Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સિવિલ હોસ્પિટલમાં ડો. સચીને હવસખોરી આચર્યા બાદ મહિલા તબિબને ધમકી આપીને કહેલું-કોઇને જાણ કરીશ તો કેરિયર ખત્મ કરી નાંખીશ!

૩૧-૮ની રાત્રે ત્રણ વાગ્યે નવી ઓપીડીના પાંચમા માળે રેસિડેન્ટ રૂમમાં આરામ કરવા સુતેલા મહિલા તબિબ સાથે સિનીયર ડો. સચિન સિંઘે આચરી બળજબરીઃ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા : કારકિર્દી ખત્મ કરવાની અને મારી નાંખવાની ધમકી અપાતાં મહિલા તબિબ ખુબ ગભરાઇ ગયા'તાઃ આમ છતાં બે તબિબો અને માતા-પિતાને જાણ કરી'તીઃ ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામીએ કમિટી રચી સાંત્વના પાઠવીઃ એ પછી ડો. સચીન સિંઘ છ માસ માટે સસ્પેન્ડ થતાં મહિલા તબિબને હિમ્મત આવી અને ફરિયાદ કરી

એક દૂષ્કર્મી ડોકટરે સિવિલ હોસ્પિટલને  લગાવ્યું લાંછનઃ તબિબી આલમમાં ખળભળાટ : શહેરની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ તેની કામગીરીને કારણે સોૈરાષ્ટ્રભરમાં સારી નામના ધરાવે છે. પરંતુ આ હોસ્પિટલમાં જ એક સિનીયર ડોકટરે જુનિયર મહિલા ડોકટર સાથે ન કરવાનું કરતાં પાપ છાપરે ચડ્યું છે. તબિબે જ તબિબી છાત્રા પર અને એ પણ હોસ્પિટલનમાં જ બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસમાં જાહેર થતાં સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. તબિબી આલમમાં પણ ચકચાર મચી ગઇ છે. તસ્વીરમાં સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ, જ્યાં ઘટના બની અને નવી ઓપીડીનો રેસિડેન્ટ રૂમ જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં ઘટનાની માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, પી.આઇ. બી. એમ. કાતરીયા અને બાજુની તસ્વીરમાં આરોપી ડો. સચિન સિંઘ સાથે હેડકોન્સ. દેવશીભાઇ રબારી અને અરવિંદભાઇ મકવાણા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: શહેરની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી બિલ્ડીંગમાં પાંચમા માળે મહિલા તબિબ સાથે સિનીયર ડોકટર સચીન સંતોષકુમાર સિંઘ (ઉ.વ.૨૮)એ પાંચમા માળના ફિમેલ વોર્ડના રેસિડેન્ટ ડોકટરના રૂમમાં જ બળાત્કાર ગુજાર્યાની ઘટના બનતાં તબિબી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ૩૧ ઓગષ્ટની રાત્રીના ત્રણેક વાગ્યે મહિલા તબિબ તેના રૂમમાં આરામ કરતાં હતાં ત્યારે સિનીયર ડોકટર સચીન સિંઘ પર વાસનાનો કીડો સવાર થયો હતો અને જબરદસ્તીથી મહિલા તબીબ સાથે બળાત્કાર ગુજારી 'જો કોઇનેવાત કરીશ તો તારૃં કેરિયર ખત્મ કરી દઇશ' તેવી ધમકી આપી હતી. ગભરાયેલા મહિલા તબિબે આમ છતાં બીજા તબિબો અને પોતાના માતા-પિતા-ભાઇને જાણ કરી હતી.  ડીનને પણ જાણ કરી હતી, પણ તેણે કમિટી રચી તપાસ થશે તેવી ખાત્રી આપી હતી. દૂષ્કર્મ કરનારા ડોકટરને છ માસ માટે સસ્પેન્ડ કરી દેવાતાં અંતે મહિલા તબિબમાં હિમ્મત આવતાં શનિવારે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તાકીદે તબિબની ધરપકડ કરી લઇ રિમાન્ડ મેળવ્યા છે.

