Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતાં બે અને આઇડી આપનાર મળી ત્રણને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

દેવદિપ પાર્કના ભાવેશ સેજપાલ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં એન્જિનિયર ચિરાગ વડારીયા અને તેને આઇડી આપનાર ભાણવડના વેરાડના યશ સંતોષીને પકડી ૭૯૮૫૦નો મુદમાલ કબ્જે

રાજકોટ તા. ૨૪: મોબાઇલ ફોન પર આઇડીમાં જૂગાર રમનારા પર પોલીસ સતત ધોંસ બોલાવતી રહે છે. ક્રાઇમ બ્રાંચે આવા વધુ બે ગુનામાં એન્જિનિયર સહિત બે જણાને પકડી લઇ તેમજ એકને આઇડી આપનારાની પણ ધરપકડ કરી રૂા. ૧૯૮૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ક્રાઇમ બ્રાંચે પીએનબી સ્કૂલ પાસે દેવદિપ પાર્ક-૩માં રહેતાં અને છુટક મજૂરી કરતાં ભાવેશ જયંતિભાઇ સેજપાલ (ઉં.૨૮)ને મોબાઇલ ફોનમાં બે અલગ અલગ આઇડી પર જૂગાર રમાડતાં પકડી લઇ રૂા. ૧૫ હજારનો ફોન, રૂા. ૧૬૫૦ રોકડા કબ્જે લીધા હતાં. જ્યારે અન્ય દરોડામાં જામનગર રોડ એફસીઆઇના ગોડાઉંન પાસેથી ચિરાગ અમૃતલાલ વારીયા (ઉં.૨૯-સિવિલ એન્જિનિયર, રહે. હિરવિલા બ્લોક નં. એ-૨૦૪, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે)ને મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતો  પકડી લીધો હતો.
ચિરાગને આ આઇડી યશ પ્રફુલભાઇ સંતોકી (ઉં.૨૨-ધંધો ઇલેક્ટ્રીક કામ, રહે. મુળ વેરાડ તા. ભાણવડ, હાલ એફસીઆઇ ગોડાઉંન પાસે લેબર કોલોની જામનગર રોડ)એ આપ્યાનું ખુલતાં યશને પણ પકડી લેવાયો હતો.બંને પાસેથી ત્રણ મોબાઇલ ફોન, રોકડા ૫૨૦૦ મળી ૬૩૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શક્તિસિંહ ગોહિલ અને કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. જેમાં બાતમી જયદિપસિંહ અને જયેશભાઇને મળી હતી.

 

(11:29 am IST)