Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ઘંટેશ્વરના વિક્રમ હુંબલે બેંક કલાર્કને કેમ તમારી ખુરશીએ હાજર નથી રહેતાં? કહી લાફા માર્યા

અયોધ્યા ચોક ટાઇમ્સ સ્કવેરમાં બેસતી એસબીઆઇ બેંકમાં બનાવઃ ગાળો ભાંડી ફરજમાં રૂકાવટ કરીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ યુવાન પિતાજીની પાસબૂકમાં એન્ટ્રી કરાવવા આવ્યો ત્યારે કલાર્ક અશ્વિનભાઇ જોષી મેનેજરની ચેમ્બર પાસે હતાં: વિક્રમે ત્યાં જઇ હાથથી ઇશારો કરી ખુરશીએ આવવાનું કહ્યા બાદ પિત્તો ગુમાવ્યો

રાજકોટ તા. ૨૪: માધાપર ચોકડી પાસે આવેલી એસબીઆઇ બેંકમાં પિતાજીની પાસબૂકમાં એન્ટ્રી કરાવવા આવેલા ઘંટેશ્વરના આહિર શખ્સે બેંક કલાર્કને કેમ તમારી ખુરશીએ હાજર રહેતાં નથી? તેમ કહી ગાળો દઇ લાફા મારી ડખ્ખો કરતાં તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં જામનગર રોડ નાગેશ્વર મંદિર પાછળ સિધ્ધાર્થ ગોલ્ડ એપાર્ટમેન્ટ એ-વિંગ બ્લોક નં. ૧૦૨માં રહેતાં અને ૧૫૦ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે ટાઇમ્સ સ્કવેર બિલ્ડીંગમાં આવેલી એસબીઆઇ બેંકમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં અશ્વિનભાઇ મનસુખભાઇ જોષી (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ઘંટેશ્વરમાં રહેતાં વિક્રમ સુખાભાઇ હુંબલ (ઉ.૩૫) સામે આઇપીસી ૩૩૨, ૫૦૪ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.

અશ્વિનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું બપોરે બારેક વાગ્યે બેંક ખાતે મારી ફરજમાં હતો. કામ સબબ હું મેનેજર વિનીતભાઇ પાસે ગયો હતો. ત્યારે અમારી બેંકના એક ગ્રાહક ત્યાં આવ્યા હતાં અને મને  પાછળથી હાથ અડાડી ઇશારો કરી કહેલ કે તમે તમારી ખુરશી પર આવો...જેથી મેં તેને હું આવુ જ છું તેમ કહ્યું હતું. એ પછી હું મારા ટેબલ પાસે ગયો હતો અને ખુરશીમાં બેઠો હતો. ત્યારે આ ગ્રાહકે 'મારે મારા પિતાજીની પાસબૂકમાં એન્ટ્રી કરાવવી છે' તેમ કહેતાં મેં તેની પાસે પાસબૂક માંગતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને 'તમે તમારી ખુરશી પર કેમ હાજર હેતાં નથી?' તેમ કહી ગાળાગાળી કરી મારો કાંઠલો પકડી લઇ મને ગાલ પર લાફા મારવા માંડેલ. આ વખતે બેંક સ્ટાફના બીજા કર્મચારીઓ, અમારા મેનેજર સહિતના આવી ગયા હતાં અને મને છોડાવ્યો હતો અને માથાકુટ કરનાર ગ્રાહકને સમજાવીને બહાર મોકલી દીધો હતો.

એ પછી અમે આ ગ્રાહકનું નામ-સરનામુ પાસબૂકના આધારે જોતાં તેમાં સુખાભાઇ રાયધનભાઇ હુંબલ- રહે. ઘંટેશ્વર જામનગર રોડનું સરનામુ મળ્યું હતું. તેમાં ફોન નંબર પણ હતાં તે નંબર પર અમારા મેનેજરે ફોન જોડતાં ફોન વિક્રમ સુખાભાઇએ ઉપાડ્યો હતો અને પોતે જ બેંકમાં એન્ટ્રી કરાવવા આવ્યાનું કહ્યું હતું. એ પછી તેની સામે ફરિયાદ નોંધાવી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ ગુનો નોંધી વિક્રમ હુંબલની અટકાયતની કાર્યવાહી કરી હતી.

(11:42 am IST)