આ મામલે મહિલા તબિબની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે આઇપીસી ૩૭૬ (૨) ઇ-૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કર્યો છે. મહિલા તબિબે એફઆઇઆરમાં જણાવ્યું છે કે તે તબિબી અભ્યાસ કરે છે. એકાદ મહિના પહેલા નવી ઓપીડી બિલ્ડીંગમાં પાંચમા માળે પોતે ફિમેલ સર્જીકલ વોર્ડમાં પ્રેકટીસમાં હતાં ત્યારે ડો. સચીન સિંઘે બે વખત વાત કરેલ કે 'તું મને ખુબ જ ગમે છે, મારે તારી સાથે રિલેશનશીપ રાખવી છે' આ સાંભળી પોતે ચોંકી ગયેલ અને પોતાને કોઇની સાથે રિલેશનશીપ કે ફ્રેન્ડશીપમાં રસ નહિ હોવાનું અને માત્ર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવું છે તેમ જણાવી દીધુ હતું. તેમજ આવી વાતો હવે પછી કોઇ દિવસ નહિ કરવા પણ ડો. સચીનને ચેતવી દીધો હતો. આમ છતાં તેણે વારંવાર સંબંધ રાખવા માંગણી કરી હતી. પણ પોતે તેને સતત જાકારો આપ્યો હતો.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે  તા. ૩૧-૮-૧૮ના રાત્રીના સમયે આ મહિલા તબીબ, બીજા એક મહિલા તબીબ અને ડો. સચીનની નોકરી નવી ઓપીડીમાં ફિમેલ સર્જીકલ વોર્ડમાં હતી. એ રાત્રે ત્રણેક વાગ્યે મહિલા તબિબે ફિમેલ વોર્ડના રેસિડેન્ટ રૂમમાં આરામ કરવા ગયા હતાં. નિયમ મુજબ દરવાજાને અંદરથી લોક કર્યો નહોતો. થોડીવાર બાદ અચાનક ડો. સચીન રૂમાં ઘુસી ગયો હતો અને અડપલા ચાલુ કરી દીધા હતાં. આથી મહિલા તબિબ સફાળા જાગી ગયેલ અને ઉભા થવા જતાં હતાં ત્યાં જ તેણે પછાડી દીધેલ. તેણી રાડો પાડવા માંડતા મોંઘે ડુમો દઇ જબરદસ્તીથી સંભોગ કરી લીધો હતો. ત્યારબાદ ડો. સચીને ધમકી આપી હતી કે જો કોઇને આ વાત કરી છે તો તારૂ કેરિયર ખત્મ કરી નાંખીશ અને તને જાનથી મારી નાંખીશ.

આ ઘટના બાદ મહિલા તબિબ ખુબ ગભરાઇ ગયેલ અને બીકના માર્યા કોઇને વાત કરી નહોતી. એ પછી બીજા દિવસે સાંજે બીજા બે તબિબને વાત કરી હતી અને ત્યારબાદ પોતાના માતા-પિતાને પણ ફોનથી જાણ કરી હતી. આ સાંભળી માતા-પિતા પણ હેબતાઇ ગયા હતાં અને રાજકોટ આવ્યા હતાં. એ પછી પી.જી. ટીચરને મળવા ગયા હતાં. પણ તે બહાર હોઇ ફોનમાં વાતચીત કરી હતી કે ડો. સચીને સેકસ્યુઅલ હેરેસમેન્ટ કર્યુ છે. એ પછીએચઓડી ડોકટરને મળીને ગભરાતા ગભરાતાવાત કરી હતી. ત્યારબાદ ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામિને જાણ કરી હતી. ડીને મહિલા તબિબ તથા તેમના માતા-પિતાને મળવા બોલાવ્યા હતાં. જ્યાં એક મિટીંગમાં મહિલા તબિબે બીજા મહિલા તબિબો તથા એચઓડી સહિતની હાજરીમાં પોતાની સાથે ડો. સચીને જે કર્યુ તેની વિગતો જણાવી હતી તેમજ પોતાની કારકિર્દી ખત્મ કરવાની ડો. સચીને ધમકી આપ્યાની વાત પણ જણાવી હતી. આ ઉપરાંત ડો. સચીને મારી નાંખવાની ધમકી પણ આપી હોઇ તેના વિચારો સતત આવતાં હોઇ જેથી ડીન સહિતની સામે તેણીએ ફકત સેકસ્યુઅલ હેરેસમેન્ટ જ થયાની વાત કરી હતી.

