Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

દિવડાનો કયાં કોઇ સ્વાર્થ હોય છે, એનો તો બસ ઝગમગાટ જ હોય છે

સિનર્જી હોસ્પિટલેથી બ્રેનડેડ યુવાનનું ધબકતું હૃદય ગ્રીન કોરિડોરથી સાડા છ મિનીટમાં એરપોર્ટ પહોંચ્યું

જામનગરમાં દિપક ત્રિવેદી નામના યુવાનને બ્રેનસ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા, તબીબોએ બ્રેનડેડ જાહેર કરતાં પરિવાર ઉપર આભ તૂટી પડયુ હતુ : દિપકે તેના નામના અર્થ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજવલીત કરશે, બે કિડની, લીવર અને બે આંખનું પણ દાનઃ બંને આંખોનું રાજકોટમાં દાન કરાશે

  રાજકોટઃ જામનગરમાં દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, આથી તેને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ લવાયો હતો, પરંતુ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. જોકે દીપક તેમના નામના અર્થ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરીને કાયમ જીવંત રહી શકે એ માટે પરિવારજનોએ તેનાં અંગોનું દાન કરવા નિર્ણય કર્યો હતો. આજે બપોરે અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવી હતી અને દીપકનું ધબકતું હૃદય બહાર કાઢ્યું હતું. બાદમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફત ધબકતું હૃદય સાડા છ મિનીટમાં એરપોર્ટ પહોંચાડ્યું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના થયું છે. આ ઉપરાંત બે કિડની, લિવર અને બે આંખનાં દાન થકી દીપક ૬ વ્યકિતમાં જીવિત રહેશે.

 આ તકે દીપકના પિતા કિશોરચંદ્ર ત્રિવેદીએ કહયું હતું કે મારો પુત્ર દીપક અન્ય ૬ લોકોની જિંદગીમાં પ્રકાશ ફેલાવશે. તેનાં અંગોનું દાન કરવામાં આવ્યું છે અને એના થકી બીજાની જિંદગીમાં કાયમ જીવંત રહેશે. તેનાં અંગો થકી બીજા લોકોના શરીરમાં અમે તેને કાયમ જીવંત જોઈશું. ભગવાન તેના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે.

 સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડે જણાવ્યું હતું કે જામનગરના દીપક ત્રિવેદી નામના દર્દીને નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગ્રત કર્યો હતો. પરિવારજનોએ ૬ અંગનું દાન કરવા નિર્ણય કરવામાં આવતાં આજે ગ્રીન કોરિડોરની મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે બે કિડની, લિવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)