Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજકોટથી નવાગામ જવા સાત કોઠા વિંધવા જેવું : નદીનું ડાયવર્ઝન ભયજનક

કોઇ મોટી દુર્ઘટના બને એ પહેલા તંત્ર જાગશે? : જુનો પુલ ગમે ત્યારે તુટી જાય તેમ છેઃ લોકોની દહેશત

રાજકોટ તા. ર૪: રાજકોટ-અમદાવાદ માર્ગ સીકસ લેન કરવા ર૩૦ કિ.મી.ના માર્ગ પર ઠેકઠેકાણે ડાયવર્ઝન કરવામાં આવેલ છે પરંતુ સૌથી ભયજનક ડાયવર્ઝન રાજકોટથી નવાગામ જવાના રસ્તે આવેલ છે અને નદીમાં આપવામાં આવેલ ડાયવર્ઝન તો ભયજનક છે અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જે તેમ છે તેવું આ ડાયવર્ઝન પરથી પસાર થતાં લોકોનું કહેવું છે.

લોકોએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટથી અમદાવાદ જવું હાલ કઠીન તો છે જ  પણ રાજકોટથી નવાગામ જવું હકીકતમાં સાત કોઠા વિંધવા જેવું છે. લોકોનું કહેવું છે કે ગ્રીનલેન્ડ ચોકડીથી જે બીએમડબલ્યુના શો-રૂમ થી જે નદીનાં ડાયવર્ઝન આપવામાં આવેલ છે તે તો અતિ ભયંકર છે. લોકોએ કરેલી ફરિયાદ મુજબ ત્યાં જુનો પુલ ગમે ત્યારે તુટી જાય તેમ છે એટલું જ નહિં ડાયવર્ઝન નદીમાંથી કાઢયું હોઇ ગમે ત્યારે પુર આવે તો જાનહાનીની પણ શકયતા છે.

લોકોનું કહેવું છે કે, નાના કામ માટે મહિનાઓથી મેઇન રસ્તો બંધ કરી ડાયવર્ઝન કાઢવું કેટલા અંશે વ્યાજબી છે?

આ બાબતે યોગ્ય કરવા લોકોએ તંત્રને અપીલ કરી છે. 

(3:32 pm IST)