ જણાવેલ કે આરોપી પાસેથી મળી આવેલ ગોળીઓમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી મળી આવેલ છે. તેમજ આરોપીઓ દ્રારા ખોટા ઈનવોઈઝ હેઠળ ગોળીઓ 'રોયલ પીબી આર્યુવેદીક ચોકલેટ' તેમ દર્શાવી ગેરકાયદેસર રીતે માદક પદાર્થનુ વેચાણ કર્યું છે. તદઉપરાંત મુખ્ય આરોપી અને સપ્લાયર કમલેશકુમાર રામબ્રીકસ પ્રસાદ નાસતો ફરે છે. આવા સંજોગોમાં જો અરજદાર આરોપીને જામીનમુકત કરવામાં આવે તો તે સહઆરોપીને મદદ કરી શકે તેમજ માદક પદાર્થ કોમર્શિયલ કોન્ટીટીના હોય અરજદારની જામીન અરજી રદ કરવા ભારપૂર્વક દલીલ કરી હતી. બંને પક્ષોની દલીલો તેમજ પોલીસ પેપર્સ વંચાણે લીધા બાદ ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ યુ.ટી. દેસાઈએ સ૨કા૨પક્ષની દલીલો સાથે સહમત થતા આરોપીની રેગ્યુલર જામીન ઉપર છુટવાની અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગિયા, મુકેશ જી. પીપળીયા તથા પરાગ એન. શાહ રોકાયા હતા.

(2:40 pm IST)