Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

એસકેએસઈ સિકયુરીટી સોનમ કલોકને વેચવાને મંજુરી

સ્ટોક એક્ષચેન્જની ૨૯મી એજીએમના પ્રમુખની સત્તાવાર જાહેરાતઃ ૧૧.૨૫ કરોડના વેચાણને ૭૫ ટકા સભ્યોનું સમર્થનઃ સુનિલભાઈ શાહ તથા મિલનભાઈ મિઠાણીની ડાયરેકટર તરીકે નિમણૂકઃ એજીએમમાં વાર્ષિક હિસાબો પણ મંજુર

 

રાજકોટ, તા. ૨૪ :. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જની ૨૯મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૦ને શનિવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરી મોરબી સ્થિત સોનમ કલોકને વેંચી દેવા સહિતના ઠરાવો મંજુર કરવામા આવ્યા હતા તેમ ૨૯મી એજીએમના પ્રમુખ હસમુખભાઈ બલદેવની એક યાદી જણાવે છે.

એજીએમના પ્રમુખ બલદેવની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે કે, શનિવારે યોજાયેલી મીટીંગમાં ૩૧-૩-૨૦૧૮ સુધીના ઓડીટેડ વાર્ષિક હિસાબો મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સુનિલ શાહની ડાયરેકટર તરીકે રીએપોઈન્ટમેન્ટ, મિલન મીઠાણીની ડાયરેકટર તરીકે એપોઈન્ટમેન્ટને મંજુરી આપવામાં આવી હતી.

યાદીમાં વધુમાં જણાવાયુ છે કે, સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરી એસકેએસઈ સિકયુરીટીનો સ્ટેક સેલ મંજુર કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ઓડીટર તરીકે જે.એલ. પારેખની નિમણૂક પણ કરવામાં આવી હતી. તેવુ યાદીના અંતે જણાવાયુ છે.

અત્રે એ નોંધનીય છે કે, એજીએમમાં સર્વાનુમતે સિકયુરીટીના વેચાણનો પ્રસ્તાવ  નામંજુર થતા આખરે વોટીંગ કરાવવામાં આવ્યુ હતુ. જેના પરિણામ અંગે વિવાદ સર્જાયો હતો અને આખરે આજે સત્તાવાર રીતે યાદીમાં જણાવાયુ છે કે બહુમતીથી એટલે કે ૭૫ ટકા સભ્યોના સમર્થનથી સિકયુરીટીના વેચાણને મંજુરી આપવામાં આવી છે. એ પણ નોંધનીય છે કે, અગાઉ પરિણામ અંગે વિવાદ ઉભો થયો હતો અને બે થી ત્રણ વખત ફેર મત ગણતરી કરવામાં આવી હતી પરંતુ આજે સત્તાવાર રીતે કંપની સેક્રેટરીના રીપોર્ટ સાથે જાહેર કરવામાં આવ્યુ છે કે સિકયુરીટી વેચવાને મંજુરી મળી ગઈ છે. કુલ રૂ. ૧૧.૨૫ કરોડમાં સિકયુરીટી હવે સોનમ કલોક પાસે ચાલી જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં બોર્ડની બેઠક મળશે તેમા આગળની કાર્યવાહી કરી બે થી ત્રણ મહિનામાં સમગ્ર ડીલને પૂર્ણ કરી દેવામાં આવશે.(૨-૧૩)

વેચાણના પરિણામને કાયદાકીય રીતે પડકારવા તૈયારી

રાજકોટઃ સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરી એવી સિકયુરીટીને સોનમ કલોકને વેચવાના મામલે યોજાયેલા મતદાનમાં ઘાલમેલ અને વિવાદ થયો હોવાનું કહેવાય છેઃ હરીફ જુથનું કહેવુ છે કે, બહુમતી વગર ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને અમુક મતોની હેરફેર કરી ધરાર પરિણામ વેચાણની તરફેણમાં લાવવામાં આવ્યુ છે તેને આગામી દિવસોમાં કાનૂની રીતે પડકારવામાં આવશે, જો પરિણામને કોર્ટમાં પડકારવામાં આવશે તો નવો વિવાદ ઉભો થાય તેવી પણ શકયતા છે, વેચાણના વોટીંગના પરિણામ સામે અનેક સભ્યોને વાંધો હોવાનું પણ જાણવા મળે છે

(4:02 pm IST)