Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કણકોટમાં કોળી યુવાન અને ગાંધીગ્રામમાંથી આવેલા તેના બહેન પર વ્યાજની ઉઘરાણી મામલે ધોકાવાળી

કિશોર સિતાપરા અને બહેન જસુબેન બહુકીયા સારવારમાં: જસુબેને કહ્યું-જયરાજ અને દિલાએ હુમલો કર્યોઃ વ્યાજે લીધેલા ૪ હજારના ૧૨ હજાર દીધા છતાં વધુ માંગી માથાકુટ

રાજકોટ તા. ૨૪: કણકોટમાં ભાઇના ઘરે ગાંધીગ્રામમાંથી ટિફીન આપવા ગયેલા કોળી મહિલા પર કણકોટના જ બે જણાએ ધોકાથી હુમલો કરી માર મારતાં તેણીના ભાઇ વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચાડતાં બંનેને હોસ્પિટલે ખસેડાયા હતાં. વ્યાજના નાણાની ઉઘરાણી માટે આ હુમલો થયાનું મહિલાએ કહ્યું હતું.

આ બનાવમાં પોલીસે ગાંધીગ્રામ લાખના બંગલા પાછળ વેલનાથ ચોક શેરી નં. ૬માં રહેતાં જસુબેન ધીરૂભાઇ બહુકીયા (કોળી) (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી કણકોટના દિલા કાઠી અને જયરાજ કાઠી સામે ગુનો નોંધ્યો છે.

જસુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ અને સંતાન કુવાડવા મારા પતિ સાથે રહે છે. હું રાજકોટ રહુ છું. મારો દિકરો રાજુ છેલ્લા ત્રણેક દિવસથી મારા ભાઇ કિશોરભાઇ ઉકાભાઇ સિતાપરા (ઉ.૩૬)ના ઘરે કણકોટ ગામે રહેવા ગયો હોઇ જેથી હું દરરોજ તેને ટિફીન આપવા જતી હતી. મંગળવારે બપોરે પણ હું ટિફીન લઇને ભાઇની ઘરે ગઇ હતી ત્યારે કણકોટના દિલા અને જયરાજે આવી રૂપિયાની ઉઘરાણી કરી ગાળો દઇ ધોકાથી હુમલો કરી મને માથામાં ઇજા કરી હતી અને ઢીકાપાટુ માર્યા હતાં. મારા ભાઇ કિશોરભાઇ વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો.

પીએસઆઇ એન. કે. રાજપુરોહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારામારીમાં ઇજા થતાં જસુબેન અને તેના ભાઇ કિશોરભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જસુબેને હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે અગાઉ મારા બા બિમાર પડતાં તેની સારવાર માટે મેં જયુ કાઠી પાસેથી રૂ. ૪૦૦૦ વ્યાજે લીધા હતાં. બાર મહિના સુધી તેને એક એક હજાર રૂપિયા ભર્યા છે. હજુ વધુ પૈસાની ઉઘરાણી કરી તેણે આ હુમલો કર્યો હતો.

(11:09 am IST)