Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કરોડોના ડ્રગ્સ સાથે પોરબંદરમાં ઝડપાયેલા મુંબઇના ઇરફાન શેખને રાજકોટ જેલમાં ડેંગ્યુ ભરખી ગયો

જેલમાંથી બિમારીની સારવાર બાદ ૧૨મીએ સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં ખસેડાયો હતોઃ વહેલી સવારે દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે સેન્ટ્રલ જેલમાં રખાયેલા મુળ મુંબઇના અને પોરબંદરમાં દોઢ વર્ષ પહેલા કરોડોના ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા એક કેદીનું બિમારી સબબ મોત નિપજ્યું છે. આ કેદીને જેલમાંથી ૧૨મીએ સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેને ડેંગ્યુ લાગુ પડ્યાનો રિપોર્ટ આવતાં સારવાર સઘન બનાવવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે તેણે દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દોઢ બે વર્ષ પહેલા પોરબંદરના દરિયા કાંઠેથી અંદાજે ૧૪૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે તે વખતે દેશભરની સુરક્ષા એજન્સીઓએ તપાસમાં ઝંપલાવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સની સપ્લાય કરવામાં મુંબઇના ઇરફાન મહમદભાઇ શેખ (ઉ.૪૪)નું નામ ખુલતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને પોરબંદરની જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો. ત્યાંથી કેટલાક સમય પહેલા રાજકોટની જેલમાં ટ્રાન્સફર કરવામં આવ્યો હતો. એનડીપીએસની કલમો હેઠળ ઇરફાન સામે કાર્યવાહી થઇ હતી.

રાજકોટ જેલમાં રહેલા ઇરફાનની ગત તા.૧૨/૯ના રોજ તબિયત બગડી હતી. તાવ સહિતની ફરિયાદો કરતાં તેને જેલમાં સારવાર અપાયા બાદ વિશેષ સારવાર માટે કેદી જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને ખાસ બંદોબસ્ત હેઠળ પ્રિઝનર વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. તબિબોને પ્રાથમિક તપાસમાં ડેંગ્યુના લક્ષણો દેખાતાં રિપોર્ટ કરાવ્યા હતાં. જેમાં આ રિપોર્ટ પોઝિટીવ આવતાં સારવાર સઘન બનાવવામાં આવી હતી. આ કેદીના સગા સ્વજનોને જાણ કરતાં તેઓ પણ મુંબઇથી આવી ગયા હતાં.

દરમિયાન આજે વહેલી સવારે ઇરફાન શેખનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જી.એન. ઝાલાએ જાણ કરતાં પ્ર.નગરના પીઆઇ બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા, સંજયભાઇ, વિરભદ્રસિંહ, હિરેનભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર ઇરફાન શેખ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર હોવાનું તેના પરિચીતે જણાવ્યું હતું. ડેંગ્યુથી મોત થયું હોઇ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

(11:37 am IST)