Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રૈયા પંથકની સગીરાના અપહરણ અને બળાત્કારના ગુનામાં પકડાયેલ આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા. ૨૪: રાજકોટની ભાગોળે રૈયાધારમાં મજુરી કામ કરતા દંપતીની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં પકડાયેલ કોળી યુવાન સામેનો કેસ ચાલી જતા રાજકોટની સ્પેશ્યલ અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા ચુકાદો આપેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં રૈયા ધાર પાસે ભઠ્ઠા વિસ્તારમાં રહેતા અને મજુરી કરતા દંપતીની સગીરવયની પુત્રીને બાજુની સાઈટમાં કામ કરતા ઈસમે ભગાડી જતા ભોગ બનનારના પિતાએ એવી ફરીયાદ આપેલ હતી કે, તેમની સાઈટની બાજુમા કામ કરતા પ્રિતેશ ઉર્ફે ભુરો સથવારા નામના વ્યકિત દ્વારા તેની સગીર વયની દિકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયેલ છે. ફરીયાદ દાખલ થતા પોલીસે તપાસ આરંભી ભોગ બનનારને કોળી અરવીંદ એમ. રાઠોડ નામના વ્યકિત સાથે પકડી પાડી રીમાન્ડ પર લેતા પોલીસને એવી હકીકત મળી આવેલ કે ભોગ બનનારને ફરીયાદમાં જણાવેલ પ્રિતેશ સથવારા નહી પરંતુ રાજકોટ રૈયા વિસ્તારમાં રહેતા અરવીંદ રાઠોડે ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનારને સૌપ્રથમ પડધરી અને ત્યાંથી વીરનગર લઈ જઈ ભોગ બનનાર સાથે અસંખ્ય વખત શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ ભોગ બનનારને તરછોડી દેતા ભોગ બનનારે સમગ્ર ઘટનાની જાણ તેના માતા–પિતાને કરતા પોલીસ દ્વારા આરોપી અરવીંદની બળાત્કારના ગુન્હામાં ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો અને તપાસ દરમિયાન આરોપી વિરૂઘ્ધ મેડીકલ પુરાવાઓ સહીતના અસંખ્ય પૂરાવાઓ મળી આવતા તપાસ કરનાર અધીકારી દ્રારા આઈ.પી.સી. કલમ–૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસોની કલમ–૪ તથા ૬ મુજબના ગુન્હાનુ ચાર્જશીટ સ્પેશ્યલ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતુ તેમજ પ્રોસીકયુસન દ્વારા આરોપી સામેનો કેસ પુરવાર કરવા પંચો, ભોગ બનનાર, ફરીયાદી તથા તબીબી સહીતના સાહેદો તપાસવામાં આવેલ તેમજ દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવેલ હતા.

કેસના રેકર્ડ ઉપર આવેલ મૌખીક તથા દસ્તાવેજી પૂરાવાઓ તથા વડી અદાલતના ચૂકાદાઓ ઝીણવટપુર્વક મુલ્યાંકન કર્યા બાદ અદાલત એવા તારણ ઉપર આવેલ હતી કે ફરીયાદ પક્ષ દ્વારા એવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી કે જે પરથી આરોપી અરવીંદ રાઠોડે જ ભોગ બનનારનું અપહરણ કરેલ હોય કે ભોગ બનનાર સાથે શારીરીક સંબંધ બાંધી બળાત્કાર તથા જાતીય હુમલો કરેલ હોવાનુ પુરવાર થયેલ નથી જેથી કેસના તમામ પાસાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ કેસની તમામ હકીકતો અને સંજોગો લક્ષમાં રાખી તેમજ બચાવપક્ષની દલીલો તેમજ બચાવપક્ષે રજૂ થયેલ ચૂકાદાઓ ગ્રાહય રાખી અદાલતે આરોપી અરવીંદ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો આપેલ હતો.

આ કામમાં આરોપી તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

(2:39 pm IST)