Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

અવિશ્વાસ દરખાસ્તની વાત અભેરાઇએ, કાલે 'કાર્ય પદ્ધતિ' વિશે રજુઆત થશે

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ઘર સરખુ કરવા આવતા નિરીક્ષકો : અમૂક સભ્યો ખાટરિયાને હટાવવાની વાત કરશે, બાકીના ટકાવવાની તરફેણમાંખાટરિયાના ટેકેદારો સામૂહિક રજુઆતના મુડમાં : નિર્ણય પાર્ટી પર છોડી દેશે

રાજકોટ, તા. ર૪ : જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોને સાંભળવા માટે નિયુકત થયેલા નિરિક્ષકો વીરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને સાબરમતીના પૂર્વ ધારાસભ્ય ડો. જીતુ પટેલ આવતીકાલે રવિવારે આવી રહ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી પંચાયત પ્રમુખના બંગલે કોંગ્રેસમાં રહેલા રર સભ્યોને સાંભળશે. સભ્યો ઇચ્છે તો સામૂહિક અથવા વ્યકિતગત રજુઆત કરી શકશે. જસદણની પેટાચૂંટણી અને કોંગ્રેસના આંતરિક સમીકરણોના ફેરફારના પગલે હાલ પ્રમુખ, ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તની વાત અભેરાઇએ ચડી ગઇ છે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા ૩૬ સભ્યો પૈકી ૨૨ સભ્યો અર્જુન ખાટરિયાની સાથે છે. ખાટરિયા જુથમાં રહેલા અમુક સભ્યો અસંતુષ્ટ ગણાય છે. તેઓ આવતા દિવસોમાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવાની તરફેણમાં છે. જો બન્નેને બદલવામાં ન આવે તો અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આગળ વધશે તેવુ તેઓ આવતીકાલે સ્પષ્ટ કહી દેવા માગે છે.

ખાટરિયાની સાથે રહેલા કેટલાક સભ્યોને તેમની કાર્યપદ્ધતિ સામે વાંધો છે પરંતુ અવિશ્વાસ દરખાસ્ત મુકવાના કે તેને ટેકો આપવાના મતના નથી. આ બધા સભ્યો આવતીકાલે આ બાબતે સામુહિક રીતે રજુઆત કરવા માગે છે. આગળનો નિર્ણય પાર્ટી ઉપર છોડી દેવાની ખાટરિયા જુથના સભ્યોની તૈયારી છે.

૨૨ સિવાયના બાકીના ૬ સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય ગયા છે. બાકીના ૬ જેટલા સભ્યો બાગી તરીકે ભાજપના ટેકાથી પંચાયતની સમિતિમાં શાસન કરી રહ્યા છે. તેમને આવતીકાલે બોલાવવામાં આવ્યા નથી. કાલે નિરીક્ષકો સમક્ષ જિલ્લા પંચાયતને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

(3:49 pm IST)