Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ટ્રાફિક વોર્ડન દ્વારા વૃદ્ધને માર મરાતો વિડિયો વાયરલ થયો

રાજકોટમાં ટ્રાફિક પોલીસના વર્તનથી આક્રોશ : વિવાદ વકરતાં ટ્રાફિક એસપીનો તપાસનો આદેશ : ટ્રાફિક વોર્ડન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વૃદ્ધને માર મારવા પ્રયાસ

અમદાવાદ, તા.૨૪ :રાજકોટ શહેરનાં લીમડાચોકમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન વૃધ્ધને માર મારતો હોય તેવો વીડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.  વૃધ્ધ અને ટ્રાફિક વોર્ડન વચ્ચે કોઈ મામલે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન ટ્રાફિક વોર્ડને વૃધ્ધને લાફો ઝીંકી દીધો હતો. જેને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. એટલું જ નહી, ટ્રાફિક વોર્ડન બાદ ટ્રાફિક પોલીસે પણ વૃધ્ધને માર મારવાની કોશીષ કરી હતી અને વૃધ્ધનું ગળુ પકડયુ હતું., જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસના આ પ્રકારના ઉધ્ધતાઇભર્યા વર્તનને લઇ રાજકોટવાસીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

             બીજીબાજુ, સમગ્ર વિવાદ વકરતાં આ સમગ્ર મામલે ટ્રાફિક એસપીએ તપાસના આદેશો જારી કર્યા છે. તપાસ દરમિયાન ટ્રાફિક કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને ટ્રાફિક વોડર્ન શક્તિસિંહ હોવાનું સામે આવ્યું છે., તેથી હવે ટ્રાફિક એસપીના આદેશાનુસાર, તેઓની વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી અને ખાતાકીય તપાસના પગલાં લેવાઇ શકે છે. સમગ્ર ઘટનાની જાણ ઈન્ચાર્જ ટ્રાફિક એસપી એસ.ડી.પટેલને થતાં તેઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. શા માટે મારામારી કરવાની ફરજ પડી તે અંગે હાલ તેઓ તપાસ હાથ ધરી હતી. ઈન્ચાર્જ એસપીના જણાવ્યા અનુસાર, જો ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન દોષિત જણાશે તો તેને દંડ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે પણ ટોઈંગ કરવા મુદ્દે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રાફિક પોલીસનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો.

(8:42 pm IST)