Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કચરાના કોન્ટ્રાકટનો વાર્ષિક ખર્ચ માત્ર ૧.૬૮ કરોડઃ ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કેમ થાય ? : સ્ટેન્ડીંગ ચેરમેન

કોંગ્રેસના 'ભ્રષ્ટાચાર'ના બોમ્બનું સુરસુરિયુ કરી નાંખતા ઉદય કાનગડઃ ડો. હેમાંગ વસાવડા પોતાના મગજનું ઓપરેશન કરાવેઃ કચરા નિકાલના કોન્ટ્રાકટની આંકડાકિય હકીકતો જાહેર કરી કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા હોવાનો આક્ષેપઃ કૌભાંડ રંગે હાથ પકડયું ત્યારે કેમ ફરિયાદ ન કરાઇ ?

રાજકોટ,તા.૨૪:  મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી નિકાલ થતા સુકા અને ભીના કચરાના નિકાલ અને ગાર્બેજ સ્ટેશન સૂધી પરિવહન માટે આપવામાં આવેલા કોન્ટ્રાકટમાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો  રાજકીય આક્ષેપ કરનાર કોંગ્રેસના ચહેરા પરથી ગંદા કચરા જેવો નકાબ ચીરીને, કોઈ આધાર વગરના આક્ષેપનોે સત્ય ઉજાગર કરતો  જડબાતોડ જવાબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે આંકડાના આધારો સાથે આપ્યો છે.

 તેઓએ જણાવેલ કે વજનમાં ગોલમાલનો આક્ષેપ કરનાર કોંગ્રેસના નેતાઓને નિયમોનું પણ ભાન નથી અને ૫ વર્ષમાં રૂ.૧૦૦ કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ હવામાં કરી દીધો છે. ખરેખર ટ્રેકટર-કાર્ગો દ્વારા કચરા પરિવહનનો વાર્ષિક ખર્ચ જ રૂ.૧.૬૮ કરોડ જેવો થતો હોઈ, ત્યારે રૂ.૧૦૦ કરોડના ભ્રષ્ટાચારનું આવું ગણિત ઉભું કરનાર પ્રદેશ કોંગેસના ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા પોતાની જાતે પોતાના મગજનું ઓપરેશન કરે અથવા તેમનાથી પણ સારા કોઈ નિષ્ણાંત ન્યુરોલોજિસ્ટ પાસે પોતાના મગજનું ઓપરેશન કરાવી લેવાના સુચનનું ઈન્જેકશન ઉદય કાનગડે માર્યું છે.

તેઓએ જણાવેલ કે, કોંગ્રેસે આજે વીડીયો સીડી સાથે કરેલા કચરા જેવા આક્ષેપોના કોઈ આધાર તો હજુ કયાય ફરિયાદના રૂપમાં રજુ કર્યા નથી. ફરિયાદ પણ રાજકોટ મહાનગરપાલિકા કે સરકારના બદલે સીવીસીને આપવાની વાત કરી છે. જો કોંગ્રેસના પેટમાં રાજકીય પાપ ન હોય તો કહેવાતી વીડીયો સીડી બનાવતી વખતે જ જો કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને બોલાવીને સ્થળ પર ખુલાસો કર્યો હોત તો ત્યાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકત. પરંતુ, આવું ન કર્યું અને આવતા વર્ષે કોર્પોરેશનની ચુંટણી આવે છે ત્યારે અત્યારથી રાજકીય ખેલ શરુ કરી દીધાનું લોકોને દેખાવા લાગ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી હારેલા ડો. હેમાંગભાઈ વસાવડા ફકત અને ફકત ૨૦૨૦માં આવનાર ચુંટણીને ધ્યાનમાં રાખી, રાજકીય સ્ટંટ કરી રહ્યા છે.

