Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કચરા ઉપાડવાના કોન્ટ્રાકટમાં પારદર્શક પધ્ધતિ અમલમાં: ઉદિત અગ્રવાલ

વજનમાં કોઇ ગોલમાલ થતી નથી : ધુળ-પથ્થર-બાંધકામના કચરા માટે ત્રણેય ઝોનમાં અલગથી કોન્ટ્રાકટ અપાયા છે : મ્યુ. કમિશનરની સ્પષ્ટતાં

રાજકોટ,તા.૨૪: કચરાનાં કોન્ટ્રાકટ અંગે મ્યુ.કમિશ્રનર ઉદિત અગ્રવાલે સ્પષ્ટતાં કરી હતી કે, મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જે તે વોર્ડમાં રહેલ ન્યુસન્સ પોઈન્ટ તથા બિનવારસી ભરતી, વોંકળાનો ગાર વગેરે ઉપાડવા માટે અમલમાં રહેલી પારદર્શક પધ્ધતિ વિશે પર્યાવરણ ઈજનેરશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે કે, રાજકોટ શહેરમાં ઝોનવાઈઝ ૦૩ (ત્રણ) એમ કુલ-૯ (નવ) કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. ટેન્ડરની શરત મૂજબ જ ભરતી પણ ઉપાડવાનું કામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. જેમાં વોર્ડ વિસ્તારમાં રહેલ બિનવારસી ભરતી હોય કે વોંકળાના ગારમાં આવેલ ભરતી હોય, તેને ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે વજન કરવા અને ફેરો નોંધવા માટે લઈ જવામાં આવે છે. અને ત્યાં માત્ર ભરતી હોય તો આ ભરતીને નાકરવાડી ખાતે લઈ જવામાં આવતી નથી.

તેઓએ જણાવેલ કે, ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લો-લોઈન્ગ એરિયામાં આ ભરતી નાખવામાં આવે છે, અને તેની ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ મુજબ અલગથી ઓટોમેટિક નોંધ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટરને ટન મુજબ નહી પરંતુ ફેરા મુજબ બિલની ચુકવણી કરવામાં આવે છે. આ આખી સિસ્ટમ એટલી પારદર્શક છે કે, ત્યાં કચરાની ગાડીમાં કેટલો કચરો છે તેની કોમ્પ્યુટરાઈઝડ ગણતરી થઇ જાય છે અને ઓટોમેટિક ગણતરી મુજબની રિસિપ્ટ જનરેટ થાય છે. મેન્યુઅલ સિસ્ટમ અમલમાં જ નથી એટલે કચરાના વજનમાં કોઇ ગોલમાલ થતી નથી.

ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે આવેલ ટ્રેકટરનું વજન ૮૫૦ કી.ગ્રા.થી ઓછું હોય તો ટેન્ડરની શરત મુજબ ફેરો ગણવામાં આવતો નથી. હાલમાં ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે કોમ્પ્યુટરાઈઝ વે-બ્રીજ મુકવામાં આવેલ છે, જેમાં વજન, તારીખ, સમયની નોંધ કરવામાં આવે છે. મેન્યુઅલી એન્ટ્રી કરવામાં આવતી નથી. દરેક વાહનો ફોટોગ્રાફ લેવામાં આવે છે, અને આખા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવેલ છે. હાલમાં વોર્ડ વિસ્તારમાં ટ્રેકટર કે કાર્ગોથી કચરો ભરતી ઉપાડવાના ભાવ રૂ. ૪૬૦/- થી ૪૯૦/- સુધીના છે, દરેક ટ્રેકટર કે કાર્ગો દીઠ કુલ-૫ ફેરા કરવામાં આવે છે, જેથી એક ટ્રેકટરનું અંદાજીત માસિક બિલ રૂ. ૬૫,૦૦૦  જેટલું થાય છે. હાલમાં કુલ-૨૨ ટ્રેકટર/કાર્ગો વોર્ડ વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી માસિક રૂ. ૧૪,૦૦,૦૦૦ જેટલો ખર્ચ થાય છે.

વોંકળાના ગારમાં કયારેક ભરતી, ગાર અને કચરો મિકસ હોય છે. હાલમાં ભરતી ઉપાડવાનું કામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા કરવામાં આવે છે.

(3:48 pm IST)