Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાજકોટમાં અનેક વિસ્તારો જળબંબાકાર : જનજીવન ઠપ્પ

૨૪ કલાકમાં ૬ ઇંચ પાણી પડી ગયુ : તંત્રનો કંટ્રોલરૂમ સતત વ્યસ્ત : સતત વરસાદ વરસતા લક્ષ્મીનગર નાલુ - પોપટપરા નાલુ પાણીથી હાઉસફુલ : આસપાસના રહેણાંકોમાં પાણી ફરી વળ્યા : ૧૫૦ રીંગ રોડ, હરીધવા રોડ, સુભાષનગર, ઘનશ્યામનગર, શાસ્ત્રી મેદાન, રેસકોર્ષ મેદાન, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ : ઘરવખરી - વાહનોને નુકસાન

જળનગરીમાં ફેરવાયુ શહેર : ૨૪ કલાક સતત વરસાદથી શહેર જળનગરીમાં ફેરવાયુ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ નદી બન્યા હતા જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪ : શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ૯ વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ પડી જતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી.

ગઇકાલથી સતત હળવા ભારે વરસાદથી શહેરનું લક્ષ્મીનગર નાલુ અને પોપટપરા નાલુ પાણીથી હાઉસફુલ થઇ જતાં આ નાલા આસપાસના રહેણાંકોમાં પાણી ઘુસવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

લક્ષ્મીનગર નાલાની સામેની ઝુંપડપટ્ટીના રહેવાસીઓનું સ્થળાંતર કરવું પડયું હતું. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ અને રૈયા ચોકડી વિસ્તારોમાં ગોઠણબુડ પાણી ભરાયા હતા.

જ્યારે શાસ્ત્રી મેદાન, રેસકોર્ષ મેદાનમાં તળાવડા ભરાઇ ગયા હતા.

કોઠારીયા રોડ વિસ્તારમાં હરિધવા રોડ પર આવેલી સુભાષનગર, ઘનશ્યામનગર વગેરે સોસાયટીઓમાં પાણી ભરાઇ જતાં લોકોના ઘરોમાં પાણી ઘુસતા ઘરવખરીને નુકસાન થયાની ફરિયાદ ઉઠવા પામી હતી.  જ્યારે શહેરના રૈયા રોડ, કનૈયા ચોક, એરપોર્ટ રોડ, રેસકોર્ષ રીંગ રોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી.

આમ, સતત વરસાદથી શહેરની સ્થિતિ જળબંબાકાર થઇ હતી અને દુધ - શાકભાજી જેવી જીવન જરૂરીયાતની અનેક ચીજવસ્તુઓની અછત સર્જાયેલ.

બજારોમાં વરસાદી કર્ફયુની સ્થિતિ સર્જાયેલ. જનજીવન વરસાદથી પ્રભાવીત થયું હતું અને ઠપ્પ જેવી સ્થિતિ સર્જાયેલ.

(3:42 pm IST)