Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

રાજકોટમાં મેરેથોન યોજાશે કે નહિ...? સ્પર્ધકો અવઢવમાં

સામાજીક અગ્રણી રાજુ જુંજા અને કિશોરભાઇ વિરમગામાએ મ્યુનિ.કમિશ્નર પાસે પ્રત્યુતર માંગ્યો

રાજકોટ તા.૨૪: રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી મ્યુ.કોર્પોરેશન અને સહયોગી સંસ્થાના સંયુકત ઉપક્રમે મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાતી મેરેથોનમાં આ વર્ષે મ્યુ.કોર્પોરેશનના સત્તાધીશો મેરેથોન અંગે મગનું નામ મરી પાડતા નથી.તેથી મેરેથોન યોજાશે કે નહિ એ અંગે શહેરીજનો અને સ્પર્ધકો અવઢવમાં મૂકાયા છે.ગત વર્ષે મેરેથોનના ખર્ચ અંગે મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા આંતરિક જૂથવાદ બહાર આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે મ્યુ.કમિશ્નરે તાત્કાલીક સ્પષ્ટતા કરી દેેવી જોઇએ તેવી સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજા અને કિશોરભાઇ વિરમગામાએ માંગણી ઉઠાવી છે.

આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ વખતની મેરેથોનમાં કોર્પોરેશન દ્વારા વધુ સંખ્યા ભેગી કરવાની લ્હાયમાં આયોજન ન બગડે અને મેરેથોનની ગરીમા જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. જો વહેલી જાહેરાત કરવામાં આવે તો મેરેથોન માટે વધુ સ્પોન્સર્સ મળી રહે તેમજ વિવિધ સંસ્થાઓ મોટા પ્રમાણમાં જોડાઇ શકે તેમ છે. જેથી જેમ બને તેમ વહેલી તકે મેરેથોનની જાહેરાત કરી દેવા લોકમાંગ ઉઠી છે. તેમ રાજુભાઇ જુંજાએ જણાવ્યું છે.

(3:22 pm IST)