Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગાંધી જયંતિએ ઈન્દ્રનીલભાઈ - ટીમ દ્વારા સાયકલ યાત્રા

વેકેશન બાદ ધુંઆધાર નેતા ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂની નવી ઈનિંગ શરૂ : લોકોની સાથે રહી સામાજીક કાર્યો કરશે : ઈન્દ્રનીલભાઈની પત્રકાર પરિષદમાં કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, અતુલ રાજાણી સહિતના અનેક કોંગી કાર્યકરોની પણ હાજરી : 'લોક જાગરણ - ૨૦૧૮ સાયકલ યાત્રા' નો ૨ ઓકટોબરે પોરબંદરથી પ્રસ્થાન અને રાજકોટના ક.બા. ગાંધીના ડેલા ખાતે સમાપન : કુલ ૭ દિ'ની યાત્રા

રાજકોટઃ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ દ્વારા આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં કોર્પોરેટર અને કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, વૈશાલી શીંદે સહિતના કોંગી નેતાઓ - કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ટીમ ઈન્દ્રનીલમાંથી ભાવેશ બોરીચા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ : પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કોંગી અગ્રણી તેમજ રાજકોટના ધુંઆધાર નેતા એવા શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ લાંબાગાળાના વેકેશન બાદ નવી ઈનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. તેઓ દ્વારા આગામી ગાંધી જયંતિના શુભદિવસથી ઈન્દ્રનીલભાઈ અને તેમની ટીમ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨ ઓકટોબરના પોરબંદર ખાતેથી આ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. જયારે ૮ ઓકટોબરના રાજકોટ ખાતે આ યાત્રાનું સમાપન થશે. કુલ ૭ દિવસની આ સાયકલ યાત્રા હશે તેમ તેઓએ જણાવ્યુ હતું.

આજે બપોરે રૈયા રોડ ઉપર એરપોર્ટ નજીક આવેલી ઈન્દ્રનીલભાઈની હોટલ ખાતે તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તા.૨ ઓકટોબરના ગાંધી જયંતિના રોજ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતેથી બપોરે ૩:૩૦ વાગ્યે 'લોકજાગરણ - ૨૦૧૮ સાયકલ યાત્રા'નો પ્રારંભ થશે. આ સાયકલ યાત્રામાં ૪૦થી વધુ સાયકલ સવારો અને ૫૦ થી વધુ સ્કુટર સવારો સાથે જોડાશે. પોરબંદર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થઈ સાંજે ૮ કલાકે રાણા કંડોરણા ખાતે વિરામ થશે. તા.૩ના સવારે ૮ વાગ્યે રાણા કંડોરણાથી પ્રસ્થાન થઈ કુતીયાણાથી સાંજે ૪ વાગ્યે ઉપલેટા પહોંચશે. જયાં સાંજે ૭ વાગ્યે નગરયાત્રા નીકળશે. તા.૪ના સાંજે ૪ વાગ્યે ઉપલેટાથી પ્રસ્થાન થઈ ધોરાજી પહોંચશે. જયાં સાંજે ૭ વાગ્યે ધોરાજીમાં નગરયાત્રા નીકળશે. તા.૫ના શુક્રવારે સાંજે ૪ વાગ્યે ધોરાજીથી પ્રસ્થાન થઈ સાંજે ૭ વાગ્યે જેતપુર પહોંચી અને નગરયાત્રા નીકળશે. તા.૬ના સાંજે ૪ વાગ્યે જેતપુરથી પ્રારંભ થઈ ગોંડલથી સાંજે ૭ વાગ્યે કાગવડ પહોંચશે. તા.૭ના સાંજે ૪ વાગ્યે કાગવડથી પ્રસ્થાન થઈ સાંજે ૭ વાગ્યે ગોંડલમાં નગરયાત્રા નીકળશે. તા.૮ના સાંજે ૪ વાગ્યે ગોંડલથી પ્રસ્થાન થઈ સાંજે ૭ વાગ્યે રાજકોટના ક.બા. ગાંધીના ડેલા ખાતે આ યાત્રાનું સમાપન થશે.

