Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

મગફળી દસેક દિ' મોડીઃ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર વધવાના સંજોગો

રાજકોટ જિલ્લામાં ૫,૩૬,૭૧૯ હેકટર ખેડવાણ વિસ્તારમાંથી ૫,૩૪,૧૦૬માં વાવેતર : ઝીણી માંડવી આવવા લાગી, મોટી હવે આવશેઃ દશેરાથી દિવાળી વચ્ચે બજારોમાં માંડવીના ઢગલા થઈ જવાના એંધાણ

રાજકોટ, તા. ૨૪ :. રાજ્યમાં આ વખતે થોડો મોડો પણ સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે. અત્યારે નિકળેલો વરાપ ખેતી માટે ખૂબ ફાયદારૂપ છે. હવે ખેડૂતો વરસાદની જરૂરીયાત ગણતા નથી. કોઈ કુદરતી કારણ ન સર્જાય તો આ વખતે રાજ્યમાં ખરીફ પાક અને રવિ પાક પુષ્કળ પ્રમાણમાં પાકશે. બજારમાં રાબેતા મુજબ કરતા મગફળી દશેક દિવસ મોડી છે પરંતુ પુષ્કળ પ્રમાણમાં પાક તૈયાર થઈ રહ્યો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થાય તેવા સંજોગો છે. મહારાષ્ટ્રના નાસિક તરફ ડુંગળીનો પાક પુષ્કળ થાય છે, ત્યાં  આ વખતે અતિવૃષ્ટિને કારણે ડુંગળીના પાકને ભારે નુકશાન થયુ છે. અત્યારે બજારમાં છુટક કિલો ડુંગળીના રૂ. ૬૦ થી ૮૦ થઈ ગયા છે. હાલની સ્થિતિ જોતા ખેડૂતોને ડુંગળીના વાવેતરમાં આકર્ષણ થયુ છે.

આ વખતે સૌરાષ્ટ્રમાં ડુંગળી મોટા પ્રમાણમાં વાવવામાં આવે તેવા એંધાણ છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પીળી પત્તી તરીકે ઓળખાતી ડુંગળી વાવવામાં આવે છે. સૌરાષ્ટ્રની મોટા ભાગની જમીન ડુંગળીના વાવેતરને અનુકુળ છે. ૩ થી ૪ માસનો આ પાક છે. દિવાળી પછી ડુંગળીનું વાવેતર થશે. ઉનાળાની શરૂઆતમાં ઉપજ બજારમાં દેખાવા લાગશે. સફેદ ડુંગળી મોટા ભાગે પાવડર બનાવવામાં  વપરાય છે. લાલ અને પીળી પત્તી ડુંગળી સ્વાદમાં વધુ સારી હોવાથી તેનો ખાવામાં મહત્તમ ઉપયોગ થાય છે.

ઘઉં, ચણા, જીરૂ, ધાણા વગેરે ત્રણ - ત્રણ માસના પાક છે. લસણ તૈયાર થતા ચારેક મહિના થાય છે. આ વખતે પાણીની નિરાંત થઈ ગઈ હોવાથી આ ચારેય શિયાળુ પાક મબલખ પ્રમાણમાં થવાના સાનુકુળ સંજોગો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મુખ્યત્વે ડુંગળી અને મગફળી છે.

આ વખતે જુલાઈમાં વરસાદ ન થયો હોવાથી મગફળીનોે પાક દશેક દિવસ મોડો છે. માર્કેટયાર્ડોમાં ઝીણી મગફળીની આવક શરૂ થઈ છે. અમુક પ્રમાણમાં મોટી મગફળી પણ દેખાવા લાગી છે. દર વખતે નવરાત્રીના પ્રારંભે બજારમાં આવતી મોટી મગફળી આ વખતે દશેરા આસપાસ બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં આવવા લાગશે. મગફળીનો પાક પુષ્કળ હોવાથી દશેરાથી દિવાળી સુધીમાં બજારોમાં ડુંગળીનો પાક ચિક્કાર ઠલવાશે તેમ ખેડૂત વર્તુળોનંુ કહેવુ છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે પરંતુ પાક વિપુલ પ્રમાણમાં હોવાથી ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ મળવા બાબતે ખેડૂતોના મનમાં પ્રશ્નાર્થ છે.

(11:50 am IST)