Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હાથના કર્યા હૈયે વાગ્યા....

હોસ્પીટલ ચોક બ્રીજના માટી પરિક્ષણમાં પાઇપલાઇન તૂટી : ૩ વોર્ડમાં પાણીનાં ધાંધિયા

કન્સલટન્ટ દ્વારા આઇ.પી.મીશન સ્કુલ પાસે ઓઇલ ટેસ્ટીંગનો બોર સીધે સીધો પાણીની પાઇપ સોસરવો થઇ જતા વહેલી સવારે ફુવારા ઉડયા-નદી વહી : જંકશન, દાણાપીઠ, કેનાલ રોડ, ગાયકવાડી, પરાબજાર વિસ્તાર સહિતનાં વિસ્તારોમાં પ કલાક પાણી વિતરણ મોડુ

રાજકોટઃ આજે વ્હેલી સવારે આઇપી મીશન સ્કુલ પાસે હોસ્પીટલ ચોકના ફલાય ઓવર બ્રીજ માટે માટીનું પરીક્ષણ કરવા બોર ખોદતી વખતે પાણીની પાઇપ લાઇન તુટી હતી જેનું તાબડતોબ રીપેરીંગ શરૂ કરાયું તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૯)

રાજકોટ, તા., ૨૪: મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા હોસ્પીટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ બનાવવામાં આવનાર છે. આ બ્રીજના પાયા ખોદવા માટે માટીના પરીક્ષણ અર્થે આજે સવારે કન્સલ્ટન્ટ દ્વારા રસ્તા ઉપર બોર કરતી વખતે નીચેથી પસાર થતી પાણીની પાઇપ લાઇન તુટતા શહેરના ૩ વોર્ડમાં પાણીના ધાંધીયા સર્જાયા હતા અને આ વોર્ડના અનેક વિસ્તારોમાં ૪ થી પ કલાક સુધી મોડુ પાણી વિતરણ થતા દેકારો બોલી ગયો હતો.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ  હોસ્પીટલ ચોકમાં ત્રિમાર્ગીય ફલાય ઓવર બ્રીજ બનાવવામાં આવનાર છે. જેનું એસ્ટીમેન્ટ અને ડિઝાઇન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા આજે વહેલી સવારે કુવાડવા તરફના રોડ પર આઇપી મીશન સ્કુલની સામેની બાજુએ રોડ ઉપર બ્રીજના પાયા ખોદવા માટે માટીની મજબુતાઇનું પરીક્ષણ કરવા બોર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રોડથી ૬ થી ૭ ફુટ નીચે આવેલી મ્યુનીસીપલ કોર્પોરેશનની પાણી વિતરણની મુખ્ય પાઇપ લાઇન કે જે ૬૦૦ એમએમ ડાયામીટરની હતી તેના સોસરવું બોર થઇ જતા વ્હેલી સવારે પાણીના ફુવારા ઉડયા હતા અને રસ્તા પર નદી વહેવા લાગી હતી. થોડી વાર માટે કર્મચારીઓ અને અધિકારીઓને એવું લાગ્યું હતું કે બોર કરતી વખતે પાણી જમીનમાંથી બહાર આવ્યું છે. પરંતુ અનુભવી  ઇજનેર શ્રી વાસ્તવને તુર્ત શંકા જાગી કે આ પાણી પાઇપ લાઇનનું હોવું જોઇએ કેમ કે આ વિસ્તારમાં વહેલી સવારે પ વાગ્યા બાદ પાણી વિતરણ શરૂ થાય છે. આમ તેઓએ તાબડતોબ પંમ્પીંગ સ્ટેશનમાંથી પાણીની પાઇપ લાઇન બંધ કરાવી હતી જેથી તુર્ત જ પાણી બંધ થઇ ગયું હતું આથી એ સ્પષ્ટ થઇ ગયું કે રોડની નીચે પાણીની મુખ્ય પાઇપ લાઇન તુટી ગઇ છે.

આમ ઘટના સ્થળે પાઇપ લાઇન રીપેરીંગનું કામ શરૂ કરાવી દીધું હતું. જો કે આમ છતાં આ પાઇપ લાઇન તુટતા તેના કારણે વોર્ડ નં. ર-૩ અને ૭ માં આવતા જંકશન પ્લોટ, પરાબજાર, દાણાપીઠ, કેનાલ રોડ, ગાયકવાડી, પોપટપરા, રેલનગર, સરકારી કર્વાટર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં નિયત સમયથી પ કલાક સુધી પાણી વિતરણ મોડુ કરવાની ફરજ તંત્રને પડી હતી તેમ ઇજનેર શ્રી શ્રીવાસ્તવે જણાવેલ હતું. આમ આજના આ કિસ્સામાં તંત્રને હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ ઘડાયો હતો.

વોર્ડ નં. ૧૦માં પણ પાઇપ લાઇન તુટીઃ વિતરણ યથાવત

શહેરના વોર્ડ નં. ૧૦માં આવેલ નંદી પાર્ક વિસ્તારમાં પણ પાણીની પાઇપ લાઇન  ગઇરાત્રે તુટી ગઇ હતી. જો કે આ પાઇપ લાઇન વહેલી તકે રીપેર થઇ જતા પાણી વિતરણમાં કોઇ અસર થઇ ન હતી તેમ ઇજનેરોએ જણાવ્યું હતું.

કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા પાણી વિતરણ માટે સતત પ્રયાસ

વ્હેલી સવારે પાઇપ લાઇન તુટવાની જાણ થતા જ વોર્ડ નં. ૩ ના જાગૃત કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ ઇજનેરોનો સંપર્ક સાધી જે -જે વિસ્તારમાં પાણી વિતરણ મોડુ થનાર હતું તે વિસ્તારમાં પાણીના સમય અંગે જાણ કરી વહેલામાં વહેલી તકે પાણી વિતરણ શરૂ થાય તે માટે પ્રયાસો કર્યા હતા.(૪.૯)

(4:03 pm IST)