Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મહાપાલિકાનું માનવતા કાર્યઃ ગરીબો માટે કપડા કે વસ્તુનું દાન આપો

સક્ષમ રાજકોટ પ્રોજેકટ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જુદી જુદી વસ્તુ આપવા બીનાબેન અને રૂપાબેનની અપીલ

રાજકોટ, તા.૨૪: મહાનગરપાલિકા દ્વારા જન ભાગીદારીથી સક્ષમ રાજકોટ પ્રોજેકટ હેઠળ 'સંવેદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ શહેરના સુખી સંપન્ન લોકો દ્વારા વસ્ત્રો, ફટાકડા, ધાબરા, ગરમ વસ્ત્રો, રમકડા, દીવા, વિદ્યાર્થી માટે સ્ટેશનરી, સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબૂક, ચોપડા, ડ્રોઈંગસીટ, કલર, વિગેરે જૂની અથવા નવી વસ્તુઓ આપવા મેયર બિનાબેન આચાર્ય અને શીશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ ની સંયુકત યાદીમાં આ અંગે બીનાબેન અને રૂપાબેન શીલુએ જણાવ્યુ હતુ કે, દિવાળીના તહેવાર અનુસંધાને ઘરની સાફસફાઈ વખતે સુખી સંપન્ન લોકોના ઘરોમાં બિન ઉપયોગી વસ્તુઓ ફેકી દેવામાં આવતી હોય છે અથવા તો ભંગારમાં આપી દેવામાં આવતી હોય છે. પરિવારમાં બાળકો મોટા થઇ ગયા બાદ બિન ઉપયોગી રમકડાઓ હોય છે ત્યારે આવી જુદી જુદી વસ્તુઓ સ્લમ વિસ્તારના બાળકોને આપવામાં આવે તો આવા બાળકો ખુબજ રાજી થતા હોય છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંવેદના કાર્યક્રમ હેઠળ જુદી જુદી નવી તથા જૂની વસ્તુઓ તા.૨૫થી ૦૧ નવેમ્બર સુધીમાં ૧. સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર, ૨.આર્ટ ગેલેરી રેસકોર્ષ, ૩.અમીનમાર્ગ સિવિક સેન્ટર,૪.કૃષ્ણનગર સિવિક સેન્ટર       ૫.કાલાવડ રોડ સ્વિમિંગ પુલ, ૬.પેડક રોડ સ્વિમિંગ પુલ, ૭.કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ સહિતના સ્થળોએ એકત્રીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.       

વિશેષમાં ૫૦ નંગથી વધારે કપડા, રમકડા, મીઠાઈ, દીવા તથા આનુસંગિક સાધન સામગ્રી આપવા ઈચ્છા ધરાવતા શહેરીજનો/સંસ્થાઓ પાસેથી વસ્તુઓનું એકત્રીકરણ મહાનગરપાલિકા દ્રારા તેઓ દ્રારા સૂચિત થયેલ સ્થળેથી કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાનાં ટેલીફોન નંબર ૦૨૮૧ – ૨૨૨૧૬૩૯ તથા મોબાઈલ નંબર ૯૬૨૪૭૧૮૫૨૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.એકત્રિત થયેલી અને વર્ગીકૃત થયેલ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદો સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત તા.૦૨ નવેમ્બર થી તા.૦૪ નવેમ્બર દરમ્યાન શહેરના પછાત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.

સંવેદના કાર્યક્રમના અનુસંધાને શહેરના સુખી સંપન્ન પરિવારજનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને આ ઉમદા કાર્યમાં સહભાગી બની સ્લમ વિસ્તારના દરિદ્રનારાયણના ઘરમાં દીપોત્સવી પર્વમાં દિપક પ્રગટાવવા મેયરશ્રી તથા શીશુ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રીએ અનુરોધ કરેલ છે. તેમ મેયરની સતાવાર યાદીમાં જણાવ્યુ છે.(૨૩.૧પ)

(3:51 pm IST)