Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

તંત્રની બેદરકારી

૧II લાખ મિલ્કત ધારકો કાર્પેટ વેરો ભરવાથી વંચીત

પહેલા બીલ તો પહોચાડો... પછી વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરો

રાજકોટ તા. ૨૪ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નવો અમલી બનાવાયેલ કાર્પેટ વેરા ઉપર ૧૦થી ૧૫ ટકા વળતર યોજનાની મુદ્દત આગામી ૩૦મી સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે ત્યારે આ યોજનાનો લાભ શહેરના ૪ લાખ જેટલા રજીસ્ટર્ડ મિલ્કત ધારકો પૈકી માત્ર ૨.૩૮ લાખ જેટલા મિલ્કત ધારકો જ વેરા વળતર યોજનાનો લાભ લઇ એડવાન્સ ટેક્ષ ભરી શકયા છે. જ્યારે હજુ ૧II લાખ લોકો બીલ ભરી નથી શકયા તે પૈકી મોટાભાગનાં લોકો તંત્રની બેદરકારીને કારણે હજુ કાર્પેટ વેરો ભરવાથી વંચીત છે. કેમકે હજારો મિલ્કત ધારકોને વેરા બીલ મળ્યું નથી અને લીંકઅપ - વાંધા અરજીનો નિકાલ થયો નથી વગેરે કારણોથી આ નિર્દોષ કરદાતાઓ વેરા વળતર યોજનાથી વંચિત રહી જવાની ભીતી કેમકે હવે વળતર યોજના પૂર્ણ થવાને માત્ર અઠવાડિયુ જ બાકી છે ત્યારે આ વેરા વળતર યોજનાનો લાભ લેવા પદાધિકારીઓ અપીલ કરી રહ્યા છે.

૧૦% રીબેટ યોજનાનો લાભ લેવા અપીલ કરતા પદાધિકારીઓ

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મિલકત ધારકો ૩૧ મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરે તેને ૧૦% અને ૩૦ જુન સુધી ભરનાર મિલકત ધારકને ૫% અને મહિલા પ્રોપર્ટી ધારકને વિશેષ ૫્રુ રિબેટ આપવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે રાજકોટ શહેરની મિલકતો માટે કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણી પધ્ધતિ લાગુ પડતા તેની સામે શહેરના ઘણા મિલકત ધારકો દ્વારા વાંધા અરજી કરવામાં આવેલ છે. વાંધા અરજીનો નિકાલ થાય અને રીબેટ યોજનાનો લાભ શહેરીજનોને મળી શકે તેવા આશયથી ૨ આ વખત રીબેટ યોજના લંબાવવામાં આવેલ છે. આ રીબેટ યોજના વિશેષ તા.૩૦/૦૯/૨૦૧૮ સુધી લંબાવવામાં આવેલ હોઈ, શહેરના મિલકત ધારકોએ આ રીબેટ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. 

તંત્રની સત્તાવાર યાદી મુજબ અત્યાર સુધીમાં ૨,૩૮,૭૧૯ લાભાર્થીઓએ રીબેટ યોજનાનો લાભ લીધો છે. જેમાં રૂ.૩૦.૪૭ કરોડ ઓનલાઈનથી મિલકત વેરો ભરેલ છે. વિશેષ મિલકત ધારકોને રૂ.૧૦ કરોડથી વધુની રકમ રીબેટ તરીકે આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ રૂ.૧૩૦.૫૬ કરોડની મિલકત વેરાની આવક થયેલ છે.

આમ, હવે ૩૦મીએ વળતર યોજના પૂર્ણ થઇ રહી છે ત્યારે જે ૧II લાખ મિલ્કત ધારકો તંત્રની બેદરકારીને કારણે આ યોજનાથી વંચીત રહી જશે તેને થઇ રહેલ અન્યાય દુર કરવા તંત્ર વ્યવસ્થા કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.

વેરા ભરવામાં ૧૦ના સિક્કા નહીં ચાલે : તંત્રની તુમારશાહીથી કરદાતાને દોડધામ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની વેરા વળતર યોજના હવે પૂર્ણ થવામાં છે ત્યારે કરદાતાઓ વેરો ભરવા લાઇનો લાગે છે, પરંતુ તંત્રની તુમારશાહીને કારણે કરદાતાઓને દોડધામ થઇ રહી છે. આવોજ કિસ્સો આજે સેન્ટ્રલ ઝોનના સિવીક સેન્ટરમાં બનયો હતો. જેમાં મારૂતિ મંદિરના પૂજારી મહંતના પાણી વેરાના રૂ. ૪૦૦૦ ભરવા આવ્યા હતા હતાં અને મંદિરમાં આવેલા રૂ. ૧૦ના ૯૦ સિક્કા સહિતના રોકડ આપતા કેશબારી પરના કર્મચારીઓ રૂ. ૧૦ના સિક્કા લેવાની ના પાડી દેતા આ પૂજારીને દોડધામ થઇ હતી અને ટેકસ ઓફીસરને રજૂઆત કરતા ટેકસ ઓફીસરે સ્વીકાર્યું હતું કે 'રિઝર્વ બેન્કના પરિપત્ર મુજબ મ્યુ. કોર્પોરેશને રૂ. ૧૦૦૦ સુધીની રકમના રૂ. ૧૦ના સીક્કા સ્વીકારવા પડે' પરંતુ આમ છતાં કેશબારી પર રૂ. ૧૦ના સીક્કા નહીં લેવાતા આ કરદાતાને દોડધામ થઇ હતી.

(3:22 pm IST)