Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રેસકોર્ષ રીંગ રોડ પર રવિવારે સાંજે ત્રણ વાહનોને ઉલાળી, ત્રણને ઘાયલ કરી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ

રાજકોટઃ રવિવારની સાંજે રેસકોર્ષ રીંગ રોડ પર વધુ પડતો ટ્રાફિક હોય છે.  ત્યારે સાંજે પાંચેક વાગ્યે રીંગ રોડ પર બિગ બાઇટની સામેના ભાગે જીજે૩કેસી-૪૬૮૮ એકાએક બેકાબૂ બની ગઇ હતી અને લાગલગાટ ત્રણ વાહનોને ઉલાળી દેતાં નાશભાગ મચી ગઇ હતી. અકસ્માતમાં લાઇનબોય, તેમના મિત્ર અને એક મોપેડ ચાલકને ઇજા થઇ હતી. અકસ્માતમાં ઘવાયેલા મવડી પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં ધનરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.૨૨) તથા તેના મિત્ર હરવિંજયસિંહ અને એક મોપેડ ચાલક ઝુલેલાલનગરના જેનાભાઇ (ઉ.૫૦)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પ્ર.નગરના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ ધનરાજસિંહની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. ધનરાજસિંહના કહેવા મુજબ રવિવારે સાંજે પોતે મિત્ર હરવિજયસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (ઉ.૧૮-રહે. રૂડા-૨) સાથે રેસકોર્ષ ફરવા આવ્યા હતાં. શિવ આઇસ્ક્રીમ પાસે  પેટ્રોલ પંપ ખાતે એકટીવા જીજે૩કેએફ-૪૯૪૧માં પેટ્રોલ પુરાવી કિશાનપરા તરફ જતાં હતાં ત્યારે પાછળથી આવતી ક્રેટા કાર જીજે૩કેસી-૪૬૮૮ના ચાલકે એકટીવાને જોરદાર ટક્કર મારતાં પોતે તથા મિત્ર હરવિજયસિંહ રોડ પર ફેંકાઇ ગયા હતાં. ત્યાં આ કારે બીજા ટુવ્હીલર ટીવીએસ મોપેડ જીજે૩જેઇ-૧૬૪૦ને પણ ઉલાળતાં તેના ચાલક પણ ફેંકાઇ ગયા હતાં. એ પછી કાર ફૂટપાથ પર ચડી ગઇ હતી. એ પહેલા એકટીવા જીજે૩ઇબી-૬૮૮૬ને ઉલાળતાં તેમાં નુકસાન થયું હતું. આ કાર કોણ ચલાવતું હતું. તસ્વીરમાં અકસ્માત સ્થળે વાહનો અને સિવિલમાં દાખલ થયેલા ઇજાગ્રસ્તો દેખાય છે. તપાસનીશ પી.એન. ત્રિવેદીના કહેવા મુજબ કાર નંબરને આધારે તપાસ થતાં કાર માલિક મિતેશભાઇ હિન્દુસ્તાની હોવાનું જાણવા મળ્યું છે. પણ તે ઘરે મળ્યા ન હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. કાર કોણ ચલાવતું હતું? તે પણ જાણવા મળ્યું નથી. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:59 pm IST)