Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રૂ.૪ લાખની મુર્તી ચોરી ગયાની સ્વામી મંદિરના કોઠારી સ્વામી-ટ્રસ્ટીઓ વિરૂધ્ધ પોલીસ વડા સમક્ષ ફરીયાદ

રાજકોટ, તા., ૨૪: ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની રૂ. ૪,૦૦,૦૦૦ની મુર્તી અને ૩૪૦ કિલો વજનની તીજોરી લુંટ ચલાવી ઉપાડી ગયાની ફરીયાદ રાજયના પોલીસ વડા સમક્ષ ફરીયાદ થતા ચકચાર જાગી હતી.

શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર બાબરીયા કોલોની રાજકોટના દર્શપ્રિયસ્વામી (કોઠારી સ્વામી) તેમજ રાધા રમણ દેવ વહીવટી કમીટીના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૯૦, ૩૯ર, ૩૮૬, ૩૮૯, ૩૪૦, ૩૪ર, ૩ર૬, પ૦૬(ર), ૧૧૪, ૧ર૦ (બી) મુજબ ગુનો નોંધવા ફરીયાદ કરવામાં આવી છે.

ભગવાન શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ, જુનાગઢમાં છેલ્લા ૧પ વર્ષથી પ્રતિનિધિ તરીકે સેવા આપતા એવા ગણેશભાઇ દેવશીભાઇ ડાભીએ એમ.આર.હેન્ડીક્રાફટ રાજસ્થાનથી રૂ. ૪,૦૦,૦૦૦ની કિંમતની ભગવાનશ્રી ઘનશ્યામજી મહારાજની મુર્તી ખરીદેલ. જે મુર્તી અને ૩૪૦ કિલો વજનની તીજોરી રાધા રમણ દેવ વહીવટી કચેરીના દાયરામાં આવતા શ્રી સ્વામી નારાયણ મુખ્યમંદિર, બાબરીયા કોલોની રાજકોટમાં રાખેલ હતા. આ મંદિરમાં કાયદાકીય પ્રક્રિયા પુરી કર્યા વગર ગેરકાનુની ઢબે નવા ટ્રસ્ટીઓ નિયુકત કરી રાજકીય વગનો ઉપયોગ કરી કોઇ પણ કોર્ટના ઓર્ડર વિના મિલ્કતનો કબ્જો લેવા પોલીસ આવી શકાય નહી છતા પણ પોલીસ રક્ષણ સાથે રાખી મંદિરનો કબ્જો લઇ લીધેલ હતો અને તાત્કાલીક દર્શનપ્રીયસ્વામીને કોઠારી સ્વામી બનાવી દેવામાં આવેલ હતા.

કિંમતી રકમની મુર્તી આ મંદિરમાં હોય લેવા ગયેલ તો ફરીયાદી ગણેશભાઇ ડાભીને ગોંધી રાખેલ અને કલાકો સુધી જવા દીધેલ નહી અને મોતનો ભય ફેલાવી આ દર્શનપ્રિયસ્વામી (કોઠારી સ્વામી)  અને બની બેઠેલા ટ્રસ્ટીઓ મુર્તીની લુંટ ચલાવી અમારી રૂ. ૪,૦૦,૦૦૦ ની કિંમતની મુર્તિ હડપ કરી ગયેલ છે.

આ અંગે રાધા રમણ દેવ વહીવટી કમીટીના પ્રતિનિધી ૧પ વર્ષથી પ્રતિનિધી તરીકે સેવા આપનાર ગણેશભાઇ દેવશીભાઇ ડાભીએ ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી (ડી.જી.પી.) પોલીસ ભવન, ગાંધીનગર સમક્ષ દર્શનપ્રિયસ્વામી (કોઠારી સ્વામી) અને રાધા રમણ દેવ વહીવટી કમીટી જુનાગના ટ્રસ્ટીઓ લુ઼ટ ચલાવી મોતનો ભય ફેલાવી કલાકો સુધી ગોંધી રાખી રૂ. ૪,૦૦,૦૦૦ ની માતબર કિંમતની  ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની મુર્તિ ઉપાડી જઇ હડપ કરી ગયા હોય તેવા વિરૂધ્ધ આઇપીસી. કલમ ૩૯૦, ૩૯ર, ૩૮૬, ૩૪૦, ૩૪ર, ૩ર૬, પ૦ર(ર), ૧૧૪, ૧ર૦, ૧ર૦(બી) મુજબ ગુન્હો રજી. લઇ સીટ બેસાડવા અથવા તો ડીવાયએસપી સી.આઇ.ડી.સી.  ક્રાઇમને આગળની કાર્યવાહી થવા ફરીયાદ કરેલ છે. આ કામે એડવોકેટ તરીકે એસ.કે.છાયાને રોકવામાં આવેલ છે.

(3:19 pm IST)