કોંગ્રેસના આ આક્ષેપોમાં દમ નથી તે વાત કોંગ્રેસની પત્રકાર પરિષદે જ સાબિત કરી દીધેલ છે. કારણકે, આ પત્રકાર પરિષદમાં પ્રદેશના હોદ્દેદારો, શહેર પ્રમુખ અને અમુક જ કોર્પોરેટર હાજર હતા. પરંતુ, કોર્પોરેશનમાં વિપક્ષની મુખ્ય જવાબદારી સંભાળતા અને પ્રદેશે બેસાડેલા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા પોતે જ હાજર ન હતા. જો કોર્પોરેશનમાં કોઇપણ પ્રકારની અનિયમિતતાની વાત હોઈ, તો સૌ પહેલા વિપક્ષી નેતા જ તેનો પ્રશ્ન ઉપાડતા હોઈ તેવી પરંપરા હોય છે. પરંતુ, આ પત્રકાર પરિષદમાં રાજકોટ મહાનગરપાલિકાના જ કોંગ્રેસ નેતા ગેરહાજર રહેતા, આ કહેવાતા કૌભાંડની વાતમાં કોઈ દમ નથી તેવું કોંગ્રેસના લોકો જ કહેવા લાગ્યા છે. આ પત્રકાર પરિષદ કે વિષયની જાણ જ ન હોવાનું ખુદ વશરામભાઇ કહી ચુકયા છે ત્યારે કોંગ્રેસમાં ચાલતી જુથબંધીની લડાઈ અને મુદ્દો હોઈ કે ના હોઈ માત્ર ભાજપનું નામ ઢસડીને, વિવાદ ઉભો કરીને ચુંટણી પર નજર ઠેરવવાનું એક જુથે શરુ કરી દીધાનું સ્પષ્ટ લાગે છે.

કોંગ્રેસના એકે એક રાજકીય આક્ષેપનો જવાબ આપતા ઉદય કાનગડે કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા પુરા શહેરમાંથી કચરાના પરિવહન માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોર્ડ વિસ્તારમાં રહેલા ન્યુસન્સ પોઈન્ટ તથા બિનવારસી ભરતી, વોંકળાનો ગાર વગેરે ઉપાડવા માટે રાજકોટ શહેરમાં ગોન વાઈઝ ૩(ત્રણ) એમ કુલ ૯ કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે.હાલમાં, ભરતી ઉપાડવાનું કામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરાવવામાં આવે છે. વોર્ડ વિસ્તારમાં રહેલી બિનવારસી ભરતી હોઈ કે, વોંકળાના ગારમાં આવેલ ભરતી હોઈ, તે ફકત વજન કરવા માટે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લઇ જવામાં આવે છે અને ત્યાં માત્ર ભરતી હોઈ તો તે સીધી લો લાઇંગ એરિયામાં નાખવામાં આવે છે. અને તેની ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે અલગથી નોંધ કરવામાં આવે છે.

હાલમાં, ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે આવેલ ટ્રેકટરનું વજન જો ૮૫૦ કિલોથી ઓછુ હોય તો ટેન્ડરનીં શરત મુજબ તેનો ફેરો ગણવામાં આવતો નથી. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે કોપ્યુટરાઈઝ વે-બ્રીજ કરવામાં આવેલ છે. જેમાં, વજન, સમય અને તારીખની કોમ્યુટરાઈઝ નોંધ કરવામાં આવે છે. તેની મેન્યુઅલી એન્ટ્રી કરવામાં આવતી નથી. આ ઉપરાંત, દરેક વાહનોના ફોટોગ્રાફ પણ લેવામાં આવે છે. અને સંપૂર્ણ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન  સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વોર્ડ વિસ્તારમાં ટ્રેકટર કે કાર્ગોથી ભરતી ઉપાડવાના હાલના ભાવ રૂ.૪૬૦ થી રૂ.૪૯૦ સુધીના છે.  દરેક ટ્રેકટર કે કાર્ગો દીઠ કુલ ૫ ફેરા કરવામાં આવે છે. જેથી એક ટ્રેકરનું અંદાજીત માસિક બિલ રૂ.૬૫,૦૦૦ જેટલું થાય છે. હાલ કુલ ૨૨ ટ્રેકટર/કાર્ગો વોર્ડ વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી, માસિક રૂ.૧૪,૦૦,૦૦૦ જેટલો ખર્ચ થાય છે.વોંકળાનો ગારમાં કયારેય ભરતી, ગાર અને કચરો મિકસ હોય છે. હાલમાં, ભરતી ઉપાડવાનું કામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવે છે.

પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાએ કરેલા આક્ષેપો વાહિયાત છે. આંકડાના ધડ માથા વગરના છે. તંત્રને તપાસ માટે બારોબાર પડકાર ફેકયો છે. પરંતુ, આક્ષેપ કરનારે આરોપ સાબિત કરવાના હોઈ છે. આથી, જો ડોકટર આક્ષેપ સાબિત કરી શકતા ન હોઈ તો તેમનેે મગજની સારવાર કરાવવાનો ધગધગતો જવાબ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે આપ્યો છે.  

(3:49 pm IST)