Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

સમણ શ્રુતપ્રજ્ઞજી તા. 29ના કેનિયા ( આફ્રિકા )ના વીસ દિવસના આધ્યાત્મિક પ્રવાસે રવાના: 20 દિવસની યાત્રામાં પ્રવચન, ધ્યાન શિબિર અને યુવાનોની શિબિરના અનેક કાર્યક્રમો

રાજકોટ : પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન - રાજકોટના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજી  આગામી તા. 29ના કેનિયાની વીસ દિવસની યાત્રા પર પ્રસ્થાન કરી રહ્યા છે. સમણજીનો કાર્યક્રમ યોજવામાં અમેરિકા - ન્યુ જર્સીમાં રહેતા ડોક્ટર ચંપા અને વેલજીભાઇ બીડનો સરાહનીય સહયોગ સાંપડયો છે.  નેરોબીમાં રહેતા કાંતિભાઈ ગુઢકા દ્વારા વીસ દિવસના પ્રવાસનું  સુંદર આયોજન કરેલ છે. તા. 29 અને 30 સમણજી આશાબેન અને ભરતભાઈના નિવાસસ્થાને રોકાઈને ધર્મ લાભ આપશે. તા. 1 ડિસેમ્બરના એક દિવસની શિબિરનું શ્રી વીસા ઓશવાલ કમ્યુનિટી - નેરોબીમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળકો અને યુવાનો ભાગ લઇ શકશે. સમણજી હેલ્થી હેબિટ્સ અને શિસ્ત - એક ચમત્કાર વિષય ઉપર શિબિર લેશે.

તા. 2 થી 5 ડિસેમ્બર, સમણજી પ્રેક્ષાધ્યાન કરાવશે અને જીવન એક ભેટ છે અને જીવવું એક કળા છે, સંઘનું મહત્વ, સાચો જૈન કેવો હોય? આ બધા વિષયો ઉપર પ્રવચન આપશે. સમણજીની કેનિયાની આ પહેલી યાત્રા છે એટલે લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમણજીની આ યાત્રાનો મુખ્ય હેતુ એ લોકોમાં જૈનત્વના સંસ્કારો વધુ દૃઢ બને, યુવાનોમાં વિશેષ આસ્થા જાગે અને લોકો ત્યાંના વાતાવરણમાં શાંતિ અને ભયમુક્ત રીતે જીવી શકે તે છે.

સમણજી નુકુરુ અને મોમાસાની  પણ યાત્રા કરશે અને ત્યાંના લોકોમાં ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિનો પ્રસાર કરશે અને આધ્યાત્મિકતાની જાગૃતિ લાવશે. અન્ય ભારતીય કેન્દ્રોમાં પણ સમણજીના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.સમણજી ત્યાંની સંસ્કૃતિનો પણ અભ્યાસ કરશે અને ત્યાંના પર્યટક સ્થાનોની મુલાકાત પણ લેશે. તેઓ તા. 20 સુધીમાં ભારત પરત ફરશે.   

(11:29 am IST)