ઈન્દ્રનીલભાઈએ વધુમાં જણાવેલ કે આ સાયકલ યાત્રામાં મારા સહિત ૪૦થી વધુ સાયકલ સવારો સાથે ૫૦થી વધુ સ્કુટરમાં લોકો જોડાશે. તેઓએ જણાવેલ કે ગાંધી જયંતિથી આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ અંગે લોકોને માહિતગાર કરવા માટે પત્રિકાઓનું ઠેર-ઠેર વિતરણ થઈ રહ્યું છે. આ યાત્રામાં કોઈપણ લોકો જોડાઈ શકે છે. ગાંધીજીના પથ ઉપર ચાલવુ એ પણ અમારા માટે મોટી વાત છે. આપણે લોકોએ સાચા અને સારા લોકપ્રતિનિધિને પારખવાની શકિત ગુમાવી દીધી છે? વ્યકિતગત લોભ, લાલચ, મહત્વકાંક્ષા, પ્રસિદ્ધિની ભૂખ, હેમખેમ પ્રકારે પૈસા કમાવવા જેવા નબળા વિચારોથી આપણે જ સમાજ અને દેશની વ્યવસ્થા ખોરવી નાખી છે? આપણે લોકો રાજકીય પ્રતિનિધિને ખરાબ કહીએ છીએ તો શું આપણી સામાજીક, ધાર્મિક અને વ્યાપારીક સંસ્થાઓ કે સામાન્ય લોકો નૈતિક મૂલ્યો જાળવે છે? શું આ વ્યવસ્થા બરાબર છે? આપણને ગેરમાર્ગે દોરીને સત્તાસ્થાને પહોંચવા આવા ભ્રષ્ટ લોકોને શું આપણે પારખવા ન જોઈએ? એવા અનેક મુદ્દાઓ આ પેમ્પલેટમાં ટાંકવામાં આવ્યા છે.

આ સાયકલ યાત્રામાં વધુને વધુ લોકોને જોડાવવા ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ સાયકલયાત્રામાં જોડાવવા તેમજ વધુ વિગતો માટે ફોન નં. ૦૨૮૧- ૨૪૫૭૩૬૨/૩૬૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

કોંગ્રેસને નુકશાન જાય એવી એકપણ પ્રવૃતિ નહિં કરૃં: જરૂર પડશે તો મુખ્યમંત્રીનો પણ કાન આમળીશ

રાજકોટ : પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ દ્વારા ગાંધી જયંતિથી ૭ દિવસીય સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકીય બાબતે તેઓને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના તેઓએ એકદમ શાંતિપૂર્વક જવાબો આપ્યા હતા. તેઓએ મોટો ધડાકો કરતાં  કહ્યું હતું કે મને પણ ભાજપમાં જોડાવવા માટે ઓફર મળેલી, પરંતુ આ મેં ઓફરને ઠુકરાવી દીધી હતી. ભલે આજે હું કોંગ્રેસમાં ન હોઉં, પણ કોંગ્રેસને નુકશાન જાય એવી એક પણ પ્રવૃતિ કયારેય નહિં કરૃં. આજે પણ મારા મતે કોંગ્રેસ દેશ માટે એક શ્રેષ્ઠ વિચારધારા ધરાવતો પક્ષ છે. આજે હું કોંગ્રેસમાં નથી તો પણ હું કોંગ્રેસને ફાયદો ન કરાવી શકું તો નુકશાન તો ન જ કરી શકુ.

ઈન્દ્રનીલભાઈએ વધુમાં જણાવ્યું કે, હું લોકો સાથે હંમેશ રહીશ અને લોકજાગૃતિના કાર્યો કરતો રહીશ અને લોકોના પ્રશ્નો સામે સતત લડતો રહીશ. લોકસેવામાં જો કોઈ એવો પ્રશ્ન સર્જાશે તો જરૂર પડ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ કાન આમળતા અચકાઈશ નહિં.

શું ઓફર હતી? એ પ્રશ્નના જવાબમાં ઈન્દ્રનીલભાઈએ હસીને કહ્યું, થોડું પર્સનલ રહેવા દો મને પણ ભાજપમાંથી ઓફર મળેલી જે મેં ઠુકરાવી દીધેલી : કોંગ્રેસ દેશ માટે શ્રેષ્ઠ વિચારધારા ધરાવતો પક્ષ

રાજકોટ : આજે બપોરે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ ધડાકો કરતા જણાવ્યું હતું કે, મને પણ ભાજપમાંથી ઓફર મળેલી, જે મેં ઠુકરાવી દીધી હતી. શું ઓફર હતી તે પ્રશ્નના જવાબમાં શ્રી રાજયગુરૂએ કહ્યું હતું કે, થોડું તો પર્સનલ રહેવા દો. આજે હું ભલે કોંગ્રેસમાં ન હોઉં, તો પણ લોકોની વચ્ચે રહી અને સેવા કરતો રહીશ.

કોંગ્રેસને નુકશાન જાય તેવી એક પણ પ્રવૃતિ હું નહિં કરૂ. કોંગ્રેસ દેશ માટે એક શ્રેષ્ઠ વિચાર છે. મેં કોંગ્રેસ પક્ષમાં રહી ઘણી સેવાઓ આપી છે. અમુક લોકોને મારા વિચારો યોગ્ય ન લાગતા મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું, પરંતુ આજે પણ હું એવું માનું છું કે કોંગ્રેસની વિચારધારા શ્રેષ્ઠ છે. હું લોકોની સાથે અને લોકોની વચ્ચે રહી સેવાકીય કાર્યો હંમેશા કરતો રહીશ.

(3:49 pm IST)