Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કુંવારી મા બનેલી યુવતિએ લોધીકાની સીમમાં નવજાત પુત્રને ફેંકી દીધોઃ પોલીસે શોધી કાઢી

પરપ્રાંતિય આદિવાસી યુવતિની તબિયત બગડતાં તે પણ સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૨૪: લોધીકામાં સરકારી હોસ્પિટલ પાછળ ખરાબામાંથી ગઇકાલે તાજુ જન્મેલું બાળક મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. આ બાળકની લોધીકા સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જીવીત અને નવજાત આશરે બે દિવસના વયના બાળકને કોણે અને શા માટે ત્યજી દીધી? તે અંગે પોલીસે તપાસ શરૂ કરતાં આ બાળકનો જન્મ કુંવારી માની કૂખેથી થયાનું ખુલતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગઇકાલે લોધીકાની હોસ્પિટલની પાછળના ભાગે ખરાબામાંથી બે દિવસની વયનો તાજો જન્મેલો પુત્ર મળી આવ્યો હતો. બનાવને પગલે પોલીસે ત્યાં પહોંચી બાળકને રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો. તપાસ થતાં આ બાળકનો જન્મ બે દિવસ પહેલા લોધીકાની હોસ્પિટલમાં જ થયાનું અને જન્મ આપનાર યુવતિ કુંવારી માતા હોવાનું સામે આવતાં હાલ પોલીસે બાળકને જન્મ આપી ત્યજી દેવા અંગે ગુનો નોંધ્યો છે.

બાળકનને જન્મ આપનાર યુવતિની પણ તબિયત બગડી હોઇ તેને પણ સારવાર માટે દાખલ કરવામાં આવી છે. તેની સાથે દૂષ્કર્મ થયું છે કે પછી પ્રેમી થકી બાળકને જન્મ આપ્યો? તે સહિતના મુદ્દે લોધીકા પોલીસ વધુ તપાસ કરે છે.

(1:13 pm IST)