આ તમામે આ મામલે કમિટી તપાસ કરશે અને ડો. સચીનને સજા કરશે તેવી વાત કરી હતી. ડીને લેખિતમાં આપેલ કે હવે પછી તમારી સાથે આવો બનાવ નહિ બને તેમ કહી સાંત્વના આપી હતી અને કોઇ તમારું કેરિયર ખરાબ કરશે નહિ તેવી હિમ્મત પણ આપી હતી. આમ છતાં પોતે ખુબ ડરી ગયેલ હોઇ જેથી માતા-પિતા સાથે વતન જતાં રહેલ. ડો. સચીનની ધમકીથી પોતે ખુબ ગભરાઇ ગયેલ હોઇ ફરિયાદ કરી નહોતી. પણ ડો. સચીનને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયાની જાણ થતાં માતા-પિતા સહિતે હિમ્મત આપતાં પોતે શનિવારે રાજકોટ આવેલ અને પોલીસ કમિશ્નરશ્રીને મળી રજૂઆત કરતાં અંતે ડો. સચીન સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉચ્ચ અધિકારીની રાહબરી હેઠળ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં  ે પી.આઇ. બી.એમ. કાતરીયા, મહિલા પીએસઆઇ એચ. જે. બરવાડીયા, સંજયભાઇ દવે, મહેન્દ્રભાઇ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, અશોકભાઇ કલાલ, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર, જયેન્દ્રસિંહ પરમાર, વિરભદ્રસિંહ જાડેજા સહિતે કાર્યવાહી કરી ડો. સચીન સંતોષકુમાર સિંંઘની ધરપકડ કરી તેનું તબિબી પરિક્ષણ કરાવવા સહિતની કાર્યવાહી કરી છે. તેમજ હાલ ડોકટર રિમાન્ડ પર છે. સિવિલ હોસ્પિટલમાં આ ઘટનાથી ખબળભળાટ મચી ગયો છે. (૧૪.૮)

પોલીસ કમિશ્નર, મહિલા પીએસઆઇ અને સાયકોલોજીસ્ટે છ કલાક કાઉન્સેલીંગ કર્યુ પછી મહિલા તબિબ ફરિયાદ નોંધાવવા તૈયાર થયાઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહિલા તબિબ સાથે સિનીયર ડો. સચિન સિંઘે જે કૃત્ય આચર્યુ તે અંતર્ગત તેની ધરપકડ થઇ છે. ફરિયાદ મોડી થઇ એનું કારણ એ છે કે મહિલા તબિબ સતત ગભરાઇ ગયા હતાં. ડો. સચીન સસ્પેન્ડ થયા બાદ તેઓ તેના માતા-પિતા સાથે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સમક્ષ શનિવારે મળવા આવ્યા હતાં. અહિ છ કલાક સુધી પોલીસ કમિશ્નરશ્રી, એક સાયકોલોજીસ્ટ અને મહિલા પીએસઆઇ દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવ્યા બાદ મહિલા તબિબ ફરિયાદ નોંધાવવા તૈયાર થયા હતાં. જેના આધારે ડો. સચીન સિંઘ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ડો. સચીને બે વખત કહેલું કે 'તું મને ખુબ ગમે છે, મારે તારી સાથે રિલેશનશીપ રાખવી છે'

પણ મહિલા તબિબે જાકારો આપી કહેલું કે-મને આવી કોઇ બાબતમાં રસ નથી, માત્ર અભ્યાસમાં ધ્યાન રાખવું છેઃ છતાં ડો. સચીન પાછળ પડી ગયો'તો અને છેલ્લે પોત પ્રકાશ્યું

. સિનીયર ડોકટર દ્વારા બળાત્કારનો ભોગ બનેલા જુનિયર મહિલા ડોકટરે પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે એકાદ મહિના પહેલા પોતે પોતાની નોકરી પર હતાં ત્યારે ડો. સચીને આવીને કહેલું કે તું મને ખુબ જ ગમે છે અને મારે તારી સાથે રિલેશનશીપ રાખવી છે. ત્યારે  તેને સ્પષ્ટ કહી દીધુ હતું કે આવી કોઇ રિલેશનશીપ કે ફ્રેન્ડશીપમાં રસ નથી અને આવી બાબતોની વાત પણ ન કરવી. પોતાને માત્ર અભ્યાસમાં જ ધ્યાન કેન્દ્રીત કરવું છે તેવી વાત પણ કરી હતી. આમ છતાં ડો. સચીન વારંવાર સંબંધ રાખવા દબાણ કરતો હતો અને પોતે તેને સતત ઇગ્નોર કર્યો હતો. છેલ્લે ૩૧ ઓગષ્ટની રાતે ડો. સચીન સિંઘે પોત પ્રકાશ્યું હતું અને હેવાનીયત આચરી લીધી હતી.

ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી સમક્ષ સેકસ્યુઅલ હેરેસમેન્ટની વાત આવતાં  કમિટી રચી

ડો. સચીનને છ માસ માટે સસ્પેન્ડ કર્યો એ પછી મહિલા તબિબ ફરિયાદ નોંધાવવા તૈયાર થયા

. સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગમાં જ એક મહિલા તબિબ-છાત્રા સાથે સિનીયર ડો. સચિન સિંઘે ન કરવાનું કર્યાની ઘટનાની જાણ જે તે રાતના બિજા દિવસે જ ભોગ બનનાર મહિલા તબિબે બીજા બે ડોકટરોને તેમજ પોતાના માતા-પિતાને જાણ કરી હતી. એ પછી ભોગ બનનારે માતા-પિતાને સાથે રાખી ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે આ મહિલા તબિબે પોતાની સાથે ડો. સચીનસરે સેકસ્યુઅલ હેરેસમેન્ટ કર્યાની અને ધમકી આપ્યાની વાત કરી હતી. ત્યારે ડીને કોઇ તમારી કારકિર્દી બગાડશે નહિ અને ડો. સચીન સિંઘ સામે તપાસ કરવા કમિટી રચાશે તેવી સાંત્વના આપી હતી. એ પછી ભોગ બનનાર તબિબી છાત્રા વતન જતાં રહ્યા હતાં. હવે ડો. સચિન સિંઘને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાનું જાણવા મળતાં અંતે તેણી ફરિયાદ નોંધાવવા તૈયાર થયા હતાં.

બળાત્કારની ખુબ જ આકરી કલમ હેઠળ ગુનો

. ભોગ બનનાર તબિબી છાત્રાની ફરિયાદ પરથી તેના સિનીયર ડો. સચીન સિંઘ સામે પોલીસે આઇપીસી ૩૭૬-૨ (ઇ), ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો છે. કોઇપણ હોસ્પિટલના સંકુલમાં ત્યાંના જ મહિલા કર્મચારી ઉપર બળાત્કાર થાય તો ૩૭૬-૨ (ઇ) કલમ ખુબ જ ગુનો નોંધાય છે અને આ કલમ હેઠળ કડકમાં કડક સજાની કાયદામાં જોગવાઇ છે. જેથી આ ભારે કલમ હેઠળ ગુનો દાખલ થયો છે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પી.આઇ. બી. એમ. કાતરીયાએ જણાવ્યું હતું.

ડોકટરે પોતાના મોબાઇલના મેસેજ ડિલીટ કરી નાંખ્યા

. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ આ બનાવની તપાસ પ્રારંભે મેડિકલ કોલેજના ડીન દ્વારા કમિટી રચીને કરવામાં આવી હોઇ તેમની પાસેથી પણ વિગતો મેળવવામાં આવશે. તેમજ સિવિલ હોસ્પિટલના જે રૂમમાં ઘટના બની છે ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીના મોબાઇલ ફોનની તપાસ થશે. જો કે તેણે મેસેજ ડિલીટ કરી નાંખ્યા હોઇ ફોરેન્સિક લેબમાં ફોન મોકલાવમાં આવશે.

ડો. સચિન મુળ એમ.પી.નોઃ પરિવારજનો અમદાવાદ રહે છે

. ડો. સચિન સિંઘ મુળ મધ્યપ્રદેશના છીંદવાડાનો છે. તેના પરિવારજનો દસ વર્ષથી અમદાવાદ નિકોલમાં રહે છે. ડો. સચિને એમબીબીએસ અમદાવાદમાં પુરૂ કર્યુ છે અને બે વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

(3:46 pm IST)