Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કોઠારીયા સોલવન્ટ નજીકથી ૮ કિલો ગાંજા સાથે ભાવેશ ઉર્ફ ચકાને એસઓજીએ દબોચ્યોઃ સુરતથી લાવ્યાનું રટણ

સુરત પોલીસે ૧ કરોડનો ગાંજો પકડ્યો, ત્યાં ફરીથી રાજકોટમાં પકડાયેલા ગાંજાનું કનેકશન ખુલ્યું : અગાઉ શાપરમાં ૧ કિલો ગાંજા સાથે પકડાયો હતોઃ આ વખતે બોલેરોમાં ગાંજો રાખી નીકળ્યો ને પકડી લેવાયો : એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં પકડાતાં ગાંજાનું કનેકશન લગભગ દરેક વખતે સુરત તરફનું નીકળે છે. પરમ દિવસે જ સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ૧ કરોડનો ગાંજો પકડી લીધો હતો. ત્યાં વધુ એક વખત આ વાતની સાબિતી મળી છે. રાજકોટ શહેર એસઓજીએ કોઠારીયા સોલવન્ટ નજીક સિતારામ સોસાયટી મેઇન રોડ શિવમ્ સોસાયટી-૨માં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં ભાવેશ ઉર્ફ ચકો હીરાભાઇ સુરેલા (કોળી) (ઉ.૪૧)ને તેના ઘર નજીકથી માલવાહક બોલેરો જીજે૧૩એડબલ્યુ-૨૮૬૪માં રૂ. ૮૦ હજારનો ૮ કિલો ગાંજો રાખીને નીકળતાં દબોચી લીધો છે. પ્રાથમિક પુછતાછમાં તેણે સુરત તરફથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ છે. આમ વધુ એક વખત ગાંજો અને સુરતનું કનેકશન નીકળ્યું છે.

શહેર એસઓજીની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે પાક્કી માહિતી મળી હતી કે શિવમ્ સોસાયટીનો ભાવેશ ઉર્ફ ચકો બોલેરો લઇને નીકળવાનો છે અને તેની પાસે ગાંજો છે. આ બાતમી પરથી વોચ રાખી કોઠારીયા સોલવન્ટ નજીક ભાવેશ ઉર્ફ ચકાને બોલેરો સાથે અટકાવી તલાશી લેતાં તેની પાસેના થેલામાંથી આઠ કિલો ગાંજો મળી આવતાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરાવી ગાંજો, વાહન મળી રૂ. ૪,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસ સુત્રોના કહેવા મુજબ ભાવેશ ઉર્ફ ચકો અગાઉ એટલે કે ગયા વર્ષે શાપર વેરાવળમાં રૂ. ૧૦૩૮૦ના ૧.૩૮ કિ.ગ્રા. ગાંજા સાથે પકડાયો હતો. હવે ફરીથી તેણે ગાંજાની હેરફેર ચાલુ કરતાં જ રાજકોટ શહેર એસઓજીએ દબોચી લીધો છે. પ્રાથમિક પુછતાછમાં તે સુરત તરફથી આ ગાંજો લાવ્યાનું રટણ કરતો હોઇ વિશેષ અને સાચી વિગતો ઓકાવવા કોવિડ રિપોર્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ થશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ નારકોટીકસ પર્દાથની હેરાફેરી અટકાવવા અને આવી પ્રવૃતિ આચરનારાઅનોે શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યું હોઇ એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા, ડી. જી. ઝાલા, કોન્સ. રણછોડભાઇ આલ અને હિતેષભાઇ પરમારે આ કામગીરી કરી હતી.

(11:08 am IST)